સરકારે ‘ગારમેન્ટ વર્કરનું શોષણ બંધ કરાવવું જોઈએ’

0
602

લેસ્ટરના કપડા બનાવતા કારખાનાઓમાં કામ કરતા કર્મચારીઓને ઓછું વેતન આપવામાં આવતુ હોવાના અને કોવિડ-19 સામે તેઓ અસુરક્ષિત હોવાના અહેવાલો  બાદ 50થી વધુ એમપીઝ, પીયર્સ, રોકાણકારો, ચેરિટીઝ અને આસ્દા તથા એસોસ જેવા રિટેલરોએ હોમ સેક્રેટરી પ્રીતિ પટેલને પત્ર લખીને યુકેની ગાર્મેન્ટ ફેક્ટરીઓના કામદારોને શોષણથી બચાવવા માટે વધુ કાર્ય કરવા વિનંતી કરી છે. સરકાર આ અગાઉ જાહેર કરી ચૂકી છે કે વ્યાપારીક લાભ માટે શોષણ કરવું “ધિક્કારપાત્ર” હતું.

ફાસ્ટ ફેશન બ્રાન્ડ્સ બૂહૂ અને ક્વિઝ બંને પર શહેરમાં અનૈતિક સપ્લાઇરોનો ઉપયોગ કરવાનો આરોપ મૂકાયો હતો અને બન્ને કંપનીઓએ તપાસ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી અને કરાયેલા દાવા જો સાચા હોય તો તે “સંપૂર્ણપણે અસ્વીકાર્ય” છે તેમ જણાવી કાર્યવાહી કરવાનું વચન આપ્યું છે.

આ પત્રમાં જણાવ્યું હતું કે ‘’યુકેના કપડા ઉદ્યોગમાં કામદારોના અનૈતિક શોષણ અંગેની ચિંતા છેલ્લા પાંચ વર્ષમાં શિક્ષણવિદો, રિટેલરો અને સાંસદો દ્વારા “ઘણી વખત” કરવામાં આવી હતી. પરંતુ આ અંગે બહુ થોડા પગલા ભરવામાં આવ્યા હતા. સરકારની મજબૂત કાર્યવાહી વિના “વધુ” હજારો લોકોનું શોષણ થઈ શકે છે.’’

આ પત્રમાં હોમ સેક્રેટરી પ્રીતિ પટેલને ગારમેન્ટ ફેક્ટરીઓ માટે નવી લાઇસન્સ યોજના લાવવા તાકીદ કરવામાં આવી છે. જેમાં કામદારોને દબાણ કરી મજૂરી કરાવવા, દેવામાં જકડી લઇને મજૂરી કરાવવા અને દુર્વ્યવહાર સામે રક્ષણ આપવા અને ન્યુનતમ વેતન અને રજાના પગારની ચુકવણી સુનિશ્ચિત થાય તેવી શરતો લાગુ કરવા વિનંતી કરી છે.

પત્રનું સંકલન કરનાર બ્રિટિશ રિટેલ કન્સોર્ટિયમના વડા હેલેન ડિકિન્સન, ઓબીઇએ જણાવ્યું હતું કે, “જનતા એ જાણવા માંગે છે કે તેઓ જે કપડાં ખરીદે છે તે કપડાં કાયદા દ્વારા આદર ધરાવતા, મૂલ્ય અને સુરક્ષિત એવા કામદારો દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે.”

ગયા અઠવાડિયે ક્વિઝે કહ્યું હતું કે લેસ્ટરની ફેક્ટરીને એક કલાકના માત્ર £3 આપતી હોવાના અહેવાલો પછી તે સપ્લાયરને સસ્પેન્ડ કરી દીધો છે. તેની હરીફ રિટેલર બૂહૂ ઉપર પણ કામદારોને ઓછું વેતન આપતા કારખાનાનો ઉપયોગ કરવાનો આરોપ મૂકાયો હતો. જેને પગલે બૂહૂને નેક્સ્ટ, એસોસ અને ઝાલાન્ડો દ્વારા છોડી દેવામાં આવી હતી.

શુક્રવારે બૂહૂના વડા જ્હોન લિટ્ટે  પ્રીતિ પટેલને પત્ર લખીને આ દરખાસ્તો અપનાવવા તાકીદ કરી હતી અને જણાવ્યું હતું કે ‘’અમારી સપ્લાય ચેઇનમાં ગેરરીતિના આક્ષેપોની તપાસ કરી રહ્યા છીએ અને અમે સરકારને પણ પગલા લેવા કહ્યું છે.’’

સેફગાર્ડિંગ મંત્રી, વિક્ટોરિયા એટકિન્સે કહ્યું હતું કે ‘’આ ધિક્કારનીય છે અને અમે અપેક્ષા રાખીએ છીએ કે આક્ષેપોમાં ફસાયેલી તમામ કંપનીઓ સંપૂર્ણ તપાસ કરી ખાતરી કરાવશે કે તેમની સપ્લાય ચેઇન મજૂરના શોષણથી મુક્ત છે. અમે આ અંગે સંબંધિત એજન્સીઓ સાથે સંપર્ક સાધ્યો છે અને તપાસના પરિણામોની રાહ જોઇએ છીએ.” નેશનલ ક્રાઈમ એજન્સી શોષણના આરોપો અંગે તપાસ કરી રહી છે.