રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ડાયરેક્ટર્સ તરીકે અબજોપતિ મુકેશ અંબાણીના ત્રણ સંતાનોને બોર્ડ અને સમિતિની બેઠકોમાં હાજરી આપવા માટે માત્ર ફી ચૂકવવામાં આવશે અને તેઓ કોઇ પગાર લેશે નહીં. એમ કંપનીએ તેના બોર્ડમાં તેમની નિમણૂક માટે શેરધારકોની મંજૂરી માગતા ઠરાવમાં જણાવ્યું હતું.
66 વર્ષીય મુકેશ અંબાણી પણ 2020-21ના નાણાકીય વર્ષથી કંપનીમાંથી કોઇ પગાર લેતા નથી. જોકે તેમના પિતરાઈ ભાઈઓ નિખિલ અને હિતલ સહિતના અન્ય એક્ઝિક્યુટિવ ડિરેક્ટરોને પગાર, ભથ્થાં અને કમિશન ચૂકવવામાં આવે છે. તેના ત્રણ બાળકો – જોડિયા આકાશ અને ઈશા (બંને 31 વર્ષ) અને અનંત (28 વર્ષ) કંપનીના નફા પર માત્ર અને કમિશન અને બેઠકોમાં હાજરી આપવાની ફી લેશે.
ત્રણેયની નિમણૂકની શરતો એ જ છે કે જેના આધારે અંબાણીની પત્ની નીતાને 2014માં કંપની બોર્ડમાં નિયુક્ત કરવામાં આવ્યાં હતા. તેમણે 2022-23ના નાણાકીય વર્ષમાં ₹6 લાખની બેઠક ફી અને ₹2 કરોડનું કમિશન મેળવ્યું હતું.
મુકેશ અંબાણીએ ગયા મહિને કંપનીની વાર્ષિક શેરહોલ્ડર્સ બેઠકમાં જાહેરાત કરી હતી કે તેમના ત્રણ બાળકો આકાશ, ઈશા અને અનંતને રિલાયન્સના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ (BoD)માં સામેલ કરવામાં આવશે. તેમણે એમ પણ જણાવ્યું કે તેઓ કંપનીના ‘નેક્સ્ટ-જનરેશન’ લીડર્સને તૈયાર કરવા અને સશક્તિકરણ પર ધ્યાન કેન્દ્રિત કરીને વધુ પાંચ વર્ષ સુધી કંપનીના ચેરમેન અને સીઈઓ તરીકે ચાલુ રહેશે.
તેમણે તેમની નવી ટર્મ 18 એપ્રિલ, 2029ના રોજ પૂરી થાય ત્યાં સુધી પગાર ન લેવાની પણ જાહેરાત કરી દીધી છે. મુકેશ અંબાણીએ 2008-09થી તેમનું મહત્તમ વાર્ષિક વેતન રૂ.15 કરોડ પર સીમિત કરી દીધું છે. કોરોનાકાળમાં તેમણે તેમનો પગાર જતો કર્યો હતો. તેમના કઝિન નિખિલ અને હિતલ મેસવાણીનો પગાર 2022-23માં વધીને પ્રત્યેકનો રૂ.25 કરોડ થયો હતો, જેમાં રૂ.17.28 કરોડનું કમિશન હતું. એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પીએમએસ પ્રસાદનો પગાર વધીને રૂ.13.50 કરોડ થયો હતો.