તા. 18ના રોજ જાહેર કરાયેલા એક નવા સર્વેક્ષણમાં કન્ઝર્વેટિવ પાર્ટીના નેતૃત્વની રેસમાં ભૂતપૂર્વ ચાન્સેલર ઋષિ સુનક કરતાં ફોરેન સેક્રેટરી લિઝ ટ્રસ 32-પોઇન્ટની લીડ સાથે આગળ છે. પરંતુ વડા પ્રધાન બોરિસ જોન્સન હજુ પણ ટોરી સભ્યોમાં સૌથી વધુ પસંદ છે.
‘સ્કાય ન્યૂઝ’ માટે યુગોવના સર્વેક્ષણમાં ટ્રસને 66 ટકા સભ્યોએ અને 34 ટકાએ સુનકની તરફેણ કરી છે, તેમાંથી કોને મત આપશે કે હજુ જાણતા નથી તેવા ટોરી સભ્યોને બાકાત રખાયા છે. આ સર્વેમાં જૉન્સનને રાજીનામું આપવા દબાણ કરાયું તેને 55 ટકાએ ખોટુ અને 40 ટકાએ સાચુ કહ્યું હતું.
જો જૉન્સન, સુનક અને ટ્રસની હરીફાઈ કરાય તો 46 ટકાએ જૉન્સનને, 24 ટકાએ ટ્રસને અને 23 ટકાએ સુનકને પસંદ કર્યા હતા. 44 ટકા લોકોનું કહેવું હતું કે જોન્સન શ્રેષ્ઠ વડા પ્રધાન હતા. ટોરી સભ્યોએ અન્ય નેતાઓની સામે સામાન્ય ચૂંટણીમાં વિપક્ષી લેબર લીડર સર કેર સ્ટાર્મરને હરાવા શકે તેવા નેતા તરીકે જૉન્સનને લગભગ બમણા મત આપ્યા હતા. આ સર્વેમાં કન્ઝર્વેટિવ પાર્ટીના 1,089 સભ્યો પાસેથી 12 અને 17 ઓગસ્ટની વચ્ચે મત લેવાયા હતા.
તે પહેલા તા. 17ના રોજ એક અલગ કન્ઝર્વેટિવ હોમ સર્વેમાં ટ્રસને 32-પોઇન્ટની લીડ અપાઇ હતી. પહેલેથી જ મતદાન કરી ચૂકેલા 68 ટકાએ ટ્રસને અને 31 ટકાએ સુનાકને મત આપ્યો હોવાનું જણાવ્યું છે. જ્યારે હજુ મતદાન બાકી છે તેમાંના 44 ટકાએ ટ્રસને અને 29 ટકાએ સુનકને પસંદ કરશે એમ જણાવ્યું છે. જ્યારે 26 ટકાએ પોતે જાણતા નથી તેમ કહ્યું હતું.
જો કે, ટ્રસ માટે આ યાત્રા સરળ નથી. કેમ કે મતદાન એ પણ દર્શાવે છે કે ટોરીના 40 ટકા સભ્યો માને છે કે તેણીની જીત ત્રિશંકુ સંસદ અથવા લેબર બહુમતીમાં પરિણમશે.
ટ્રસ જીતશે તો પણ કોસ્ટ-ઓફ-લીવિંગ કટોકટીમાં તેમને તકલીફ પડશે. કેમ કે ટ્રસે ફુગાવાને પહોંચી વળવા ટેક્સ કટને પ્રાથમિકતા આપી છે.
જો કે, 63 ટકા લોકો કહે છે કે સરકારની પહેલી પ્રાથમિકતા ફુગાવાને અંકુશમાં લાવવાની હોવી જોઈએ – જે સુનકની પોલિસીમાં છે. જ્યારે 33 ટકા લોકોનું કહેવું છે કે નંબર વન ધ્યેય લોકોના ટેક્સમાં ઘટાડો કરવાનું હોવું જોઈએ.
ઇન્સ્ટિટ્યૂટ ફોર ફિસ્કલ સ્ટડીઝ (IFS) થિંક ટેન્કે ચેતવણી આપી હતી કે મોટા, કાયમી ટેક્સ કાપ જાહેર પર્સ પર દબાણ વધારી શકે છે. સુનકે કહે છે તેઓ ફુગાવાને અંકુશમાં લીધા બાદ જ કરમાં ઘટાડો કરશે. ટ્રસની કર તુરંત ઘટાડવાની પ્રતિજ્ઞા પોષાય તેમ નથી અને તે ઓછી આવક ધરાવતા લોકોને મદદ કરશે નહીં.