ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન- ભારતરત્નથી નવાજવામાં આવશે. આ જાહેરાત ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા એક્સ (ટ્વિટર) પર આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, મને જણાવતા ખૂબ ખુશી થાય છે કે લાલકૃષ્ણ અડવાણીને ભારતરત્ન આપવામાં આવશે. મેં તેમની સાથે ફોન પર વાત કરી તેમને અભિનંદન આપ્યા છે.
આ સાથે તેમણે ભારતના વિકાસમાં અડવાણીના યોગદાનને પણ બિરદાવ્યું હતું. તાજેતરમાં જ અયોધ્યા ખાતે શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માચે 96 વર્ષીય અડવાણીને આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ તેમની નાદુરસ્ત તબિયત અને પ્રતિકૂળ વાતાવરણના કારણે તેઓ ત્યાં જઇ શક્યા નહોતા. અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે ભારતભરમાં રથયાત્રા દ્વારા આંદોલન કરવાનો અને હિન્દુઓને ભાજપ તરફ વાળવામાં તેમનું મહત્ત્વનું યોગદાન છે તેવું કહેવાય છે.