લેસ્ટરમાં થયેલા તોફાનો દરમિયાન જોખમી હથિયાર રાખવાની કબૂલાત કર્યા પછી ઇલિંગવર્થ રોડ, લેસ્ટરના 20 વર્ષીય એમોસ નોરોન્હા નામના યુવાનને 10 મહિના માટે જેલ કરવામાં આવી હતી.
આ તોફાનો અંગે પોલીસ તપાસ ચાલુ છે અને પોલીસ પુરાવા એકત્રિત કરી રહી છે. પોલીસે લોકોને માહિતી આપવા આગળ આવવા વિનંતી કરી છે.
ચીફ કોન્સ્ટેબલ રોબ નિક્સને કહ્યું હતું કે “આ ઝડપી ચાર્જ નોરોન્હા વિરુદ્ધ જબરજસ્ત પુરાવા સાથે, અધિકારીઓએ કરેલી સખત મહેનત દર્શાવે છે. સજા એ હકીકતને પ્રતિબિંબિત કરે છે કે આ એક ગંભીર ગુનો હતો અને તેથી તેને જેલમાં મોકલવામાં આવ્યો હતો. અમે જોયું છે કે અન્ય શહેરોના લોકોનું એક જૂથ અમારા શહેરમાં વિક્ષેપ પાડવા અને નુકસાન પહોંચાડવા આવ્યું હતું. લેસ્ટરમાં વ્યાપક પોલીસિંગ કામગીરી ચાલી રહી છે અને માહિતી અને ટોળાના એકત્ર થવા અંગે પોલીસ તપાસ કરી રહી છે. અમે આશ્વાસન આપીએ છીએ કે સૌને સુરક્ષિત રાખીશું અને સમુદાયોને નુકસાન પહોંચાડનારા લોકોની ધરપકડ કરવા અને ન્યાય અપાવવા માટે કામ કરી રહ્યા છીએ.”
લેસ્ટર શહેરની શેરીઓમાં મુખ્યત્વે માસ્ક પહેરેલા અને હિંદુ અને મુસ્લિમ સમુદાયના ટોળાઓ વચ્ચે થયેલી અથડામણો અને વિશાળ પોલીસ સ્ટેન્ડ-ઓફ જોઇને લેસ્ટરના રહેવાસીઓ ચોંકી ગયા છે.