માત્ર 49 દિવસમાં જ રાજીનામુ આપનાર બ્રિટનના ભૂતપૂર્વ વડા પ્રધાન લિઝ ટ્રસે અનુગામી ઋષિ સુનકની નીતિઓ પર પરોક્ષ સ્વાઇપ કરવા સાથે ફ્રન્ટલાઈન રાજકારણમાં પુનરાગમન કરવાનો નાટકીય પ્રયાસ કર્યો હતો. ટ્રસે દાવો કર્યો હતો કે તેણીને વૃદ્ધિ માટેના ટેક્સ કટીંગ વિઝનને અમલમાં મૂકવાની “વાસ્તવિક તક” આપવામાં આવી ન હતી.
‘ધ સન્ડે ટેલિગ્રાફ’માં એક લાંબા લેખમાં તેમણે સ્વીકાર્યું હતું કે તેણી “દોષહીન” નથી પરંતુ દલીલ કરી હતી કે કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા તરીકેના તેમના આદેશનું સન્માન કરાયું ન હતું અને તેમની પ્રીમિયરશીપ “લેફ્ટ વિંગ ઇકોનોમિક એસ્ટાબ્લીશમેન્ટ”નું ટાર્ગેટ બની હતી. ચાન્સેલર ક્વાસી ક્વાર્ટેંગને બરતરફ કરવા પડ્યા તેને “ખૂબ જ ખલેલજનક” ક્ષણ ગણાવી હતી. ડાઉનિંગ સ્ટ્રીટમાં પ્રવેશતા જ મેં ધાર્યું હતું કે મારા આદેશને માન આપવામાં આવશે અને મને સ્વીકારવામાં આવશે. પરંતુ હું ખોટી હતી.
સુનકના બિઝનેસ સેક્રેટરી, ગ્રાન્ટ શેપ્સે લેખના જવાબમાં જણાવ્યું હતું કે ‘’જ્યારે ટ્રસ પાસે યોગ્ય પ્રાથમિકતાઓ હતી, ત્યારે તેણી નિષ્ફળ ગઈ હતી. તેમણે વધતા જતા ફુગાવાને પ્રાથમિકતા તરીકે અંકુશમાં લાવવાનો પ્રયાસ કર્યો ન હતો.’’