લેસ્ટરમાં કોરોનાવાયરસ લોકલ લોકડાઉનને આંશિક રીતે હળવું કરવામાં આવ્યું છે અને બુધવારથી બ્યુટી સલુન્સ, આઉટડોર સ્વીમીંગ પુલ, નેઇલ બાર્સ, ટેનિંગ બૂથ, મસાજ પાર્લર, સ્પા, ટેટૂ પાર્લર ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. પરંતુ ચેપનો દર ખૂબ ઉંચો હોવાથી ઘરોમાં મેળાવડા પર પ્રતિબંધ મુકાયો છે જે સ્થાનિક લોકડાઉનને સંપૂર્ણ રીતે હટાવવા માટેની મોટી અડચણ છે.
હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકે આજે આ અંગે જાહેરાત કરતાં જણાવ્યું હતું કે ‘’શહેરમાં કોવિડ-19 કેસોમાં ઘટાડો થયા પછી નિયમોમાં રાહત થશે, જોકે બીજા લોકોના ઘરોમાં ભેગા થવા પર હજી પણ પ્રતિબંધ છે. આઉટડોર મ્યુઝિક પ્લેસીસ અને થિયેટરોને પહેલેથી જ કાયદાકીય રીતે શહેરમાં ફરીથી ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. મારી કૃતજ્ઞતા લેસ્ટરના લોકો પ્રત્યે છે જેમણે વાયરસને દૂર રાખવા અને તેમના સ્થાનિક સમુદાયોની સુરક્ષા માટે બલિદાન આપ્યા છે.’’
તેમણે જણાવ્યું હતું કે ”ચેપનો દર હવે સલામત અને પૂરતા સ્તરે નીચે ગયો છે જેથી કેટલાક વધુ વ્યવસાયોને ફરીથી ખોલવાની મંજૂરી આપી છે. આપણે જાગ્રત રહેવું જ જોઇએ અને હું લેસ્ટરના દરેકને નિયમોનું પાલન કરવાનું ચાલુ રાખવા માટે વિનંતી કરું છું.’’
વૃધ્ધ, બીમાર અને સંવદનશીલ લોકો માટે લેસ્ટરમાં શિલ્ડિંગ યથાવત્ રહેશે, પરંતુ તેઓ બહાર જુદા જુદા ઘરના છ લોકોને સામાજિક અંતર રાખી મળી શકે છે. જેઓ એકલા રહે છે તેઓ શિલ્ડિંગ કરી રહ્યા હોય તો પણ તેમને એક બીજા ઘરવાળા સાથે શહેરમાં ‘સપોર્ટ બબલ’ માં જોડાવાની મંજૂરી આપવામાં આવશે.
લેસ્ટર સાથે ગ્રેટર માન્ચેસ્ટર, વેસ્ટ યોર્કશાયર અને ઇસ્ટ લેન્કેશાયરના ભાગોમાં તેમજ નોર્થ વેસ્ટ ઇંગ્લેન્ડમાં સ્થાનિક લોકડાઉન અમલમાં છે.