ભાગેડુ ડિફોલ્ટર્સ મેહુલ ચોકસી, નિરવ મોદી અને વિજય માલ્યાની કંપનીઓ સહિત દેશના ટોચના ૫૦ વિલફુલ ડિફોલ્ટર્સની 30 સપ્ટેમ્બર 2019 સુધીની રૂ૬૮,૬૦૭ કરોડની બાકીની લોન રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ માંડવાળ કરી દીધી છે. એક તરફ બેન્કો અને સરકાર સામાન્ય માણસના મકાનના હપ્તા પણ છોડતી નથી અને કોરોના જેવી બીમારીના સંકટમાં તેમણે ત્રણ મહિનાની મહેતલ આપવામાં આવે છે ત્યારે બીજી તરફ મોટા ઉદ્યોગકારોની આટલી મોટી રકમ માફ કરી દેવાતાં ખળભળાટ મચી ગયો છે.
સાકેત ગોખલે નામના એક આરટીઆઈ એક્ટિવિસ્ટના સવાલના જવાબમાં રિઝર્વ બેન્કે આ યાદી(જુઓ બોક્સ) જાહેર કરી છે જેમાં મોટાભાગના ગુજરાતીઓ છે.ભાગેડુ આરોપી ચોકસીની કંપની ગીતાંજલિ જેમ્સ આ યાદીમાં રૂ ૫,૪૯૨ કરોડની રકમ સાથે ટોચ પર છે. આરઇઆઇ એગ્રો રૂ ૪,૩૧૪ કરોડ અને વિન્સમ ડાયમંડ્સ રૂ૪,૦૭૬ કરોડ સાથે એ પછીના ક્રમે છે. રોટોમેક ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડે રૂ૨,૮૫૦ કરોડની ચુકવણીમાં નાદાર થઇ છે અને તેની આટલી રકમ માંડી વળાઇ છે.
આની સાથે જ ક્યડોસ કેમી લિમિટેડના રૂ ૨,૩૨૬ કરોડની રકમને પણ માંડી વાળવામાં આવી છે. હાલમાં રામદેવના પતંજલિની માલિકીની રુચિ સોયાની રૂ ૨,૨૧૨ કરોડ અને ઝૂમ ડેવલપર્સ પ્રાઇવેટ લિમિટેડના રૂ૨,૦૧૨ કરોડની રકમ ધાલખાધ ખાતામાં ગઇ છે. આ ઉપરાંત ફોરઇવર પ્રેસિયસ જ્વેલરી એન્ડ ડાયમંડ્સ પ્રાઇવેટ લિમિટેડે રૂ૧,૯૬૨ કરોડની લોન માંડી વાળી છે જ્યારે ડેક્કન ક્રોનિકલ હોલ્ડિંગ્સ લિમિટેડે રૂ ૧,૯૧૫ કરોડની લોન માંડી વાળવામાં આવી છે.
શરાબ માંધાતા વિજય માલ્યાની કિંગફિશર રૂ૧,૯૪૩ કરોડની બાકી રકમ સાથે આ યાદીમાં નવમા ક્રમે છે. પરંતુ બેન્કોએ ટેક્નીકલી તેમની આ રકમ માંડી વાળી છે. ઉલ્લેખનીય છે કે સ્ટેટ બેન્ક સહિત આશરે ૧૩ બેન્કોના રૂ૯,૦૦૦ કરોડના દેવાદાર વિજય માલ્યાએ પૈસા ચુકવી દેવા માટેની તૈયારી દર્શાવી હતી.
પરંતુ સરકારે તેની આ ઓફરને નજરઅંદાજ કરી દીધી છે. હવે આટલી રકમ માંડી વાળવા પાછળનું ગણિત સમજાતુ્ં નથી કેમ કે માલ્યાએ લગભગ ત્રણ વખત દેવાની ચુકવણી માટેની ઓફર કરી હતી. પરંતુ સરકારે તે મામલે ધ્યાન આપ્યું ન હતું. હાલમાં વિજય માલ્યા સામે બ્રિટનની કોર્ટમાં મામલો ચાલી રહ્યો છે.