લેસ્ટરના કોરોનાવાઈરસના ચેપના દરમાં સતત ઘટાડો થતો રહ્યો છે, તો પણ લોકલ લોકડાઉન તો 11 દિવસ અમલમાં રહેશે, તે પછી જ તેના વિષે નિર્ણય લેવાશે, એમ હેલ્થ મિનિસ્ટર મેટ હેન્કોકે મંગળવારે જણાવ્યું હતું. તેમણે હાઉસ ઓફ કોમન્સમાં કહ્યું હતું કે ઈસ્ટ મિડલેન્ડ્સમાં સાત દિવસનો ચેપનો દર દરેક એક લાખ વ્યક્તિએ 135થી ઘટીને 117 થયો છે.
આ 13 ટકાનો ઘટાડો સારા સમાચાર છે, પણ લોકલ લોકડાઉન ઓછામાં ઓછું 18 જુલાઈ સુધી ચાલુ રહેશે. કોવિડ-19ના કેસમાં ભારે ઉછાળાના કારણે લોકલ લોકડાઉન લાગું કરાયું હોય તેવું લેસ્ટર પહેલું સ્થળ છે. ગયા સપ્તાહે સ્કૂલ્સ તેમજ આવશ્યક ના હોય તેવી શોપ્સ બંધ કરવાનો આદેશ ગયા સપ્તાહે અપાયો હતો.
હેન્કોકે જણાવ્યું હતું કે, ગયા સપ્તાહે આ પગલાં લેવાયા ત્યારે એવું જાહેર કરાયું હતું કે, આપણે 14 દિવસનો ડેટા જોવાનો છે, સમીક્ષા કરવાની છે. આથી આગામી પગલાંની જાહેરાત 18મી જુલાઈએ કરાશે. દરમિયાન, જરૂર પડશે તો સ્થિતિ અનુસાર વધુ કડક પગલાં લેવાશે.