ટોરી લીડરશીપની હરીફાઈમાં ભારતીય મૂળના પૂર્વ ચાન્સેલર ઋષિ સુનકને હરાવ્યા બાદ ફોરેન સેક્રેટરી લિઝ ટ્રસ યુકેના નવા વડાપ્રધાન તરીકે ચૂંટાઇ આવ્યા છે. લિઝ ટ્રસ સ્કોટલેન્ડના બાલમોરલ કાસલ સ્થિત 96 વર્ષીય મહારાણીને મંગળવારે મળ્યા હતા જ્યાં તેમણે ટ્રસની વડાપ્રધાન તરીકે વરણી કરી હતી. ટ્રસને લીડરશીપની ચૂંટણીમાં માન્ય મતોના 57 ટકા મત મળ્યા હતા. તેમણે સખત હરિફાઇ અને પ્રચાર ઝુંબેશ માટે સુનકનો આભાર માની જનતા સુધી “બોલ્ડ પ્લાન” પહોંચાડવાની પ્રતિજ્ઞા લીધી હતી.
ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે છેલ્લુ પ્રવચન કરીને બોરિસ જૉન્સન સ્કોટલેન્ડના બાલમોરલ કાસલ જઇ પહોંચ્યા હતા અને મહારાણીને ઔપચારિક રાજીનામું આપ્યું હતું. ટ્રસે લંડન આવીને 10 ડાઉનીંગ સ્ટ્રીટ ખાતેથી દેશવ્યાપી ભાષણ કર્યું હતું અને સાંજ સુધીમાં તેમની નવી કેબિનેટની જાહેરાત કરે તેવી શક્યતાઓ છે.
વિદાય લઇ રહેલા વડા પ્રધાન બોરિસ જૉન્સને જૉન્સને 10 નંબર ડાઉનિંગ સ્ટ્રીટની બહાર આપેલા ભાષણમાં પોતાની જાતને એક બૂસ્ટર રોકેટ સાથે સરખાવી “પોતાનું કાર્ય પૂર્ણ કર્યું” હોવાનું જણાવ્યું હતું. તેમણે પોતાના રેકોર્ડનો બચાવ કરતા કન્ઝર્વેટિવ પાર્ટીને ટ્રસની પાછળ એક થવા હાકલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ટ્રસ પાસે “જીવંત કટોકટીના ખર્ચને પહોંચી વળવા, અમારા પક્ષ અને આપણા દેશને એક કરવા અને સમતળ બનાવવાનું મહાન કાર્ય ચાલુ રાખવા માટે યોગ્ય યોજના છે.”
બેકબેન્ચ ટોરી સાંસદોની 1922 સમિતિના અધ્યક્ષ અને નેતૃત્વની ચૂંટણીના રિટર્નિંગ ઓફિસર સર ગ્રેહામ બ્રેડીએ લંડનના વેસ્ટમિન્સ્ટરમાં ડાઉનિંગ સ્ટ્રીટ નજીક આવેલ ક્વીન એલિઝાબેથ II સેન્ટર ખાતે તા. 5ના રોજ બપોરે 12.30 કલાકે 47 વર્ષીય ટ્રસને લીડરશીપની હરીફાઈમાં વિજેતા જાહેર કર્યા હતાં. માર્ગારેટ થેચર અને થેરેસા મે પછી તેઓ બ્રિટનમાં ત્રીજી મહિલા વડાં પ્રધાન છે. ટ્રસ મહારાણી દ્વારા નિમાયેલા 15મા બ્રિટિશ વડા પ્રધાન છે.
વડા પ્રધાન તરીકે તેમની વરણી થયા બાદ તુરંત જ એનર્જી બિલમાં થનારા વધારાનો હલ લાવવા માટે તેમના પર ઉગ્ર દબાણ આવશે. જેની સામે તેઓ ગુરૂવારે પદ સંભાળ્યા બાદ એનર્જી બિલ પર કેપ મૂકવાની જાહેરાત કરે તેવી શક્યતાઓ છે. લેબર પક્ષે લોકો મદદ માટે હતાશ છે અને આતુરતાથી મદદની રાહ જોઇ રહ્યા છે તેમ જણાવ્યું હતું.
કન્ઝર્વેટિવ પાર્ટીએ સભ્યોને આખરી નિર્ણય આપવા માટે તેના આંતરિક ચૂંટણી નિયમોમાં ફેરફાર કર્યા બાદ ટ્રસને સૌથી ઓછા સભ્યપદ મતો મળ્યા છે. ઘણા લોકો આગાહી કરતા હતા તેવો લેન્ડસ્લાઇડ વિજય તેમને મળ્યો નથી. 2019માં બોરિસ જૉન્સનને 66.4 ટકા, ડેવિડ કેમરનને 2005માં 67.6 ટકા અને 2001માં ઈયાન ડંકન સ્મિથને 60.7 ટકા વોટ મળ્યા હતા. તેની સરખામણીમાં ટ્રસને સભ્યોના માત્ર 57 ટકા મત મળ્યા હતા. 2016માં થેરેસા મે સામે ઉભા રહેલા પ્રતિસ્પર્ધી એન્ડ્રીયા લીડસમ પ્રથમ રાઉન્ડ પછી બહાર નીકળી ગયા હતા.
1980ના દાયકામાં માર્ગારેટ થેચર સામે કૂચ કરનાર અને હવે થેચરાઈટ હોવાનો દાવો કરનાર મેરી એલિઝાબેથ ટ્રસ ભલે વડા પ્રધાન બન્યા હોય પરંતુ તેઓ કોન્ઝર્વેટીવ પક્ષના સાંસદોની પ્રથમ પસંદગી ન હતા. તેઓ વડા પ્રધાન જૉન્સનના છેલ્લે સુધી સમર્થક રહ્યા હતા અને તેને કરાણે તેમને જીત મળી હોવાનું પણ કહેવાય છે.
કુલ 172,437 લાયક ટોરી મતદારોમાંથી 82.6 ટકાના ઊંચા મતદાન સાથો ટોરી સભ્યો દ્વારા મત અપાયા હતા. જેમાં 654 મતપત્રોનો અસ્વીકાર કરાયો હતો. ઓનલાઈન અને પોસ્ટલ વોટમાંથી સુનકને 60,399 મતો અને ટ્રસને 81,326 મતો મળ્યા હતા. જો કે, મતદાતાઓ, રાજકીય વિશ્લેષકો અને મીડિયા આઉટલેટ્સ માટે આ પરિણામ થોડું આશ્ચર્યજનક હતું કારણ કે ટ્રસ 42-વર્ષીય સુનક સામે જંગી બહુમતીથી જીતશે તેવા પ્રી-પોલ સર્વેક્ષણો હતા.
હટી રહેલા વડા પ્રધાન જૉન્સન પ્રત્યે ટોરી સભ્યપદ બેઝની વફાદારીનું સંયોજન, ભૂતપૂર્વ નજીકના સાથી સુનક દ્વારા જૉન્સનને દગો કરાયો છે તેવી લાગણી અને ટ્રસની કર ઘટાડવાની પ્રતિજ્ઞા લિઝની જીત પાછળના મુખ્ય પરિબળો છે.