લેસ્ટરમાં છેલ્લા ચાર દાયકાઓથી યોજાઇ રહેલી દિવાળીની લાઈટ્સ શરૂ કરવાના અને દિવાળી પર્વે યોજાતો કાર્યક્રમ આ વર્ષે પણ ચાલુ રહેશે એવી લેસ્ટર સીટી કાઉન્સિલના આસીસ્ટન્ટ મેયર અને કાઉન્સિલર વી ડેમ્પસ્ટરે જાહેરાત કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે લેસ્ટર ઇસ્ટના કોન્ઝર્વેટીવ ઉમેદવાર શિવાની રાજા અને લેસ્ટર ઇસ્ટના પૂર્વ એમપી કીથ વાઝે દિવાળી લાઇટ્સ આ વર્ષે બંધ કરવામાં ન આવે તે માટે જાગૃતિ લાવવા પીટીશન શરૂ કરી હતી જેને પગલે લેસ્ટર અને યુકેમાં વસતા હિન્દુઓમાં વ્યાપક રોષ ફેલાયો હતો.
લેસ્ટર સીટી કાઉન્સિલના મીડિયા અને પીઆર મેનેજર ડેબ્રા રેનોલ્ડ્સે ‘ગરવી ગુજરાત’ને પાઠવેલા એક્સક્લુસિવ ઇમેલ પ્રત્યુત્તરમાં જણાવ્યું હતું કે ‘’લેસ્ટર સીટી કાઉન્સિલ દિવાળીની લાઈટોનો કાર્યક્રમ કેન્સલ કરશે નહીં. અમને બે કાર્યક્રમોના ખર્ચ વિશે ચિંતાઓ છે – જેનો કુલ ખર્ચો લગભગ £250,000ની આસપાસ છે. પરંતુ અમને આશા છે કે તેના માટે ખાનગી સ્પોન્સરશિપ મળશે. હજુ ચર્ચા ચાલી રહી છે, અને કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.’’
સિટી કાઉન્સિલના પ્રવક્તાએ કહ્યું હતું કે “અમે તાજેતરમાં લેસ્ટર હિંદુ ફેસ્ટિવલ કાઉન્સિલના સભ્યો અને સ્થાનિક વોર્ડ કાઉન્સિલરોને સલાહ આપવા માટે મળ્યા હતા કે કાઉન્સિલ પર નાણાંના ભારે દબાણને કારણે કાઉન્સિલ તમામ તહેવારો અને કાર્યક્રમો માટે ભંડોળની સમીક્ષા કરી રહી છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં કાઉન્સિલે જાહેરાત કરી હતી કે દિવાળી માટે બે ઇવેન્ટનું ભંડોળ હવે પોસાય તેમ નથી તેથી કાઉન્સિલ હવે સમીક્ષા કરી રહી છે કે અન્ય સ્થળેથી નોંધપાત્ર ભંડોળ ન મળે તેવા સંજોગોમાં શું એક કાર્યક્રમને સમર્થન આપી શકીએ છીએ, જેનો ખર્ચ £130,000 હશે.’’
પ્રવક્તાએ જણાવ્યું હતું કે “તે બાબત પર ભાર મૂકવો મહત્વપૂર્ણ છે કે હજુ સુધી આ અંગે કોઈ નિર્ણયો લેવામાં આવ્યા નથી, પરંતુ વૈકલ્પિક ભંડોળના સંભવિત સ્ત્રોતોની શોધખોળ કરવા માટે હજુ પણ સમય છે ત્યારે અમે અમારા ભાગીદારો સાથે ખુલ્લા રહેવા માંગીએ છીએ. અમને શહેરના દિવાળી ઉત્સવની ઉજવણી પર ખૂબ જ ગર્વ છે, અને તે ચાલુ રાખવા માંગીએ છીએ. તેથી અમે આશા રાખીએ છીએ કે સંભવિત પ્રાયોજકો અથવા ફંડ આપનારા લોકો હવે આગળ આવશે, જેથી ખાતરી થઇ શકે કે લેસ્ટરની આ પરંપરા આવનારા વર્ષો સુધી ચાલુ રહે.”
લેસ્ટરના બેલગ્રેવ બિઝનેસ એસોસિએશન વતી મિર્ચમસાલા રેસ્ટોરંટના નીશા પોપટે ‘’ગરવી ગુજરાત’ને જણાવ્યું હતું કે ‘’દિવાળી અમારા શહેરનો મુખ્ય કાર્યક્રમ છે જે તમામ ઉંમરના અને બેકગ્રાઉન્ડના લોકોને આપણા વાઇબ્રન્ટ સ્પિરિટની ઉજવણી કરવા માટે એક સાથે લાવે છે. આ ઉત્સવ કોમ્યુનિટી બોન્ડને મજબૂત બનાવે છે, રોકાણને વેગ આપે છે અને પ્રવાસનને પ્રોત્સાહન આપે છે. તે ગોલ્ડન માઇલનો પાયાનો પથ્થર છે અને લેસ્ટરના વારસાનો મુખ્ય ભાગ છે.’’
‘’કાઉન્સિલ જે નાણાકીય અવરોધોનો સામનો કરે છે તે અમે સમજીએ છીએ, પરંતુ અમે માનીએ છીએ કે આ વર્ષની દિવાળીની ઉજવણી માટે આપવામાં આવેલી નોટિસ અપૂરતી છે. અમે દિવાળી માટે અમારા કેસની દલીલ કરવા અને ભવિષ્યની ઉજવણી વધુ વિકસે અને તેમાં વિકાસ થાય તેની ખાતરી કરવા માટે અમે સૌ પ્રતિબદ્ધ છીએ. જેથી લેસ્ટરને ભારતની બહાર દિવાળીની સૌથી મોટી ઉજવણીનું યજમાન બનાવવામાં આવે. અમે લેસ્ટરમાં દિવાળી ઉત્સવના વિકાસ અને તેમાં સુધારણાની સંભાવનાઓ વિશે ઉત્સાહિત છીએ અને અમને આશા છે કે કાઉન્સિલ અમારા પ્રયાસોમાં અમને ટેકો આપશે.’’
લેસ્ટર ઇસ્ટના પૂર્વ એમપી કીથ વાઝે ‘’દિવાળી લાઇટ્સ સ્વીચ ઓન ઉત્સવ અંગેની એક પીટીશનમાં જણાવ્યું હતું કે ‘’અમે નીચે હસ્તાક્ષર કરનારાઓ લેસ્ટરમાં દિવાળી લાઇટ્સ સ્વિચિંગ સમારોહના ભાવિ માટે ખૂબ જ ચિંતિત છીએ. લેસ્ટરમાં છેલ્લા ચાર દાયકાઓથી, દિવાળીની લાઈટો ચાલુ કરાય છે અને તે વખતે દેશભરમાંથી 40,000 લોકો લેસ્ટરના ગોલ્ડન માઇલ પર યોજાતા ઉત્સવોમાં ભાગ લે છે. લેસ્ટરના તહેવારોમાં કેલેન્ડરની સૌથી મોટી વિશેષતા છે. લેબરના સિટી મેયર પીટર સોલ્સબીએ હવે આ મહત્વના તહેવાર માટે ભંડોળ કાપવાનો નિર્ણય લીધો છે. આનો અર્થ એ થશે કે જ્યાં સુધી સ્થાનિક દુકાનદારો તરફથી પૈસા નહિં મળે ત્યાં સુધી કોઈ સ્વીચ ઓન સમારંભ નહીં થાય. આ એક આપત્તિ છે. આપણે આ આ ઐતિહાસિક સમારોહને જાળવી રાખવો જોઈએ અને આપણે એ સુનિશ્ચિત કરવાની જરૂર છે કે કાઉન્સિલ તેનો નિર્ણય પાછો ખેંચે અને તરત જ ભંડોળ પુનઃસ્થાપિત કરે.’’
આ અહેવાલ લખાય છે ત્યારે તા. 4ના રોજ બપોરે 12 કલાકે કુલ 2,735 લોકોએ પીટીશન પર સહીઓ કરી હતી.
લેસ્ટર ઇસ્ટના સંસદીય ઉમેદવાર, શિવાની રાજાએ પણ ચેન્જ.org પર લેસ્ટરની દિવાળીની ઉજવણીને બચાવવા માટે પીટીશન શરૂ કરી હતી. જેમાં 1051 લોકોએ સહીઓ કરી હતી.