કન્ઝર્વેટિવ પાર્ટીના નવા ચૂંટાયેલા નેતા અને વડાંપ્રધાન લિઝ ટ્રુસ ભારત-યુકેના વ્યૂહાત્મક અને આર્થિક સંબંધોને વધુ ગાઢ બનાવવા માટે જાણીતા છે અને આ સંબંધો વૈશ્વિક વેપાર ગતિશીલતાના “સ્વીટ સ્પોટ” તરીકે વર્ણવવામાં આવે છે.
ઇન્ટરનેશનલ ટ્રેડ સેક્રેટરી તરીકે ટ્રસે ગયા વર્ષે મે મહિનામાં વડાંપ્રધાન બોરિસ જૉન્સનની આગેવાની હેઠળની સરકાર વખતે એન્હેન્સ્ડ ટ્રેડ પાર્ટનરશીપ (ETP) પર હસ્તાક્ષર કર્યા હતા જે વર્તમાન ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA)ની વાટાઘાટોના પ્રારંભિક બિંદુને ચિહ્નિત કરે છે. આ FTAને બન્ને દેશોની સરકારો દિવાળી પર્વ પહેલા અમલી બનાવવા માંગે છે.
લિઝ ટ્રસે ભારતની મુલાકાત લઇને ભારતના કોમર્સ મિનિસ્ટર પીયૂષ ગોયલ સાથે વર્ચ્યુઅલ વાટાઘાટો કરી હતી. ટ્રસે ETP પર હસ્તાક્ષર કર્યા પછી દેશ માટે “મોટી તક” ગણાવી જણાવ્યું હતું કે “હું યુકે અને ભારતને વેપારની ગતિશીલતાના એક સ્વીટ સ્પોટમાં જોઉં છું. અમે એક વ્યાપક વેપાર કરાર પર વિચાર કરી રહ્યા છીએ જે નાણાકીય સેવાઓથી લઈને કાનૂની સેવાઓ, ડિજિટલ અને ડેટા, તેમજ માલ અને કૃષિ સુધીની દરેક વસ્તુને આવરી લે છે. અમને લાગે છે કે અમે વહેલાસર FTA કરી શકીશું. અમે ટેરિફ ઘટાડીએ છીએ અને બંને પક્ષો અને અમારા બંને દેશો વચ્ચે વધુ માલ વહેતો જોવાનું શરૂ થશે.”
ટ્રસની ફોરેન સેક્રેટરી તરીકે વરણી થયા બાદ ડિપાર્ટમેન્ટ ફોર ઇન્ટરનેશનલ ટ્રેડ (ડીઆઇટી)માં એન મેરી-ટ્રેવેલિયનને સેક્રેટરી બનાવાયા હતા. તેમને તે પદ પર જ રાખી યુકે-ભારત FTA વાટાઘાટોને આગળ ધપાવવામાં આવે તેવી વ્યાપક અપેક્ષા છે.
તાજેતરમાં ટોરી નેતાની ચૂંટણી વખતે ટ્રસે કન્ઝર્વેટિવ ફ્રેન્ડ્સ ઓફ ઈન્ડિયા (CFIN) ડાયસ્પોરાના હસ્ટિંગ ઈવેન્ટમાં દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા માટે “ખૂબ જ પ્રતિબદ્ધ” છે અને ભારત-યુકે એફટીએને બોરીસ જૉન્સન દ્વારા નિર્ધારિત દિવાળી સુધીની સમયમર્યાદામાં પૂર્ણ કરવા માટે પણ પ્રતિબદ્ધ છે તેમ જણાવ્યું હતું. તેમણે રશિયા અને ચીનના આક્રમણ સામે પ્રતિ-સંતુલન તરીકે તેના “સ્વતંત્રતાના નેટવર્ક” ધ્યેયોને પૂર્ણ કરવા માટે ઈન્ડો-પેસિફિક પ્રદેશો સાથે ઉન્નત સંરક્ષણ અને સુરક્ષા સહકારને વધારવાનો સંકલ્પ પણ કર્યો છે. ટ્રસના લગ્ન એકાઉન્ટન્ટ હ્યુગ ઓ’લેરી સાથે થયા છે અને તેમને બે યુવાન પુત્રીઓ છે.