ફાઇલ ફોટો (PTI Photo)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિડિયો કોન્ફરન્સિંગ મારફત નવા વર્ષના પ્રથમ દિવસે છ રાજ્યોમાં લાઈટ હાઉસ પ્રોજેક્ટ (LHP)નો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રોજેક્ટ્સ હેઠળ 12 મહિનામાં છ રાજ્યોમાં પ્રત્યેક સ્થળે 1,000 મકાનનું નિર્માણ કરવામાં આવશે.

ગ્લોબલ હાઉસિંગ ટેક્નોલોજી ચેલેન્જ-ઈન્ડિયા(GHTC) હેઠળ અગરતલા (ત્રિપુરા), રાંચી (ઝારખંડ), લખનૌ (ઉતરપ્રદેશ), ઈન્દોર (મધ્યપ્રદેશ), રાજકોટ (ગુજરાત) અને ચેન્નાઈ (તમિલનાડુ)માં લાઈટ હાઉસ પ્રોજેક્ટ્સ ચાલુ થશે. આ પ્રસંગે મોદીએ જણાવ્યું હતું કે ગરીબ અને મધ્યમ વર્ગ માટે મકાન તેમની સરકારની પ્રથમ અગ્રતા છે. લાઇટ હાઉસ પ્રોજેક્ટ્સ આધુનિક ટેકનોલોજી અને ઇનોવેટિવ પ્રોસેસ આધારિત છે. આ પ્રોજેક્ટ્સ હેઠળ ઓછા સમયમાં મકાનનું નિર્માણ થશે. તે એફોર્ડેબલ અને આરામદાયક હશે. તે માટે ફ્રાન્સ, જર્મની અને કેનેડાની આધુનિક કન્સ્ટ્રક્શન ટેકનોલોજીનો ઉપયોગ થશે.

લાઈટ હાઉસ પ્રોજેક્ટ માટે ત્રિપુરા, ઉતરપ્રદેશ, મધ્યપ્રદેશ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ ઝારખંડ અને ગુજરાત રાજ્યની પસંદગી કરવામાં આવી હતી. લાઈટ હાઉસ પ્રોજેક્ટ કેન્દ્રીય શહેરી મંત્રાલયની મહત્વકાંક્ષી યોજના છે. આ અંતર્ગત લોકોને સ્થાનિક પર્યાવરણનું ધ્યાન રાખીને ટકાઉ ઘર આપવામાં આવે છે.