ગયા વર્ષે લેસ્ટરના કોમી તોફાનોની સ્વતંત્ર સમીક્ષા શરૂ કરવા પૂર્વ હાઉસિંગ એન્ડ પ્લાનિંગ મિનિસ્ટર તથા પૂર્વ વેસ્ટ મિડલેન્ડ્સ મિનિસ્ટર લોર્ડ ઇયાન ઓસ્ટિનના નેતૃત્વમાં સ્વતંત્ર પેનલની નિમણૂક કરવા સેક્રેટરી ફોર સ્ટેટ ફોર કોમ્યુનિટીઝ માઈકલ ગોવ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. આ સમીક્ષા હકીકતોને સ્થાપિત કરી અશાંતિના મૂળ કારણોને ઓળખશે અને સામુદાયિક સંબંધો સુધારવા અને ભવિષ્યમાં સમાન ઘટનાઓને રોકવા માટે ભલામણો કરશે.
સપ્ટેમ્બર 2022માં કોમી તણાવને કારણે લેસ્ટરમાં હિન્દુ મંદિરો અને અન્ય મિલકતોની તોડફોડ કરી હુમલાઓ કરાયા હતા. કેટલાક કિસ્સાઓમાં સમગ્ર શહેર અને તેની બહારના વિવિધ જૂથો વચ્ચેના વિભાજન જોવા મળ્યું હતું.
માઈકલ ગોવે કહ્યું હતું કે “લેસ્ટરનો સમુદાય એકતાનો ગૌરવપૂર્ણ ઇતિહાસ ધરાવે છે. ગયા વર્ષની અવ્યવસ્થા વધુ આઘાતજનક અને અસ્વસ્થ બનાવે છે. મેં લેસ્ટરમાં સમુદાયના તમામ ભાગોના રક્ષણના મહત્વ માટે હોમ સેક્રેટરી અને લેસ્ટરના મેયર સાથે વાત કરી છે અને અમે લોકો વચ્ચે અથવા ધાર્મિક જૂથો વચ્ચે વિભાજન અથવા હિંસા ફેલાવવાના પ્રયાસોને સહન કરીશું નહીં.”
લેસ્ટર શહેરના મેયર સર પીટર સોલ્સબીએ કહ્યું હતું કે “હું સરકારની જાહેરાતનું સ્વાગત કરું છું. હું આશા રાખું છું કે સમીક્ષા શક્ય તેટલી ઝડપથી આગળ વધશે. હું ઈચ્છું છું કે લેસ્ટર અને અન્ય શહેરો તેના તારણોમાંથી શીખી શકે અને આપણા સમુદાયની એકતા ફરી ક્યારેય આ રીતે જોખમમાં ન આવે તેની ખાતરી કરવા માટે શું કરવાની જરૂર છે તે સમજવા માટે સક્ષમ બને.”
લોર્ડ ઓસ્ટીને કહ્યું હતું કે “એકબીજાની પૃષ્ઠભૂમિ અને માન્યતાઓની સ્વીકૃતિ એ આપણી રાષ્ટ્રીય ઓળખનું કેન્દ્ર છે. સાથે રહેતા અને કામ કરતા સમુદાયોએ દેશભરમાં સૌથી વધુ ગતિશીલ સમાજોની રચના કરી છે અને લેસ્ટર જેવા શહેરો સહિષ્ણુતા અને વિવિધતાના ગૌરવપૂર્ણ ઇતિહાસ ધરાવે છે. ગયા વર્ષે આપણે લેસ્ટરમાં જે દ્રશ્યો જોયા હતા તે વધુ ચિંતાજનક બનાવે છે અને તેથી મહત્વનું છે કે આપણે શું થયું અને શા માટે થયું તે માટે લેસ્ટરમાં લોકોને સાંભળીએ.”