વિપક્ષી લેબર પાર્ટીના સૌથી વરિષ્ઠ સભ્યોમાંની એક એવા ભારતીય મૂળના લિસા નાંદીએ લેબર પાર્ટી કોન્ફરન્સમાં આપેલા તેમના મુખ્ય ભાષણ દરમિયાન મહાત્મા ગાંધી અને ભારતીય સ્વતંત્રતા સંગ્રામની પ્રશંસા કરી હતી.
લેબર નેતા કેઇર સ્ટાર્મરની ટોચની ટીમમાં શેડો ફોરેન સેક્રેટરી તરીકે સેવા આપતા લીસા નાંદીનો જન્મ કોલકાતામાં જન્મેલા દીપક નાંદીના ઘરે થયો હતો. જેઓ બ્રિટનમાં રેસ રિલેશન્સના ક્ષેત્રમાં તેમના કામ માટે જાણીતા છે. પાર્ટીની વિદેશી બાબતોના ઇન્ચાર્જ તરીકે બ્રાઇટનમાં તેની પ્રથમ પાર્ટી કોન્ફરન્સને સંબોધતા સોમવારે નાંદીએ ભારતમાં તેમના મૂળ અને સત્તા સંઘર્ષનો ઉલ્લેખ કર્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે ‘’આ સામ્રાજ્યના ઘણા બાળકોનો સમાવેશ થાય છે, જેમ કે મારા પપ્પા, જેઓ 50ના દાયકામાં ભારતથી અહીં આવ્યા હતા અને રેસ રિલેશન એક્ટ બનાવવા માટેના સંઘર્ષ દ્વારા આપણી રાષ્ટ્રીય વાર્તા રચવામાં મદદ કરી હતી. લેબરની વિદેશ નીતિ લોકોને તેના હૃદયમાં મૂકશે, રાષ્ટ્રીય સુરક્ષાનો બચાવ કરશે, ગ્રહનું રક્ષણ કરશે અને માનવ અધિકારોને જાળવી રાખશે. લગભગ એક સદી પહેલા જ્યારે મારા દાદા-દાદી જેને ટેકો આપતા હતા તે ભારતીય સ્વતંત્રતા અભિયાનના લેન્કેશાયરના કાપડ કામદારો માટે વિનાશક પરિણામો આવ્યા હતા. જ્યારે કપાસ આવવાનું બંધ થયું, મિલો ચાલતી બંધ થઈ ગઈ ત્યારે કામદારો ભૂખ્યા થઈ ગયા હતા. પરંતુ મારા પરિવારના સભ્યો, જેઓ તે મિલોમાં કામ કરતા હતા તેઓ ગાંધીજીને લેંકેશાયરમાં આવકારનારા લોકોમાં હતા. કારણ કે તેઓ જાણતા હતા કે એકતામાં શક્તિ છે અને અમારો સંઘર્ષ એક જ છે. મિલ કામદારો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.’’