લેસ્ટરમાં તા. 28મી ઓગસ્ટના રોજ રમાયેલી ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચ બાદ કાઢવામાં આવેલા વિજય સરઘસ પછી લેસ્ટરમાં હિન્દુ અને મુસ્લિમ સમુદાયના જૂથો વચ્ચે થયેલી અથડામણો અને લેસ્ટર, બર્મિંગહામ, નોટીંગહામ અને કોવેન્ટ્રીના હિન્દુ મંદિરો સામે કેટલાક ઇસ્લામીસ્ટ કટ્ટરવાદીઓ દ્વારા કરાયેલા ઉગ્ર વિરોધ બાદ સમગ્ર યુકેની શાંતિ ડહોળાઇ ગઇ હતી. બન્ને સમુદાયના લોકોમાં અનેક પ્રકારની શંકા-કુશંકાઓ અને અફવાઓ ફેલાયા બાદ હવે સ્થિતી થાળે પડી રહી છે. છેલ્લા એક સપ્તાહ દરમિયાન કોઇ નવા વિરોધ પ્રદર્શન થયા નથી.
લંડનમાં રવિવાર તા. 25ના રોજ વેમ્બલીના સનાતન મંદિર સામે દેખાવો કરવાના કટ્ટરવાદીઓના પ્રયાસોને જોરદાર નિષ્ફળતા મળી હતી અને એક પણ વ્યક્તિ વિરોધ વ્યક્ત કરવા ઉપસ્થિત રહ્યો નહોતો. લંડનના બ્રેન્ટ નોર્થના સ્થાનિક લેબર એમપી બેરી ગાર્ડીનર, સનાતન મંદિર વેમ્બલીના ચેરમેન શ્રી નરેન્દ્રભાઇ ઠકરાર અને સ્થાનિક મસ્જિદના મૌલવીઓએ કરેલી શાંતિ જાળવવાની અપીલ રંગ લાવી હતી અને કોઇ જ વિવાદ વગર દિવસ પસાર થઇ ગયો હતો.
પોલીસે પણ બન્ને કોમના લોકો વચ્ચેની લેસ્ટરમાં થયેલી અથડામણ અને મંદિરના ભગવા ધ્વજને બાળવાના અને નુકશાન પહોંચાડવાના બનાવો બાદ પોલીસે આક્રમક અભિગમ અપનાવી ધરપકડનો દોર ચલાવ્યો હતો. હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેને 22 સપ્ટેમ્બરના રોજ લેસ્ટર જઇ અધિકારીઓ અને પોલીસ વડાઓ સાથે મુલાકાત કરી પોલીસ ફોર્સને પોતાનું સમર્થન આપી લેસ્ટરના તોફાનીઓ સામે લડી લેવા અને સખત હાથે પગલા લેવા આદેશ આપતા પોલીસને બળ મળ્યું હતું.
લેસ્ટર પોલીસે હિંસા અને અવ્યવસ્થા બાબતે આઠ પુરુષો પર કોર્ટમાં આરોપ મૂક્યો હતો અને કુલ 47 લોકોની ધરપકડ કરી હતી. તો બીજી તરફ ધાર્મિક દ્વેષ ફેલાવવાના ઈરાદા સાથે સામગ્રી પ્રકાશિત કરવાની શંકાના આધારે કોવેન્ટ્રી પોલીસે બર્મિંગહામના 37 વર્ષીય યુવકની ધરપકડ કરી હતી. લેસ્ટર પોલીસે લેસ્ટરમાં થયેલા તોફાનો દરમિયાન જોખમી હથિયાર રાખવાની કબૂલાત કર્યા પછી ઇલિંગવર્થ રોડ, લેસ્ટરના 20 વર્ષીય એમોસ નોરોન્હા નામના યુવાનને ગણતરીના દિવસોમાં જ કોર્ટમાં હાજર કરી 10 માસની સજા કરાવતા તોફાનીઓ સુધી તે સંદેશો પહોંચ્યો હતો. જેને કારણે પરિસ્થિતી જલદીથી થાળે પડી ગઇ હતી. વેસ્ટ મિડલેન્ડ્સના સ્મેથવિકમાં દુર્ગા ભવન મંદિરની બહાર કરાયેલા દેખાવો અને ઉગ્ર વિરોધ બાદ 18 વર્ષીય યુવકની ધરપકડ કરવામાં આવી હતી. વિરોધ કરવા એકત્ર થયેલા લગભગ 100 લોકોએ પોલીસ તરફ ફટાકડા અને મિસાઈલ ફેંક્યા હતા.
બન્ને સમુદાયો વચ્ચેના તોફાનો અને હિંસા પાછળ અફવાઓએ અને ટિવીટર, વોટ્સએપ અને અન્ય સોશ્યલ મિડીયા પર ઇરાદાપૂર્વક ફેલાવાયેલા સેંદેશા અને હેશટેગે મહત્વનો ભાગ ભજવ્યો હતો. કોમ્યુનિટી એક્ટિવિસ્ટ અને યુ-ટ્યુબર માજિદ ફ્રીમેને 13 સપ્ટેમ્બરના રોજ એક મુસ્લિમ કિશોરીનું 3 હિન્દુઓએ અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો તેવી જુઠ્ઠી પોસ્ટ ટ્વીટર પર ફેલાવી હતી. તો મસ્જિદ પર હુમલો કરાયો હોવાના અને લંડનની એક બસ લેસ્ટરથી તોફાનીઓને લઇને પરત થઇ હોવાના પાયાવિહોણા ખોટા અહેવાલોને કારણે તોફાનો ઉગ્ર થયા હતા. જેને પગલે કેટલાક તોફાનીઓ બહારના ટાઉનમાંથી લેસ્ટર આવ્યા હતા.
આજ રીતે કેટલાક કટ્ટરવાદીઓ દ્વારા લેસ્ટરમાં શિવ મંદિર પર કરાયેલા હુમલા અને હિંસાની ઘટનાઓ પાછળ બ્રિટનમાં સક્રિય યૂટયૂબર મોહમ્મદ હિજાબ જવાબદાર હોવાનું સામે આવ્યું હતું. એવા અહેવાલો છે કે લેસ્ટરમાં થયેલા હુમલા પૂર્વાયોજિત હતા. RSS અને BJP સમર્થક અને અયોધ્યા મંદિર નિર્માણ આંદોલનમાં અગ્રેસર સાધ્વી ઋતંભરા – દીદીમાના પ્રવચનોનું આયોજન કરનાર લેસ્ટર, બર્મિંગહામ, નોટીંગહામ અને કોવેન્ટ્રીના હિન્દુ મંદિરોને વિરોધ કરવાના બહાને એક પછી એક ટાર્ગેટ કરીને હિંસા ભડકાવવાનો પ્રયાસ થયો હતો. મંદિરોને ટાર્ગેટ કરાતા લોકોમાં ઉગ્ર રોષ ફેલાયો હતો.
ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચ બાદ તોફાનો વકર્યા હોવાનું કહેવાય છે પરંતુ બન્ને કોમો વચ્ચેનો તણાવ મહિનાઓથી ચાલી રહ્યો હતો. છેક મે માસથી દમણ અને દિવના વસાહતી લોકો અને કેટલાક સ્થાનિક લોકો વચ્ચે થયેલી તકરારોએ પણ બળતામાં ઘી હોમ્યું હતું અને તે તકરારોને આ તોફાનોમાં સેટલ કરાઇ હતી.
તોફાનો આટલા મોટા પ્રમાણમાં વિવિધ શહેરો સુધી પ્રસર્યા ન હોત પરંતુ તા. 20ને મંગળવારે સ્મેથવિકના દુર્ગા ભવન મંદિર ખાતે થયેલા વિરોધ પ્રદર્શન અને અવ્યવસ્થાના વિડીયો તેમજ લેસ્ટરના શિવાલય મંદિરમાં ધ્વજને નુકશાન પહોંચાડવા સહિતના વિડીયો વાઇરલ થયા બાદ વાત વધુ વણસી હતી.
બ્રિટિશ ઓલ પાર્ટી પાર્લામેન્ટરી ગ્રૂપ (APPG) ઓફ બ્રિટીશ હિન્દુઝના અધ્યક્ષ અને કન્ઝર્વેટિવ પાર્ટીના હેરો ઈસ્ટના સાંસદ બોબ બ્લેકમેને લેસ્ટર અને સ્મેથવિકમાં હિંદુ મંદિરો પરના હિંસક હુમલાઓની નિંદા કરી હોમ સેક્રેટરી બ્રેવરમેનને પત્ર પાઠવ્યો હતો અને પાર્લામેન્ટમાં પણ રજૂઆત કરી હતી. તો બ્રિટિશ ઓલ પાર્ટી પાર્લામેન્ટરી ગ્રૂપ (APPG) ઓફ બ્રિટીશ હિન્દુઝના લોર્ડ ડોલર પોપટે હોમ સેક્રેટરી બ્રેવરમેનને શાંતિપ્રેમી હિંદુઓ સામેની હિંસા રોકવા માટે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી હતી.
લંડનના મેયર સાદિક ખાને પણ તમામ પ્રકારની નફરત, અસહિષ્ણુતા અને ઉગ્રવાદ સામે બન્ને સમુદાયના લોકોને સ્ટેન્ડ લેવા વિનંતી કરી શાંતિ માટે અપીલ કરી હતી.
લેસ્ટર સ્થિત દક્ષિણ એશિયન મહિલા નેતાઓનું એક જૂથ હિન્દુ અને મુસ્લિમ સમુદાયના લોકોના “સંવેદનહીન હિંસા” સામે લડવા માટે એકસાથે આવ્યું હતું અને તેમના વતી ભારતીય મૂળના કાઉન્સિલર રીટા પટેલે લોકોને શાંતિ સ્થાપવા અને હિંસાનો વિરોધ કરવા હાકલ કરીએ છીએ. સ્પિનની હિલ્સની એસ્ફોર્ડબી સ્ટ્રીટમાં આવેલી જામે મસ્જિદ ખાતેથી લેસ્ટરના મુસ્લિમ અને હિંદુ સમુદાયના આગેવાનો વતી લેસ્ટરના ઇસ્કોન હિંદુ મંદિરના પ્રદ્યુમ્ન પ્રદિપગજ્જરે તણાવને સમાપ્ત કરવા તા. 20ના રોજ એક અપીલ કરી હતી.
લેસ્ટરના મેયર સર પીટર સોલ્સબીએ શાંતિ જાળવવા અપીલ કરી અશાંતિનાં કારણો જાણવા અને ભવિષ્યમાં તેમ થતું અટકાવવા સ્વતંત્ર સમીક્ષાની જાહેરાત કરી હતી.