લેફ્ટનન્ટ જનરલ અસીમ મુનીરની ગુરુવારે પાકિસ્તાનના નવા ચીફ ઓફ આર્મી સ્ટાફ (COAS) તરીકે નિમણૂક કરવામાં આવી હતી. આની સાથે દેશમાં છેલ્લાં કેટલાંક સમયથી ચાલતી તીવ્ર અટકળો અને રાજકીય સંઘર્ષનો અંત આવ્યો છે.
તેઓ પાકિસ્તાનના 17મા આર્મી ચીફ હશે. રેડિયો પાકિસ્તાન અનુસાર લેફ્ટનન્ટ જનરલ મુનીર હાલમાં જનરલ હેડક્વાર્ટર (GHQ) ખાતે ક્વાર્ટર માસ્ટર જનરલ તરીકે સેવા આપી રહ્યા છે. તેમની વર્તમાન ભૂમિકામાં, તે તમામ લશ્કરી એકમો માટે પુરવઠાની દેખરેખ રાખે છે.
મુનીર જનરલ કમર જાવેદ વાજવાનું સ્થાન લેશે. આ સિવાય લેફ્ટનન્ટ જનરલ સાહિર શમશાદ મિર્ઝાને જોઈન્ટ ચીફ ઑફ સ્ટાફ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પાકિસ્તાનના સૂચના અને પ્રસારણ પ્રધાન મરિયમ ઔરંગઝેબે આ માહિતી આપી હતી. લેફ્ટનન્ટ જનરલ અસીમ મુનીર જનરલ પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISIના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. તેઓ 25 ઓક્ટોબર 2018થી 16 જૂન 2019 સુધી ISI ના ડાયરેક્ટર જનરલ હતા. તેઓ ત્રણ સ્ટાર રેન્કના જનરલ છે. હાલમાં તેઓ પાક આર્મીમાં ક્વાર્ટર માસ્ટર જનરલ તરીકે ફરજ બજાવી રહ્યા છે.
આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવા આવતા અઠવાડિયે 29 નવેમ્બરે નિવૃત્ત થઈ રહ્યા છે. જનરલ બાજવા (61)ને 2016માં ત્રણ વર્ષ માટે આર્મી ચીફ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. વર્ષ 2019માં તેમને ત્રણ વર્ષનું એક્સટેન્શન આપવામાં આવ્યું હતું.