હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકે ચેતવણી આપી હતી કે કોરોનાવાયરસનો નવો ભારતીય વેરિયન્ટ “જંગલની આગની જેમ” ફેલાય છે અને તેનાે ફેલાવાે રોકવા સ્થાનિક લોકડાઉનની જરૂર પડી શકે છે. કોરોનાવાયરસના આ નવા ભારતીય વેરિયન્ટ સામે રસી કામ કરતી હોવાના નવા પુરાવાઓથી “વધુ આત્મવિશ્વાસ” મળ્યો છે. વૈજ્ઞાનિકોએ લોકોને ગભરાવા નહીં અને છતાં સાવચેત રહેવા જણાવ્યું છે.
નવો વેરિયન્ટ જે રીતે ફેલાય છે તે જોતાં સરકાર દિવસમાં એક મિલિયન લોકોને રસી આપવાની આશા રાખે છે. મિનિસ્ટરોએ સાંસદોને જણાવ્યું છે કે તેઓ એક પખવાડિયામાં રસીની દૈનિક માત્રાની સંખ્યા 5,00,000થી વધારીને 8,00,000 સુધી કરશે અને ઉનાળા દરમિયાન સંભવત: તે એક મિલિયન સુધી લઇ જશે. યુકેમાં 20 મિલિયનથી વધુ પુખ્ત વયના લોકોએ રસીના બંને ડોઝ લીધા છે જ્યારે કુલ 56 મિલિયન ડોઝ આપવામાં આવ્યા છે. 69 ટકા લોકોએ ઓછામાં ઓછો એક ડોઝ લીધો છે.’’
હેન્કોકે જણાવ્યું હતું કે કેન્ટના વેરિયન્ટથી પણ ભારતીય વેરિયન્ટ 50 ટકા વધુ ટ્રાન્સમિસિબલ હોવાની ચિંતાઓ છતાં સોમવારે ઇંગ્લેન્ડમાં નિયંત્રણો હળવી કરવા ‘યોગ્ય’ હતા. બોલ્ટન જેવા વિસ્તારોમાં તેના ફેલાવાને રોકવા માટે સ્થાનિક લોકડાઉન લાદવાની શક્યતાનો તેમણે ઇનકાર કર્યો ન હતો. સરકારને આશા છે કે વધારાના ટેસ્ટીંગ અને રસીના બીજા ડોઝના કારણે રાષ્ટ્રની સલામત શરૂઆત થશે. આ અઠવાડિયાથી 35થી વધુ વયના લોકોને રસી આપવામાં આવશે.
હેનકોકે કહ્યું હતું કે ‘’નોર્થ વેસ્ટના બોલ્ટન અને બ્લેકબર્ન સહિતના વિસ્તારોમાં ભારતીય વેરિયન્ટ “પ્રભાવશાળી સ્ટ્રેઇન” બની રહ્યો છે. અમે લોકોને રસી આપી રહ્યા છીએ અને તેની ખાતરી કરવા માટે ઘરે ઘરે જઈ રહ્યા છીએ. રસી લેવા માટે અમે લોકોને મનાવીએ છીએ. બોલ્ટનમાં બંને રસી મળી હોવા છતાં કોઇનું મરણ થયું હોવાનું ધ્યાનમાં નથી. હોસ્પિટલમાં દાખલ પાંચ લોકોએ તેમની પ્રથમ રસી લીધી હતી. જ્યારે એક વ્યક્તિને બંને ડોઝ લીધા હોવા છતાં દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ તે વ્યક્તિ નબળી હાલત ધરાવતી હતી. બોલ્ટન એક વર્ષથી લોકડાઉનમાં છે, પણ હજૂ જરૂર પડે તો તે પગલું લેવું પડે અને જો લોકોને બચાવવા માટે જરૂરી હોય તો અમે તે કરીશું. સરકાર જૂન 14ના રોજ 21 જૂનના લોકડાઉનમાંથી બહાર નીકળવાના રોડમેપના અંતિમ પગલા તરીકે તમામ કાનૂની પ્રતિબંધો સમાપ્ત કરી શકાય કે કેમ તેની જાહેરાત કરશે.’’
રોગચાળાના નિષ્ણાત અને સરકારના વૈજ્ઞાનિક સલાહકાર જૂથ સેજના પ્રોફેસર જ્હોન એડમંડ્સે લોકોને ભારતીય વેરિયન્ટ વિશે નહિં ગભરાવા અને સાચવવા વિનંતી કરી હતી. કેન્ટ વેરિયન્ટ પહેલી વાર ત્રાટક્યો તેના કરતા હવે કરતાં ઘણા વધારે સારા સ્થાને છીએ. હોસ્પિટલો કોવિડ દર્દીઓથી વર્ચ્યુઅલ રીતે ખાલી છે, પુખ્ત વસ્તીના બે તૃતીયાંશ લોકોને રસી આપવામાં આવી છે અને નવા ખતરાનો સામનો કરવા માટે અમે ઘણી સારી સ્થિતિમાં છીએ. તે વેરિયન્ટ યુકેમાં એકદમ વ્યાપક રૂપે રોપાયો છે અને ટૂંક સમયમાં જ પ્રબળ બનવાની સંભાવના છે.”