વોકહાર્ટ યુકેના મેનેજિંગ ડિરેક્ટર રવિન્દ્ર લિમયેને ખાસ કરીને કોવિડ-19 રોગચાળા દરમિયાન આરોગ્યમાં તેમના યોગદાન બદલ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર (OBE) તથા ભવનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડૉ. એમ. એન. નંદકુમારને યુકેમાં ભારતીય શાસ્ત્રીય કલાના શિક્ષણ, પ્રદર્શન અને સુલભતા માટેની સેવાઓ બદલ માનદ MBE સન્માન એનાયત કરાયાં છે. ગુરુવારે તા. 13ના રોજ યુકે સરકાર દ્વારા આ સન્માનની જાહેરાત કરવામાં આવી હતી.
ભવનની સમગ્ર ટીમ, વિદ્યાર્થીઓ અને શિક્ષકો અને તમામ સમર્થકોએ ડૉ. નંદકુમારને આ સન્માન બદલ હાર્દિક અભિનંદન પાઠવ્યા છે. ભવનના અધ્યક્ષ શ્રી સુભાનુ સક્સેનાએ કહ્યું હતું કે, “અમારા નંદાજી તેમના શાણપણ, જ્ઞાન, નમ્રતા અને ભવનની આજીવન સેવાઓ માટે જાણીતા છે. આ સન્માન માટે અમે નંદાજી કરતાં વધુ લાયક તરીકે કોઈનું નામ વિચારી શકતા નથી.”
લંડન યુનિવર્સિટીમાંથી પીએચડીની ડિગ્રી મેળવનાર ડૉ. નંદકુમાર ચાર દાયકા કરતાં વધુ સમયથી યુકેમાં ભારતીય શાસ્ત્રીય કળાને પ્રોત્સાહન આપી રહ્યાં છે. સંસ્કૃત ભાષા, સાહિત્ય અને ફિલોસોફીના વિદ્વાન ડૉ. નંદકુમાર જાણીતા વક્તા પણ છે. તેમણે ડરબન, દક્ષિણ આફ્રિકામાં વેસ્ટવિલે યુનિવર્સિટી અને કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં પ્રવચન આપ્યું હતું. ડૉ. નંદકુમાર ભારતના સંસ્કૃત બોલતા ગામ મત્તુરના વતની છે અને ભારતની બહારની સૌથી મોટી ભારતીય કલા સંસ્થા ભવનના વડા છે.
શ્રી લિમયે 2019થી મુંબઈ સ્થિત ફાર્મા અને બાયોટેક કંપની વોકહાર્ટની યુકે શાખાના ચીફ એક્ઝિક્યુટિવ છે. તેમણે આ અગાઉ અન્ય ભારતીય ફાર્મા કંપની બાયોકોન માટે કામ કર્યું હતું અને તેઓ તેની વૈશ્વિક વ્યાપારી કામગીરીની દેખરેખ રાખતા હતા. તેમણે વૈશ્વિક બાયોસિમિલર બજારોમાં કંપનીના પ્રવેશનું અને યુએસમાં તેની કામગીરીનું નેતૃત્વ કર્યું હતું. તેઓ અગાઉ ગ્લેક્સોસ્મિથક્લાઇન અને નોવાર્ટિસ સાથે સંકળાયેલા હતા.
માનદ પુરસ્કારો માટે પસંદ કરાયેલા અન્ય ભારતીયોમાં મૃદુલા ચક્રવર્તીનો પણ સમાવેશ થાય છે જેઓ ગ્લાસગો સ્થિત ફર્મ ટવ નેલ લિમિટેડમાં પ્રિન્સિપલ એન્જિનિયર છે. સ્કોટલેન્ડમાં એશિયન સમુદાય માટે તેમની સખાવતી સેવાઓ માટે તેમને MBE એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.
ઓમાનમાં યુકે એમ્બેસીમાં વાઈસ કોન્સલ તરીકે કામ કરતી સ્મિતા અરાત્તુકુલમને ઓમાનમાં બ્રિટિશ નાગરિકોની સેવાઓ બદલ બ્રિટિશ એમ્પાયર મેડલ BEM માટે પસંદ કરાયા છે.