ભારતની લાઇફ ગ્લોબલ અને લાઇફ ગ્લોબલ યુએસએ નામની સેવાભાવી સંસ્થાએ 18 સપ્ટેમ્બરે તેની પાંચમી એનિવર્સરી નિમિત્તે ન્યૂજર્સીમાં એક ભવ્ય સમારંભમાં અડધા મિલિયન ડોલરનું ભંડોળ એકત્ર કર્યું હતું.આ સમારંભના સહ-આયોજક અને લાઇફ ગ્લોબલના સ્થાપક તથા ટ્રેઝરર અમર શાહે ઉપસ્થિત લોકો જણાવ્યું હતું કે, એક ભાગીદાર સંસ્થા તરીકે પ્રોજેક્ટ લાઇફ ઇન્ડિયા છેલ્લા 25 વર્ષથી પ્રાથમિક શિક્ષણ, મહિલા સશક્તિકરણ અને થેલેસેમિયા જાગૃત્તિ માટે કાર્ય કરે છે.
ન્યૂજર્સીમાં એડિસન ખાતેના મિરાજ બેન્ક્વેટમાં 300 જેટલા સમર્થકો, લાઇફ ગ્લોબલ-પ્રોજેક્ટ લાઇફના બોર્ડ મેમ્બર્સ સંસ્થા વિશે વધુ જાણવા માટે એકત્ર થયા હતા. તેમણે ભારતમાં વિવિધ પ્રોજેક્ટ અને સેવા કાર્યો માટે ઉદાર હાથે ફાળો આપ્યો હતો. આ અવસરે બોલીવૂડનાં પીઢ અભિનેત્રી આશા પારેખ મુખ્ય મહેમાનપદે ઉપસ્થિત રહ્યા હતા. સહુએ તેમની ઉપસ્થિતિને આવકારી પ્રશંસા કરી હતી.
આ કાર્યક્રમમાં ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં 108 પ્રાથમિક શાળાઓના નવીનીકરણ અને 121 શાળાઓના પુનઃનિર્માણ, 2008માં 28 મહિલાઓથી શરૂ થયેલા મહિલા સશક્તિકરણ અંતર્ગત દસ હજાર મહિલાઓને મદદ કરવામાં આવી છે અને 2025 સુધીમાં 15 હજાર મહિલાઓને ટ્રેનિંગ આપવાનો લક્ષ્યાંક છે. આ ઉપરાંત ભારતમાં દેશવ્યાપી થેલેસેમિયા જાગૃત્તિ અભિયાન શરૂ કરવાનું આયોજન છે, જેથી દેશને તે પીડામાંથી મુક્ત કરી શકાય. આ કાર્યક્રમમાં ભારતીય ક્રિકેટરો વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહ, રોહિત શર્મા, રવિન્દ્ર જાડેજા, રાહુલ દ્વવિડ, મહેન્દ્ર સિંહ ધોની, ઋષભ પંત, અજિંક્ય રહાણે અને અક્ષર પટેલે હસ્તાક્ષર કરેલા બે બેટની હરાજી કરાઈ હતી, પન્ના દેસાઇ નામની એક ક્રિકેટ રસિકે તે ખરીદ્યા હતા.
આ અવસરે આશા પારેખના જન્મ દિનની પણ ઉજવણી પણ કરવામાં આવી હતી. આશા પારેખે પ્રોજેક્ટ લાઇફ સાથેના પોતાના લાંબા સમયના જોડાણ અંગે જણાવ્યું હતું અને સંસ્થા દ્વારા હાથ ધરાયેલા વિવિધ સેવાકાર્યોની પ્રશંસા કરી હતી.