વિશ્વસનીય કેર વર્કર તરીકે કાર્ય કરતી લેસ્ટરની નિશા સુધેરાએ 101 વર્ષની મહિલા સહિત કેટલાક સંવેદનશીલ રહેવાસીઓની આઇડેન્ટીટી અને બેંક વિગતો ચોરી લઇ છુટથી ઑનલાઇન શોપીંગ પર £6,700 વાપર્યા હતા. આ માટે તેણે વૃદ્ધ, મૃત્યુની રાહ જોતા લોકો અને અસક્ષમ લોકોને નિશાન બનાવ્યા હતા. નિશા સુધેરાને 16 મહિનાની જેલની સજા આપવામાં આવી હતી જે બે વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવી હતી અને 100 કલાક અવેતન કામ કરવા આદેશ આપવામાં આવ્યો હતો.
નિશા સુધેરાએ 45થી 101 વર્ષની વયના 13 લોકોના ઘરે જઇને આયોજન કરીને ગુના કર્યા હતા. તેણે બે સાથી કાર્યકરોની બેંક ડીટેઇલ્સની ચોરી કરી હતી. તેણે બીજા £4,000ની ચોરી કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો.
એન્ડ્રુ પીટે કોર્ટને જણાવ્યું હતું કે ‘’માર્ચથી ડિસેમ્બર 2018ની વચ્ચે નિશાએ કોમ્યુનિટી વર્કર તરીકે લેસ્ટરશાયરમાં હેલ્પ એટ હોમ માટે કામ કર્યું હતું અને તે લોકોના ઘરે જઇને સેવા કરતી હતી. જેમાં મોટા ભાગના અશક્ત, બીમાર અને મોતની રાહ જોતા લોકો હતા. તે નોકરી છોડ્યા બાદ નિશાએ વિમેન્સ એઇડમાં નોકરી શરૂ કરી હતી. પરંતુ બે સાથીદારોના પર્સની અંદરથી આઇડી અને બેંકિંગની વિગતો ચોરવા બદલ તેને કાઢી મૂકવામાં આવી હતી.’’
ગયા વર્ષે જાન્યુઆરીમાં તેની વિગસ્ટનના કેવ ડ્રાઇવના તેના ઘરેથી ધરપકડ કરવામાં આવી હતી. પોલીસને લોકોની બેન્ક ડીટેઇલ્સ નોંધેલી અનેક નોટબુક મળી હતી. જેમાં ભોગ બનેલા 11 લોકોની નોંધ હતી. તેણે £11,000ની મત્તાનો સરસામાન એમેઝોન, આર્ગોસ, કપડાની દુકાનો અને પરફ્યુમ વેબસાઇટ પરથી ખરીદ્યો હતો.
હાલ ઓડબીના જેમી માર્કસ વે ખાતે રહેતી નિશાએ 13 ગુનાની છેતરપિંડી અને કમ્પ્યુટર ટેબ્લેટની ચોરી માટે દોષીત ઠેરવવામાં આવી હતી.
સિંગલ મધર નિશાને તેના બે નાના બાળકોને કારણે તાત્કાલિક લોકઅપમાં મૂકવામાં આવી ન હતી. તે બેરોજગાર હતી અને તેના એરેન્જ મેરેજ તૂટી ગયા હતા અને અસ્થાયી શેલ્ટરમાં રહેતી હતી. ગુના સમયે તે જીવનનો સામનો કરવા માટે સંઘર્ષ કરતી હતી જે પછી “વ્યસન” બની ગયુ હતુ. તેણે ચોરીના પૈસાનો ઉપયોગ ઘરની વસ્તુઓ અને રમકડા ખરીદવા કર્યો હતો અને પીડિતોને લખેલા પત્રમાં ખૂબ જ પસ્તાવો કર્યો હતો. તે પરિવાર અને મિત્રોથી છૂટી પડી ગઇ છે અને તેના વર્તનથી ખરેખર શરમ આવે છે. તેના પાંચ અને સાત વર્ષના બે બાળકોની એકમાત્ર સંભાળ રાખનાર છે, જેમાંથી એકને ન્યુરોલોજીકલ ડિસઓર્ડર હોવાનું નિદાન થયું હતું.