લોહાણા કોમ્યુનિટી નોર્થ લંડન દ્વારા કમ્યુનિટી સર્વેનુ આયોજન

0
767

લોહાણા કોમ્યુનિટી નોર્થ લંડન દ્વારા કન્સલ્ટન્ટ ઇએનટી સર્જન પ્રોફેસર ભીખુ કોટેચાની સહાયથી  કોરોનાવાયરસ રોગચાળાની વિગતે માહિતી મેળવી તે ડેટાનુ વિષ્લેષણ કરવા માટે કમ્યુનિટી સર્વેનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં ભાગ લેવા વાયરસનો ભોગ બનેલા (સ્વેબ ટેસ્ટ પોઝીટીવ ધરાવતા) અને સ્વસ્થ થયેલા તેમજ જેમના પરિવારજનો કોવિડ-19ના કારણે મરણ પામ્યા હોય તેવા સૌ કોઇને અપીલ કરવામાં આવી છે. આ સર્વેમાં ભાગ લેવા નીચેની લિંક પર ક્લીક કરી માહિતી ભરવા અપીલ કરાઇ છે. આપવામાં આવેલી તમામ માહિતી સંપૂર્ણપણે ગુપ્ત રહેશે અને જ્યારે પણ જાહેર થશે ત્યારે કોઇનુ નામ પવામાં આવશે નહિ.

લોહાણા કોમ્યુનિટી નોર્થ લંડનની બિરેવમેન્ટ કમિટીને સમુદાય તરફથી મળેલા ઇમેઇલ્સને જોતાં લાગે છે કે મોતને ભેટેલા ગુજરાતી લોકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે અને સંભવત: ઘણા કિસ્સાઓમાં કોવિડ-19 જવાબદાર હશે. ફ્રન્ટલાઇન એનએચએસ સ્ટાફ, (30%થી વધુ તબીબી કર્મચારીઓ એશિયન મૂળના હોય છે), ફાર્માસિસ્ટ, દુકાનદારો, પબ્લિક ટ્રાન્સપોર્ટ જેવા ક્ષેત્રના કી-વર્કર્સનો મૃત્યુદર વંશીય મૂળની વ્યક્તિઓમાં અસંગત અને ઉંચો લાગે છે.

કોરોનાવાયરસ રોગચાળાના આ પડકારરૂપ સમયમાં જ્યારે યુકેમાં ઉભરતાં ડેટાનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે ત્યારે વંશીય સમુદાયના લોકોના સૌથી વધુ પ્રમાણમાં મોત નિપજ્યા છે. તા. 17 મી એપ્રિલ સુધીના આંકડા મુજબ મૃત્યુ પામેલા 13,198 લોકોમાંથી 16% કરતા વધુ લોકો બ્લેક, એશિયન અને એથનિક માઇનોરીટીના લોકો હતા. તા. 11 મી મે સુધીમાં યુકેમાં મૃત્યુ પામનાર લોકોની સંખ્યા વધીને 32,065 થઈ ગઈ છે. કોવિડ-19ને કારણે મૃત્યુ પામેલા 150થી વધુ એનએચએસ સ્ટાફમાંથી 66 ટકા લોકો વંશીય સમુદાયના અને મરણ પામેલા 26માંથી 25 ડોક્ટર અશ્વેત હતા. ઇન્ટેન્સિવ કેર યુનિટમાં દાખલ કરાયેલા લગભગ ત્રીજા ભાગ દર્દીઓ એશિયન અને શ્યામ હતા જેની સામે તેમની વસ્તી માત્ર 13% જેટલી છે.

કન્સલ્ટન્ટ ઇએનટી સર્જન પ્રોફેસર ભીખુ કોટેચાએ જણાવ્યું હતુ કે ‘’BAME સમુદાયના લોકોના મરણ પાછળનાં કારણોને સમજવા માટે કેટલાક પાસાઓનો વધુ વિગતવાર અભ્યાસ કરવો જરૂરી છે. ટાઈપ -2 ડાયાબિટીઝ, સ્થુળતા, કાર્ડીયોવાસ્ક્યુલર જેવા રોગો જવાબદાર હોવાનુ મીડિયા દ્વારા જાણવા મળ્યુ છે. વળી, કેટલાક સાંસ્કૃતિક પરિબળો જેવા કે સંયુક્ત પરિવાર, વિશાળ સામાજીક પ્રસંગોએ પણ યોગદાન આપ્યું હોઈ શકે છે.  આવા ડેટાનુ વિશ્લેષણ કરવાથી સંભવિત રૂપે આપણા સમુદાય અને અન્ય લોકો માટે ઉપયોગી થઇ શકે છે. આ સર્વે માટે આપની સહાયની ખૂબ જ જરૂર છે તેથી કૃપા કરી https://lcnl.org/survey લિંકને ક્લિક કરી સર્વેમાં ભાગ લેવા અનુરોધ છે. વધુ માહિતી માટે સંપર્ક: [email protected]