દેશના વડા પ્રધાન તરીકે ટોરી પાર્ટીના સભ્યો દ્વારા ચૂંટાઇ આવેલા બ્રેક્ઝિટ સમર્થક, કન્ઝર્વેટિવ રાઇટ વિંગના પ્રિય તથા EU રિમેઈન સમર્થક લીઝ ટ્રસની ભૂતપૂર્વ લિબરલ ડેમોક્રેટ કાર્યકર્તાથી લઇને કોન્ઝર્વેટીવ પક્ષના મહિલા વડા પ્રધાન બનવા સુધીની સફર ધણી રોચક રહી છે.
લિઝ ટ્રસના ગ્રાસરૂટ ટોરી સમર્થકો તેમનામાં માર્ગારેટ થેચરમાં હતા તેવા અડગ, મક્કમ અને નિર્ધારિત ગુણો જુએ છે અને શ્રીમતી ટ્રસે પોતે પણ તેવી છબી ઉપસાવી રહ્યા છે. મિત્રો અને પરિવારજનો તેમને “મહત્વાકાંક્ષી” ગણાવે છે.
શ્રીમતી ટ્રસ 2001ની સામાન્ય ચૂંટણીમાં હેમ્સવર્થ, વેસ્ટ યોર્કશાયર માટે ટોરી ઉમેદવાર તરીકે ઊભા રહ્યા હતા. તે પછી 2005માં વેસ્ટ યોર્કશાયરમાં કાલ્ડર વેલીમાં ઉભા રહ્યાં હતા. પણ બન્ને વખત હારનો સામનો કરવો પડ્યો હતો. તેઓ 2006માં ગ્રીનીચ, લંડનમાં કાઉન્સિલર તરીકે ચૂંટાયા હતા. ડેવિડ કેમરને શ્રીમતી ટ્રસને 2010ની ચૂંટણી માટે તેમના અગ્રતા ઉમેદવારોની “A-સૂચિ”માં મૂકી સાઉથ વેસ્ટ નોર્ફોકની સલામત બેઠક માટે ઊભા રહેવા તેણીની પસંદગી કરી હતી અને તેઓ સાંસદ બન્યા હતા. તે વખતે આક્ષેપ થયા હતા કે તેણીનું ટોરી સાંસદ માર્ક ફીલ્ડ સાથે કેટલાક વર્ષો પહેલા અફેર હતું અને તેમની પસંદગી બાબતે વિવાદો થયા હતા.
2012માં તેમને એજ્યુકેશન મિનિસ્ટર અને 2014માં એન્વાયર્નમેન્ટ સેક્રેટરી તરીકે બઢતી આપવામાં આવી હતી. EU લોકમત વખતે શ્રીમતી ટ્રુસે રીમેઇન માટે ઝુંબેશ ચલાવી હતી. 2016માં પ્રથમ મહિલા લોર્ડ ચાન્સેલર અને જસ્ટીસ સેક્રેટરી બન્યા હતા. તેના 11 મહિના પછી, તેમને ટ્રેઝરીના ચિફ સેક્રેટરી બનાવાયા હતા. 2019માં બોરિસ જૉન્સને વડા પ્રધાન બન્યા બાદ તેમને આંતરરાષ્ટ્રીય વેપાર સેક્રેટરી તરીકે નિમ્યા હતા. 2021માં, 46 વર્ષની વયે, તેમને ફોરેન સેક્રેટરી તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી.
47 વર્ષના લિઝ ટ્રસનો જન્મ 1975માં ઓક્સફર્ડમાં થયો હતો અને તેઓ લંડન અને નોર્ફોકમાં ઘર ધરાવે છે. તેમણે લીડ્સમાં રાઉન્ડહે સ્કૂલ અને ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી શિક્ષણ મેળવ્યું હતું. ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી ટ્રસે ફિલોસોફી, રાજકારણ અને અર્થશાસ્ત્રમાં ડીગ્રી મેળવી હતી. તે પછી તેમણે શેલ અને કેબલ એન્ડ વાયરલેસ માટે એકાઉન્ટન્ટ તરીકે કામ કર્યું હતું.
તેઓ બે યુવાન પુત્રીઓની માતા છે. તેમના પતિ હ્યુગ ઓ’લેરી એકાઉન્ટન્ટ છે.
ટ્રસના પિતા, ગણિતના પ્રોફેસર હતા અને તેમની માતા, એક નર્સ હતી જેઓ “ડાબેરી” વિચારસરણી ધરાવતા હતા. થેચર સરકાર યુ.એસ. પરમાણુ હથિયારોને લંડનના RAF ગ્રીનહામ કોમન ખાતે સ્થાપિત કરવાની મંજૂરી આપતા હતા ત્યારે ટ્રસની માતાએ પરમાણુ નિઃશસ્ત્રીકરણ ઝુંબેશ માટે કૂચ કરી સખત વિરોધ કર્યો હતો. જેમાં લિઝ પણ જોડાયા હતા. તે વખતે લિઝ સ્કોટિશ લિબરલ હતા. ટ્રસ ચાર વર્ષના હતા ત્યારે તેમનો પરિવાર ગ્લાસગોની પશ્ચિમે આવેલા પેસ્લીમાં રહેવા ગયો હતો.
શ્રીમતી ટ્રસ ઓક્સફર્ડમાં ઘણી ઝુંબેશમાં સામેલ હતા અને યુનિવર્સિટીના લિબરલ ડેમોક્રેટ્સના પ્રમુખ બનીને તેમનો મોટાભાગનો સમય રાજકારણમાં ફાળવ્યો હતો. પાર્ટીની 1994ની કોન્ફરન્સમાં તેમણે રાજાશાહીને નાબૂદ કરવાની તરફેણમાં વાત કરી હતી. તેમણે કેનાબીસના બીન-અપરાધીકરણ માટે પણ ઝુંબેશ ચલાવી હતી.