યુનિટી ટ્રસ્ટ બેંકના પેકેજની મદદથી સડબરી સ્થિત શ્રી જલારામ જ્યોત મંદિર સુવિધાઓ વધારાશે

0
566

વેસ્ટ લંડનના સડબરીના ખાતે આવેલા રેપ્ટન એવન્યુ સ્થિત શ્રી જલારામ જ્યોત મંદિરને પોતાની  સુવિધાઓ વધારવા માટે યુનિટી ટ્રસ્ટ બેંકનું £1.1 મિલીયનનું રીફાઇનાન્સ પેકેજ મળ્યું છે.

આ મંદિરનું સંચાલન કરતું લોહાણા મહાજન (યુકે) ટ્રસ્ટ મહત્વપૂર્ણ સેવાઓ અને સુવિધાઓ વધારવા માટે વ્યવસાયિક બેંકની લોનનો ઉપયોગ કરશે. શ્રી જલારામ જ્યોત મંદિર મુખ્યત્વે હિન્દુ ભક્તોના વિશાળ સમુદાયની સેવા કરે છે અને લગભગ 12,000 લોકોનો ભક્ત સમુદાય ધરાવે છે. મંદિરમાં દૈનિક પૂજા, ધાર્મિક પ્રવૃત્તિઓ અને હિન્દુ ધાર્મિક તહેવારોની ઉજવણી કરવામાં આવે છે અને દરરોજ કેટલાય સભ્યો અને અપંગ લોકોને તાજુ રાંધેલુ ભોજન આપવામાં આવે છે. ટ્રસ્ટ દ્વારા રમતગમત, મનોરંજન અને સમાજ કલ્યાણ પ્રવૃત્તિઓ, સ્થાનિક સમુદાય અને કાઉન્સિલરો સાથે નેટવર્કિંગ, ડે ટ્રીપ્સ, અંતિમ સંસ્કાર અને લગ્ન સમારોહ, ધર્મ, સંસ્કૃતિ અને હેરિટેજ શિક્ષણનું કામ કરવામાં આવે છે.

યુનિટી ટ્રસ્ટ બેંકના રિલેશનશિપ મેનેજર મેથ્યુ કોનરોયે જણાવ્યું હતું: “અમે સમુદાયોના લોકોની સેવા આપતા અને તેમના જીવનની ગુણવત્તામાં સુધારો કરતા સંગઠનોને સમર્થન આપવા કટિબદ્ધ છીએ. રેપ્ટન એવન્યુ મંદિર આખા સમાજને અમૂલ્ય સેવાઓ અને ટેકો પૂરો પાડે છે, ખાસ કરીને વૃદ્ધો અથવા મુશ્કેલીઓનો ભોગ બનેલા લોકો માટે તેઓ સંવેદનશીલ છે.’’

એલએમટી અને યુનિટી ટ્રસ્ટ બેંક વચ્ચે પુનર્ધિરાણ પેકેજ માટે વટફોર્ડ સ્થિત ઝૂમ ફાઇનાન્સ લિમિટેડના ડિરેક્ટર દર્શન રોય દ્વારા સુવિધા આપવામાં આવી હતી. શ્રી રોયે કહ્યું હતું કે “એલએમટીના ટ્રસ્ટીઓ નવી છત અને કાર પાર્કિગ સુવિધાઓમાં સુધારણા માટેના ભંડોળની શોધમાં હતા અને હું તેમને મદદ કરવામાં સદનસીબ રહ્યો હતો.’’

એલએમટીના ટ્રસ્ટીઓએ કહ્યું હતું કે “અમારા રેપ્ટન એવન્યુ મંદિરને તેની વૃદ્ધિની રણનીતિ આગળ વધારવા માટે નાણાંની જરૂર હતી જેને વ્યાજબી દરે યુનિટી ટ્રસ્ટ બેંક દ્વારા ઝૂમ ફાઇનાન્સની મદદથી પૂરી પાડવામાં આવી હતી.’’