ઇન્સાઇટ યુકે નામની ભારતીય સંસ્થાએ લેસ્ટરમાં વ્યાપેલા સિવિલ ડિસઓર્ડર અંગે એક યાદીમાં જણાવ્યું હતું કે ‘’છેલ્લા 20 દિવસોમાં લેસ્ટરમાં હિંદુ સમુદાય સંગઠિત હિંસાના નિશાન પર છે અને કેટલાક ઉગ્રવાદી લોકોના હાથે સહન કર્યું છે. તેમણે લેસ્ટરના હજારો નાગરિકોમાં ઇરાદાપૂર્વક નુકસાન, વિક્ષેપ અને ભય પેદા કરવાનો પ્રયાસ કર્યો છે. 17 સપ્ટેમ્બરની સાંજે, હિન્દુ યુવાનો દ્વારા કરાયેલી શાંતિપૂર્ણ વિરોધ કૂચ પર કટ્ટરપંથી લોકો દ્વારા પથ્થરો અને કાચની બોટલોથી હુમલો કરવામાં આવ્યો હતો. વીડિયો ફૂટેજ પરથી સ્પષ્ટ થાય છે કે આ હુમલાનું આયોજન હિંદુ સમુદાયને આતંકિત કરવા માટે કરવામાં આવ્યું હતું. આ હુમલાઓમાં દીવ-દમણના હિંદુઓનો સમાવેશ થાય છે, જેઓ એક નાનો અને હાંસિયામાં ધકેલાઈ ગયેલો સમૂહ છે અને તેઓ બેલગ્રેવ અને લેટિમર વિસ્તારોમાં રહે છે અને વિવિધ સામાજિક-આર્થિક પડકારોનો સામનો કરે છે.’’
યાદીમાં જણાવાયું હતું કે ‘’અસંખ્ય બનાવટી અને વિકૃત વિડિયો દ્વારા હિન્દુ સમુદાય પર આ પરિસ્થિતિ સર્જવાનો ખોટો આરોપ લગાવાય છે અને તેને ઓનલાઈન શેર કરવામાં આવ્યા છે અને હજુ પણ ઉપલબ્ધ છે. અમે ખોટી માહિતીને સમાપ્ત કરવા માટે પોલીસના કૉલને સમર્થન આપીએ છીએ. એક અફવા એવી ફેલાવવામાં આવી હતી કે ‘મસ્જિદ પર હુમલો કરવામાં આવ્યો છે.’ આવી બનાવટ અને મુસ્લિમ સમુદાયમાં આત્યંતિક તત્વો દ્વારા વધુ ઉશ્કેરણી અટકાવવા માટે આની સામે પગલાં લેવાનું ચાલુ રાખવા વિનંતી કરીએ છીએ.’’
યાદીમાં જણાવાયું હતું કે ‘’યુકેમાં દરેક નાગરિકને શાંતિપૂર્ણ વિરોધ કરવાનો અધિકાર છે, તેવી જ રીતે પોલીસની ભૂમિકા શાંતિ જાળવવાની અને નુકસાન અટકાવવાની છે. અમે જાણીએ છીએ કે પોલીસ પાસે પૂરતું ભંડોળ નથી પરંતુ તાજેતરની ઘટનાઓ પોલીસની સજ્જતા પર પણ સવાલ ઉઠાવે છે. અમે પોલીસને આહ્વાન કરીએ છીએ કે હિંદુઓને યોગ્ય રક્ષણ મળે તે સુનિશ્ચિત કરવા માટે તેઓ લાયક છે.’’