બ્રિટનના લિવરપૂલના કેથેડ્રલમાં રવિવાર તા. 14ના રોજ યુદ્ધના મૃતકોની યાદમાં રિમેમ્બરન્સ ડે સર્વિસ યોજાઈ રહી હતી ત્યારે જ નજીક આવેલ લિવરપૂલ વિમેન્સ હોસ્પિટલની બહાર એક ટેક્સીને આત્મઘાતી બોમ્બર દ્વારા બોંબ બ્લાસ્ટ કરી ઉડાવી દેવાઇ હતી. આ બનવ સંદર્ભે આતંકવાદ વિરોધી પોલીસ અધિકારીઓએ શહેરના કેન્સિંગ્ટન વિસ્તારમાંથી 29, 26 અને 21 વર્ષની વયના ત્રણ પુરૂષોની ધરપકડ કરી હતી. વિસ્ફોટક સાથે મુસાફરી કરી રહેલા આતંકવાદીને ઓળખી લેનાર ટેક્સી ડ્રાઇવરે સમયસૂચકતા અને બહાદુરી દાખવી પોતાની ટેક્સીમાં આતંકવાદીને પૂરી દીધો હતો. જેણે બાદમાં ટેક્સી ઉડાવી દીધી હતી અને પોતે પણ મરણ પામ્યો હતો.
બોમ્બ સ્ક્વોડે પોપી ડે બ્લાસ્ટની તપાસમાં એક ઘરની નજીક નિયંત્રિત બોમ્બ વિસ્ફોટ કર્યો હતો. ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે યોજાયેલી કોબ્રા ઇમરજન્સી મીટિંગમાં યુકેના આતંકવાદી ખતરાનું સ્તર આજે ‘નોંધપાત્ર’થી વધારીને ‘ગંભીર’ કરવામાં આવ્યું હતું.
પોલીસ અને સુરક્ષા સેવાઓના નિષ્ણાતોએ વડા પ્રધાનને સલાહ આપી હતી કે મર્સીસાઇડમાં બોમ્બ વિસ્ફોટ અને એસેક્સના કન્ઝર્વેટિવ સાંસદ સર ડેવિડ એમેસની હત્યા બાદ બ્રિટિશ ધરતી પર બીજો હુમલો ‘અત્યંત સંભવિત’ છે.
કાઉન્ટર-ટેરરિઝમ પોલીસિંગ નોર્થવેસ્ટના આસીસ્ટન્ટ ચીફ કોન્સ્ટેબલ રસ જેક્સને જણાવ્યું હતું કે “અમારી ધારણા મુજબ ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝીવ ડીવાઇસ ટેક્સીના મુસાફર દ્વારા જ બનાવવામાં આવ્યું હતું. જો કે આ ઘટનાનો હેતુ હજુ સુધી સમજી શકાયો નથી. પરંતુ તમામ સંજોગોને જોતા, તેને આતંકવાદી ઘટના જાહેર કરવામાં આવી છે. 20 વર્ષની વયના અન્ય એક માણસની સોમવારે ધરપકડ કરવામાં આવી હતી. પોલીસને “નોંધપાત્ર વસ્તુઓ” એક સરનામાં પર મળી આવી હતી જ્યારે અન્ય ઘણા સરનામાં પર તપાસ કરવામાં આવી હતી.”
રસ જેક્સને જણાવ્યું હતું કે તેણે કહ્યું કે ‘’પેસેન્જર લિવરપૂલના એક સ્થાન પર ટેક્સીમાં ચડ્યો હતો અને ડ્રાઇવરને લગભગ 10-મિનિટ દૂર આવેલી હોસ્પિટલમાં લઈ જવાનું કહ્યું હતું. કાર હોસ્પિટલની સામેના ડ્રોપ-ઓફ પોઈન્ટની નજીક આવતાં જ કારમાં વિસ્ફોટ થયો હતો. જેમાં કાર ડ્રાઈવર વાહનમાંથી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો પરંતુ તે સામાન્ય ઈજા પામ્યો હતો. જેને તબીબી સારવાર આપી મુક્ત કરવામાં આવ્યો છે. તે સ્પષ્ટ થયું નથી કે મુસાફર શા માટે હોસ્પિટલમાં જવા માંગતો હતો.’’
આ અગાઉ, લિવરપૂલના મેયર જોઆન એન્ડરસને આ ઘટનાને ‘’અસ્વસ્થ” તરીકે વર્ણવી ઝડપી પ્રતિસાદ માટે ઇમરજન્સી સેવાઓનો આભાર માન્યો હતો. તેમણે ટેક્સી ડ્રાઇવરની કામગીરીને “પરાક્રમી” ગણાવી કહ્યું હતું કે તેણે પેસેન્જરને વાહનની અંદર બંધ કરી દીધો હતો અને હોસ્પિટલ પર આવનારી ભયાનક આપત્તિને રોકી લીધી હતી.”
વડા પ્રધાન બોરિસ જૉન્સને ડ્રાઇવરની “સમયસૂચકતા અને બહાદુરી”ની પ્રશંસા કરી કહ્યું હતું કે “મારા વિચારો લિવરપૂલમાં આજે બનેલી ભયાનક ઘટનાથી પ્રભાવિત થયેલા તમામ લોકો સાથે છે. હું ઇમરજન્સી સેવાઓનો તેમના ઝડપી પ્રતિસાદ અને પ્રોફેશનલીઝમ અને તપાસ માટે ચાલી રહેલા કાર્ય માટે પોલીસનો આભાર માનું છું. આ વિસ્ફોટ લોકોને જાગ્રત રહેવા માટે એક ‘ખૂબ રીમાઇન્ડર’ હતું. ગઈકાલે જે સૌથી ઉપર બહાર આવ્યું તે એ છે કે બ્રિટિશ લોકો ક્યારેય આતંકવાદથી ડરશે નહીં, જેઓ અમને વિભાજિત કરવા માંગે છે તેમની સામે અમે ક્યારેય હાર માનીશું નહીં. આપણી સ્વતંત્રતા અને આપણી જીવનશૈલી હંમેશા પ્રબળ રહેશે.’ વડાપ્રધાને કોવિડ પ્રેસ બ્રીફિંગમાં દેશને ‘જાગ્રત’ રહેવા વિનંતી કરી હતી. તેમણે વિસ્ફોટ અંગે ચર્ચા કરવા સોમવારે સરકારની ‘કોબ્રા’ ઇમરજન્સી કમિટીની બેઠક યોજી હતી.
હોમ સેક્રેટરી, પ્રીતિ પટેલે ટ્વીટ કર્યું હતું કે “મને લિવરપૂલ વિમેન્સ હોસ્પિટલની ભયાનક ઘટના વિશે નિયમિતપણે માહિતી આપવામાં આવે છે. પોલીસ અને ઇમરજન્સી સેવાઓ શું થયું તે સ્થાપિત કરવા માટે સખત મહેનત કરી રહી છે.’’
શહેરના સેફ્ટન પાર્ક વિસ્તારની એક શેરીમાં રવિવારે સશસ્ત્ર પોલીસે કોર્ડન કરી તપાસ આદરી હતી. પોલીસે કાર વિસ્ફોટની પૂછપરછના ભાગ રૂપે કેટલાક લોકોને તેમના ઘરોમાંથી બહાર કાઢી તપાસ કરી હતી. સોમવારે વહેલી સવારે પોલીસનો વિશાળ કાફલો કોર્ડનમાં પ્રવેશ્યો હતો. જેમાં એક અધિકારી “વાટાઘાટકાર” લખેલ વેસ્ટ પહેરેલા હતા. એક ફાયર ક્રૂને પણ નજીકમાં સ્ટેન્ડબાય રાખવામાં આવ્યો હતો. પરંતુ મોટાભાગના સશસ્ત્ર અધિકારીઓ સવારે 3 વાગ્યા સુધીમાં ત્યાંથી નીકળી ગયા હતા.
બનાવની તપાસ આતંકવાદ વિરોધી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે જેને MI5 દ્વારા મદદ કરવામાં આવી રહી છે.
બોમ્બ વિસ્ફોટના ફૂટેજ સીસીટીવીમાં કેદ
સીસીટીવી ફૂટેજ મુજબ ટેક્સી સવારે 10.57 વાગ્યા પહેલા હોસ્પિટલના કાર પાર્કમાં પ્રવેશી હતી. કાર ઉભી રહે તે પહેલા જ તેમાં થયેલા વિસ્ફોટથી તેની તમામ બારીઓના કાચ ફૂટી ગયા હતા. તે સમયે કારમાંથી ધુમાડો નીકળતો દેખાયો હતો. વિસ્ફોટ પછી લગભગ છ સેકન્ડમાં સ્તબ્ધ ડ્રાઇવર ડેવીડ પેરી દરવાજો ખોલી વાહનમાંથી ભાગતા દેખાયા હતા. તેમણે કાર તરફ દૂરથી જ ઈશારો કરી લોકોને કારથી દૂર રહેવા ચેતવણી આપી હતી. સવારે 10.59 વાગ્યા સુધીમાં કાર સંપૂર્ણ રીતે બળી ગઇ હતી અને પેરીને હોસ્પિટલની સુરક્ષા ટીમના સભ્યો લઈ ગયા હતા.
ટેક્સી ડ્રાઇવરની મદદ કરવા યલો હાઇ વીઝ પહેરેલો એક માણસ દોડી ગયો હતો. જેની પ્રશંસા કરવામાં આવી રહી છે. વિસ્ફોટના લગભગ 30 સેકન્ડ પછી, કારમાં જ્વાળાઓથી લપેટાઈ જતી જણાઇ હતી. એક વ્યક્તિ કારની પાછળની સીટમાં દાઝી ગયેલા પેસેન્જરને જોતા જણાયા હતા.
ટેક્સી ડ્રાઇવરની પત્ની રશેલ પેરીએ ફેસબુક પર લખ્યું હતું કે ‘ડેવિડની ખબર પૂછવા માટે મેસેજ કરનાર દરેકનો આભાર માનું છું. તે ખૂબ જ દુ:ખી છે અને જે બન્યું તેની સાથે સેટ થવા પ્રયાસ કરી રહ્યો છે. તેના હીરો હોવા અને પેસેન્જરને કારની અંદર લૉક કરવા વિશે ઘણી બધી અફવાઓ ઉડી રહી છે. પરંતુ આ બાબતની સત્યતા એ છે કે, તે શંકા વિના, જીવંત રહેવા માટે નસીબદાર છે. જ્યારે તે કારમાં હતો ત્યારે જ વિસ્ફોટ થયો હતો અને તે કેવી રીતે નાસી છૂટવામાં સફળ થયો તે એકદમ ચમત્કાર છે.’’
00000
- સળગતી કારના ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયા પર ઝડપથી ફરતા થયા હતા.
- માનવામાં આવે છે કે એક જણાની ધરપકડ કેન્સિંગ્ટન વિસ્તારમાં બોએલર સ્ટ્રીટ નજીકની સટક્લિફ સ્ટ્રીટમાં એક ટેરેસ હાઉસ ખાતેથી કરાઈ હતી.
- મર્સીસાઇડ પોલીસ આગામી દિવસોમાં સમુદાયના જૂથો, સમુદાયના નેતાઓ, ભાગીદાર એજન્સીઓ અને વ્યક્તિઓ સાથે સંપર્ક કરવાનું ચાલુ રાખશે જેથી કોઈપણ ચિંતાઓનું નિરાકરણ કરી સ્થાનિક લોકોને શક્ય તેટલી શ્રેષ્ઠ સેવા પૂરી પાડી શકાય.
- લિવરપૂલ વિમેન્સ હોસ્પિટલે જણાવ્યું હતું કે મુલાકાતીઓનો પ્રવેશ “આગળની સૂચના સુધી” પ્રતિબંધિત કરવામાં આવ્યો હતો અને દર્દીઓને “જ્યાં શક્ય હોય ત્યાં” અન્ય હોસ્પિટલોમાં વાળવામાં આવ્યા હતા. જ્યારે સ્ટાફને મર્સીસાઇડ પોલીસની દેખરેખ હેઠળ હોસ્પિટલમાં દાખલ થવાની પરવાનગી આપવામાં આવી રહી છે.
- નિષ્ણાતો જણાવે છે કે બોમ્બ કદાચ TNT જેવો ઉચ્ચ વિસ્ફોટક ન હતો પરંતુ હાઇડ્રોકાર્બન પદાર્થનો હતો, મોટે ભાગે પેટ્રોલ હશે.
- શકમંદ આતંકવાદીના રટલેન્ડ એવન્યુના ઘરનો ઉપયોગ બોમ્બ ફેક્ટરી તરીકે થઈ રહ્યો હોવાની આશંકા વચ્ચે પોલીસે રાતોરાત આઠ પડોશીઓને તેમના ઘર ખાલી કરાવ્યા હતા.
- લિવરપૂલના એંગ્લિકન કેથેડ્રલ ખાતે યોજાનાર સર્વિસમાં 1,200 લશ્કર કર્મચારીઓ, નિવૃત્ત સૈનિકો અને મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો ભેગા થયા હતા.
- આત્મઘાતી બોમ્બર મધ્ય પૂર્વનો હતો અને ઘણાં વર્ષો પહેલા યુકેમાં સ્થાયી થયો હતો. જો કે MI5 માટે અજાણ્યો હતો.’
- ટેક્સી ડ્રાઈવર અને પરણિત અને બે બાળકોના પિતા ડેવિડ પેરીને મિત્રો દ્વારા હીરો તરીકે બિરદાવવામાં આવ્યા હતા.
- ટેક્સી બ્લાસ્ટ પણ સીસીટીવીમાં કેદ થયો હતો જેના ફુટેજ આજે બહાર આવ્યા હતા.
- પોલીસ અધિકારીઓ સટક્લિફ સ્ટ્રીટ અને સેફ્ટન પાર્કમાં રટલેન્ડ એવન્યુ ખાતે તપાસ કરી રહ્યા છે. જ્યાં બોમ્બ બનાવવાના સાધનોનો અને ‘નોંધપાત્ર વસ્તુઓ’ મળી આવી છે.
- પાડોશી, શેરોન ક્યુલેને જણાવ્યું હતું કે પોલીસે મારા ઘરના દરવાજા પર ધક્કા મારી અમને સંભવિત વિસ્ફોટથી બચાવી લેવા ઘરની બહાર કાઢ્યા હતા.
- કેબ ડ્રાઈવર ડેવિડ પેરીને આતંકવાદી શકમંદને કેબની અંદર પૂરી રાખી ઘણા લોકોના જીવન બચાવવાનો શ્રેય આપવામાં આવે છે.
- પોલીસ બોમ્બરના સાચા ટાર્ગેટને શોધવા માટે ઝઝૂમી રહી છે.
- ઓક્ટોબરમાં, કન્ઝર્વેટિવ સાંસદ સર ડેવિડ એમેસ એસેક્સમાં તેમના મતવિસ્તારની સર્જરીમાં કથિત આતંકવાદી હુમલામાં માર્યા ગયા હતા. એક વ્યક્તિ પર તેની હત્યાનો આરોપ મૂકવામાં આવ્યો છે અને તેની સુનાવણી આગામી માર્ચમાં થવાની છે.