યુકેના વડા પ્રધાનપદના ફાઇનલિસ્ટ ઉમેદવારો તરીકે તા. 25ને સોમવારે રાત્રે બીબીસી પર યોજાયેલી પ્રથમ ટેલિવિઝન ચર્ચાના આધારે કોણે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું તેના સ્નેપ ઓપિનિયમ પોલમાં સુનકને 39 ટકા મત જ્યારે ટ્રસને 38 ટકા મત મળ્યા હતા. જો કે, કન્ઝર્વેટિવ પાર્ટીના 47 ટકા મતદારોએ લીઝ ટ્રસને અને 38 ટકાએ સુનકને પસંદ કર્યા હતા.
1,032 બ્રિટિશ પુખ્ત વયના લોકોના સર્વેક્ષણમાં મતદારો સુનાક અને ટ્રસ વચ્ચે નક્કી કરી શક્યા નહોતા. સામાન્ય ચૂંટણીમાં શું પરિણામ આવી શકે છે તેના પ્રતિભાવમાં વિપક્ષી લેબર પાર્ટીના 41 ટકા મતદારોએ સુનકે વધુ સારું પ્રદર્શન કર્યું હોવાનું જણાવ્યું હતું જ્યારે 30 ટકાએ ટ્રસને પસંદ કર્યા હતા. સર્વેમાં 43 ટકાએ એમ પણ કહ્યું હતું કે કન્ઝર્વેટિવ્સે સુનકને ચૂંટવા જોઇએ. જ્યારે 41 ટકાએ ટ્રસને પસંદ કર્યા હતા. 12 ટકાએ કાં તો “જાણતા નથી” એમ જણાવી દૂર રહેવું પસંદ કર્યું હતું.
ચર્ચા જોનારા 47% દર્શકોનું માનવું હતું કે ઋષિ સુનક એક સારા વડા પ્રધાન બની રહેશે. જ્યારે 45% લોકોએ વિચાર્યું કે લિઝ ટ્રસ એક સારા વડા પ્રધાન હશે. મતદારો માને છે કે ઋષિ સુનક દેશની અર્થવ્યવસ્થાને સંભાળવા માટે વધુ સક્ષમ અને સૌથી વધુ વિશ્વાસપાત્ર છે. લિઝ ટ્રસને ગેરકાયદેસર ઇમિગ્રેશનનો સામનો કરવા માટે વધુ દયાળુ અને વિશ્વાસુ તરીકે જોવામાં આવી હતી. યુગોવ દ્વારા કરાયેલા કન્ઝર્વેટિવ પાર્ટીના 507 સભ્યોના સ્નેપ પોલમાં બહુમતી લોકો એવું માને છે કે લિઝ ટ્રસ પૂર્વ ચાન્સેલર સુનક કરતાં સામાન્ય લોકો સાથે વધુ સંપર્કમાં છે. સોમવારની રાતની નેતૃત્વની ચર્ચા જોનારા લગભગ 63 ટકા લોકો માને છે કે શ્રીમતી ટ્રસ લોકોના વધુ સંપર્કમાં હતા જ્યારે શ્રી સુનકને માત્ર 19 ટકા મત મળ્યા હતા. દરમિયાન, 54 ટકા લોકોએ ટ્રસને અને 35 ટકાએ સુનાકને પોતાની પસંદ ગણાવ્યા હતા. બીબીસીની ચર્ચા દરમિયાન એકંદરે શ્રેષ્ઠ પરફોર્મર તરીકે લગભગ 50 ટકા લોકોએ શ્રીમતી ટ્રસને અને 39 ટકાએ શ્રી સુનકને પસંદ કર્યા છે.
તાજેતરના યુગોવ સર્વે અનુસાર ફોરેન સેક્રેટરી લિઝ ટ્રસ યુકેના વડા પ્રધાન બનવાની રેસમાં ઋષિ સુનક પર કમાન્ડિંગ લીડ ધરાવે છે. બુકીઓ પણ ફોરેન સેક્રેટરી ટ્રસ ફ્રન્ટરનર તરીકે આગળ હોવાનું માને છે. તેઓ ટોરી સભ્યોમાં વધુ લોકપ્રિય છે. બીજી તરફ સુનકે સ્વીકાર્યું છે કે તેઓ “અંડરડોગ” છે.
માર્કેટ રિસર્ચ અને ડેટા એનાલિટિક્સ ફર્મ યુગોવે ગત અઠવાડિયાની શરૂઆતમાં કરેલા સર્વેમાં ટ્રસે ચાન્સેલર સુનકને હેડ-ટુ-હેડમાં 19 પોઈન્ટથી હરાવ્યા હતા. તા. 20-21ના રોજ કન્ઝર્વેટિવ પાર્ટીના 730 સભ્યોના સર્વેક્ષણમાં 62 ટકા લોકોએ કહ્યું હતું કે તેઓ ટ્રસને મત આપશે. જ્યારે 38 ટકા લોકોએ સુનકને પસંદ કર્યા હતા. ટ્રસ પાસે પહેલા 20 પોઈન્ટની લીડ હતી જે હવે 24 ટકા પોઈન્ટની થઇ છે.
હાલમાં કન્ઝર્વેટિવ પક્ષનું સભ્યપદનું વર્તમાન કદ અજ્ઞાત છે, પરંતુ 2019 માં છેલ્લી નેતૃત્વની ચૂંટણીમાં લગભગ 160,000 સભ્યો હતા, અને અંદરના લોકોને અપેક્ષા છે કે તેમાં વધારો થયો છે. સુનાકની છાવણી વાકેફ છે કે કોન્ઝર્વેટીવ પક્ષના મતદારો પાસેથી બહુમતી મત મેળવવા મુશ્કેલ છે. સુનક ઝુંબેશના એક સ્ત્રોતે કહ્યું હતું કે “છેલ્લી કન્ઝર્વેટિવ લીડરશીપ હરીફાઈમાં, મતદાન 10% થી વધુ બહાર હતું. તે ખોટું હોઈ શકે છે.’’
ટ્રસ સુનકને દરેક વય, વર્ગ, પુરુષ અને સ્ત્રીઓના ક્ષેત્રે હરાવી શકે છે. એકમાત્ર 2016ના બ્રેક્ઝીટ રીમેઇન ક્ષેત્રમાં સુનક ટ્રસને હરાવે છે. કન્ઝર્વેટિવ પાર્ટીની આ હરીફાઈના વિજેતા થનાર ઉમેદવારે 2024માં બ્રિટિશ મતદારોનો સામનો કરવો પડશે.