કચ્છમાં પ્રથમવાર બન્નીના ઘાસના મેદાનમાં ચિત્તાના સંરક્ષણ- સંવર્ધન માટેના બ્રિડિંગ સેન્ટરને ભારત સરકારે તાજેતરમાં મંજૂરી આપી છે તેમ વન પ્રધાન મુળુભાઇ બેરાએ જણાવ્યું હતું. ભારતમાં ચિત્તાની વસ્તી પુનઃસ્થાપિત કરવા માટે ચિત્તાના સંવર્ધનને ટેકો આપવાના હેતુ સાથે બન્ની ઘાસના મેદાનોમાં ચિત્તાના સંરક્ષણ સંવર્ધન માટેનો પ્રોજેક્ટ રાજ્ય સરકારે તૈયાર કરીને નેશનલ કોમ્પેન્સેટરી ફોરેસ્ટેશન ફંડ મેનેજમેન્ટ ઓથોરિટી (નેશનલ કેમ્પા) હેઠળ પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલયને મંજૂરી માટે મોકલ્યો હતો.
આ પ્રોજેક્ટને રાષ્ટ્રીય CAMPAની કાર્યકારી સમિતિની બેઠકમાં મંજૂરી આપવામાં આવી છે જે ગુજરાત માટે ગૌરવ સમાન છે. નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી (NTCA) આ પ્રોજેક્ટની પ્રગતિ પર નજર રાખશે. ભૂતકાળમાં બન્ની ગ્રાસલેન્ડ ચિત્તાનું રહેઠાણ હતું. સમયાંતરે ચિત્તા લુપ્ત થયા હતા. ગુજરાતે પહેલ કરીને બન્ની ગ્રાસલેન્ડ વિસ્તારમાં ચિત્તાનું બ્રીડીંગ સેન્ટર બનાવવા માટેનો પ્રોજેકટ તૈયાર કરીને ભારત સરકારને મોકલ્યો હતો. જેને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપતા હવે કચ્છનું બન્ની ગ્રાસલેન્ડ પુનઃ ચિત્તાના નિવાસસ્થાન તરીકે વિશ્વફલક પર જાણીતું થશે અને કચ્છ સહિત ગુજરાતના પ્રવાસન ઉદ્યોગને વધુ વેગ મળશે.