ભારત અને કેનેડા વચ્ચે વિવાદ ચાલુ છે ત્યારે ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરે ભારપૂર્વક જણાવ્યું હતું કે ચંદ્રયાનની ભારત અને અમેરિકાના સંબંધો ચંદ્ર સુધી અને તેનાથી પણ આગળ વધશે. ભારત-અમેરિકા સંબંધો અત્યાર સુધીના સર્વોચ્ચ સ્તરે છે અને મોદી સરકાર તેને એક અલગ મુકામે લઈ જશે.
અમેરિકાના વોશિંગ્ટનમાં શનિવારે ઇન્ડિયા હાઉસ ખાતે ઇન્ડિયન અમેરિકનોને સંબોધતાં તેમણે આ ટીપ્પણી કરી હતી. ભારતીય દૂતાવાસ દ્વારા આયોજિત ‘સેલિબ્રેટિંગ કલર્સ ઑફ ફ્રેન્ડશિપ’ કાર્યક્રમમાં હાજરી આપવા માટે અમેરિકાના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભારતીય મૂળના લોકો આવ્યાં હતાં.
ઇન્ડિયા હાઉસ ખાતે ભારતીય-અમેરિકનોની અત્યાર સુધીની સૌથી મોટી સભામાં સંબોધતાં જયશંકરે જણાવ્યું હતું કે “આજે એક સ્પષ્ટ સંદેશ છે કે અમારો સંબંધ સર્વકાલીન ઉચ્ચ સ્તરે છે. પરંતુ જેમ અમેરિકામાં કહેવામાં આવે છે કે તમે હજી સુધી કંઈ જોયું જ નથી, તેમ અમે આ સંબંધને એક અલગ સ્તરે અને અલગ મુકામે લઈ જઈશું. અમેરિકાના સમર્થન વગર G20 સફળ થઈ ન હોત. મારા મતે તે ભારત-અમેરિકાની ભાગીદારીની પણ સફળતા છે. આ ભાગીદારીને જે સમર્થનની જરૂર છે, તે જે સમર્થનને પાત્ર છે અને જે સમર્થનની અપેક્ષા છે તે આપતા રહો. હું તમને વચન આપી શકું છું કે આ સંબંધ ચંદ્રયાનની જેમ ચંદ્ર પર જશે, કદાચ તેનાથી આગળ વધશે.
જયશંકરે કહ્યું હતું કે બંને દેશો વચ્ચેનો માનવીય બંધન દ્વિપક્ષીય સંબંધોને અનન્ય બનાવે છે. દેશો વચ્ચે બિઝનેસ, મિલિટરી સહયોગ હોય છે, પરંતુ બે દેશો વચ્ચે ગાઢ માનવીય સંબંધ હોય ત્યારે તે સંપૂર્ણપણે અલગ સહયોગ હોય છે. દ્વિપક્ષીય સંબંધોના નિર્માણમાં ડાયસ્પોરાનું યોગદાન કંઈક અદભૂત છે.