ટોરી લીડરશીપની હરીફાઈમાં ભારતીય મૂળના પૂર્વ ચાન્સેલર ઋષિ સુનકને હરાવ્યા બાદ ફોરેન સેક્રેટરી લિઝ ટ્રસ યુકેના નવા વડાપ્રધાન તરીકે ચૂંટાઇ આવ્યા છે. ટ્રસને માન્ય મતોના 57 ટકા મત મળ્યા હતા. વેસ્ટમિન્સ્ટરમાં કોન્ફરન્સ સેન્ટરમાં તેમણે સખત હરિફાઇ અને પ્રચાર ઝુંબેશ માટે સુનકનો આભાર માની જનતા સુધી “બોલ્ડ પ્લાન” પહોંચાડવાની પ્રતિજ્ઞા લીધી હતી. તેઓ મંગળવારે સ્કોટલેન્ડના બાલમોરલ જઇને મહારાણીને મળશે જ્યાં તેમની વડાપ્રધાન તરીકે નિમણુંક કરાશે.
વડા પ્રધાન તરીકે તેમની વરણી થયા બાદ તુરંત જ એનર્જી બિલમાં થનારા વધારાનો હલ લાવવા માટે તેમના પર ઉગ્ર દબાણ આવશે. જેની સામે તેઓ ગુરૂવારે પદ સંભાળ્યા બાદ એનર્જી બિલ પર કેપ મૂકવાની જાહેરાત કરે તેવી શક્યતાઓ છે. લેબર પક્ષે લોકો મદદ માટે હતાશ છે અને આતુરતાથી મદદની રાહ જોઇ રહ્યા છે તેમ જણાવ્યું હતું.
કન્ઝર્વેટિવ પાર્ટીએ સભ્યોને આખરી નિર્ણય આપવા માટે તેના આંતરિક ચૂંટણી નિયમોમાં ફેરફાર કર્યા બાદ ટ્રસને સૌથી ઓછા સભ્યપદ મતો મળ્યા છે. ઘણા લોકો આગાહી કરતા હતા તેવો લેન્ડસ્લાઇડ વિજય તેમને મળ્યો નથી. 2019માં બોરિસ જૉન્સનને 66.4 ટકા, ડેવિડ કેમરનને 2005માં 67.6 ટકા અને 2001માં ઈયાન ડંકન સ્મિથને 60.7 ટકા વોટ મળ્યા હતા. તેની સરખામણીમાં ટ્રસને સભ્યોના માત્ર 57 ટકા મત મળ્યા હતા. 2016માં થેરેસા મે સામે ઉભા રહેલા પ્રતિસ્પર્ધી એન્ડ્રીયા લીડસમ પ્રથમ રાઉન્ડ પછી બહાર નીકળી ગયા હતા.