– સરવર આલમ દ્વારા
ગયા વર્ષે લેસ્ટરમાં થયેલી કોમી અથડામણોની તપાસ કરતી સ્વતંત્ર સમીક્ષાના અગ્રણીએ એવા સૂચનોને નકારી કાઢ્યા છે કે લેસ્ટરના સત્તાવાળાઓએ શહેરમાં દાયકાઓથી વ્યાપેલા વિભાજનને ઊંડું કરવાની અવગણના કરી હતી.
ભારત-પાકિસ્તાન એશિયા કપ ક્રિકેટ મેચ બાદ જૂથો વચ્ચે અથડામણ થયા પછી ગત વર્ષે લેસ્ટરમાં મંદિરો અને અન્ય મિલકતોની તોડફોડ તથા સર્જાયેલી અશાંતિ અંગે સ્વતંત્ર રીતે સમીક્ષા કરવા માટે ત્રણ સભ્યોની પેનલની રચના કરવામાં આવી છે.
સ્વતંત્ર સમીક્ષાનું નેતૃત્વ કરવા માટે મે મહિનામાં લેવલિંગ અપ અને કોમ્યુનિટી સેક્રેટરી માઈકલ ગોવ દ્વારા નિમાયેલા લોર્ડ ઈયાન ઓસ્ટીને ‘ગરવી ગુજરાત’ને જણાવ્યું કે ‘’હું લેસ્ટરની મુશ્કેલીઓથી ‘આશ્ચર્યચકિત’ છું. લેસ્ટરને વિવિધતા, સહિષ્ણુતા અને સંદેશાવ્યવહારનો ગૌરવપૂર્ણ ઇતિહાસ મળ્યો છે. મેં ઘણા પ્રસંગોએ લેસ્ટરની મુલાકાત લીધી છે; થોડા મહિનાઓ માટે લેસ્ટરમાં પણ કામ કર્યું છે. તેની વિવિધતા, તે સામુદાયિક સંબંધોની તાકાત છે, જે મને પ્રભાવિત કરે છે. અમે સંપૂર્ણ રીતે ખુલ્લા મન સાથે કે કોઈ પૂર્વધારણાઓ વગર આવીશું.’’
લોર્ડ ઓસ્ટીને કહ્યું હતું કે “અમારી પાસે ખરેખર એક સરસ, વૈવિધ્યસભર અને સરકાર અને કાઉન્સિલથી સ્વતંત્ર પેનલ છે. અમે સ્થાનિક લોકોને સ્વતંત્ર તપાસમાં મોખરે રાખવા આતુર છીએ અને ગયા વર્ષની ઘટનાઓને સમજવા માટે લેસ્ટરમાં લોકોને સાંભળવા માંગીએ છીએ.’’
આ પેનલમાં ભારતીય મૂળના રેસ રિલેશનશિપ એક્સપર્ટ ડૉ. સમીર શાહની નિમણુંક કરવામાં આવી છે. ડૉ. સમીર શાહને 2019માં સ્વર્ગસ્થ રાણી એલિઝાબેથ II દ્વારા હેરિટેજ અને ટેલિવિઝનની સેવાઓ માટે CBE એનાયત કરી સન્માનિત કરાયા હતા. તેઓ યુકેના કમિશન ઓન રેસ એન્ડ એથનિક ડીસ્પેરીટીના ભૂતપૂર્વ કમિશનર તરીકે આવી સમીક્ષાઓ હાથ ધરવાનો અનુભવ ધરાવે છે. તેઓ દેશની સ્વતંત્ર રેસ ઇક્વાલીટી થીન્ક ટેન્ક રન્નીમીડ ટ્રસ્ટના 10 વર્ષ માટે ભૂતપૂર્વ અધ્યક્ષ અને હોલોકોસ્ટ કમિશનના સભ્ય હતા.
આ પેનલમાં યુનિવર્સિટી ઓફ માન્ચેસ્ટરના સમાજશાસ્ત્રના પ્રોફેસર અને યુકે એકેડેમી ઓફ સોશિયલ સાયન્સના ફેલો હિલેરી પિલ્કિંગ્ટન તથા NHS ઈંગ્લેન્ડના ડિજિટલ ડેવલપમેન્ટના વડા અને 2018 સુધી 10 વર્ષ માટે બ્રિટિશ મુસ્લિમ્સ ફોર સેક્યુલર ડેમોક્રસીના ટ્રસ્ટી ડૉ. શાઝ મહબૂબ જોડાયા છે.
પેનલનો હેતુ અશાંતિના સમયગાળા દરમિયાન જે બન્યું તેના તથ્યોને સ્થાપિત કરવાનો, તેનું વિશ્લેષણ કરવાનો, તે ફરીથી ન થાય તે માટે ભલામણો કરવાનો અને સ્થાનિક સ્તરે એકતા મજબૂત કરવાના માર્ગો સૂચવવાનો છે.
ન્યૂ હોરાઇઝન્સ ઇન બ્રિટિશ ઇસ્લામના સ્થાપક અને અધ્યક્ષ દિલાવર હુસૈને ગત જુલાઇમાં ગરવી ગુજરાતને જણાવ્યું હતું કે તેમની સંસ્થાએ લેસ્ટર કાઉન્સિલ સાથે 15 વર્ષ સુધી કામ કર્યું હતું અને તેમને ‘સામાજિક એકતામાં તિરાડો સામે ચેતવણી આપી મુદ્દાઓની ટોચ પર જવા કહ્યું હતું.
ગયા વર્ષે નવેમ્બરમાં, લેસ્ટર સિટીના મેયર, સર પીટર સોલસ્બીએ એક તપાસની જાહેરાત કરી હતી જેનું નેતૃત્વ લેસ્ટર યુનિવર્સિટી (UoL) ના હેટ ક્રાઇમના એસોસિએટ પ્રોફેસર ડૉ. ક્રિસ એલને કરનાર હતા અને સંશોધકોની ટીમ અને સલાહકાર પેનલ તેમાં જોડાનાર હતી.
જોકે, મુસ્લિમ સમુદાયો અને ઇસ્લામોફોબિયા પરના તેમના અગાઉના સંશોધન તેમને નિષ્પક્ષ અવાજ ન બનાવી શકે તેવી આશંકા સાથે સ્થાનિક કાઉન્સિલરો અને સંખ્યાબંધ સ્થાનિક હિંદુ સંગઠનો દ્વારા ટીકા કરાતા એલને રાજીનામું આપ્યું હતું.
લોર્ડ ઓસ્ટિન પર પણ સંભવિતપણે નિષ્પક્ષતાના અભાવના સમાન આરોપો અને મુસ્લિમ કાઉન્સિલ ઑફ બ્રિટન(MCB) તરફથી ઇસ્લામોફોબિયાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
એમસીબીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે લોર્ડ ઓસ્ટિનની નિમણૂકથી “લેસ્ટરમાં મુસ્લિમો અને અન્ય સમુદાયોમાં ઊંડી આશંકા” પેદા થઈ છે.
લોર્ડ ઓસ્ટિન 2005 થી 2019 સુધી ડડલી નોર્થના લેબર સાંસદ હતા. પાર્ટીમાંથી રાજીનામું આપ્યા પછી સાંસદ તરીકે છેલ્લા નવ મહિનાથી તેઓ ઇન્ડીપેન્ડન્ટ તરીકે બેઠા હતા. બીજી તપાસનું આયોજન લંડન યુનિવર્સિટીમાં સ્કૂલ ઓફ ઓરિએન્ટલ એન્ડ આફ્રિકન સ્ટડીઝ (SOAS) દ્વારા કરવામાં આવી રહ્યું છે.
લેસ્ટરના મેયર સર સોલ્સબીએ દાવો કર્યો હતો કે બેમાંથી કોઈ પણ તપાસને “ખરેખર નિષ્પક્ષ” તરીકે જોવાશે નહીં.” આગામી વર્ષ સુધીમાં આ કમિટી તેના તારણો પ્રકાશિત કરનાર છે.