વિદેશમાં બનેલા કપડા પર ‘મેડ ઇન યુકે’ અને હાઇ સ્ટ્રીટ ફેશન બ્રાન્ડ્સના લેબલ લગાવવાનો ગોરખ ધંધો

EXCLUSIVE

રેડીમેઇડ ફેશનેબલ ડ્રેસીસના ઉત્પાદનમાં યુકે આખામાં મોખરે એવા ગુજરાતીઓના ગઢ ગણાતા લેસ્ટરમાં વિખ્યાત હાઇસ્ટ્રીટ ફેશનેબલ બ્રાન્ડ્સ માટે ડ્રેસીસનું સીલાઇ કામ કરી આપતા સબકોન્ટ્રાક્ટર્સ દ્વારા મોટા પ્રમાણમાં ગુજરાતી કમાદારોનું જ આર્થિક શોષણ કરાતું હોવાનું અને તમામ પ્રકારના લેબર કાયદા તથા અન્ય નીતિ નિયમોનો તેમની ફેક્ટરીઓમાં સરેઆમ ભંગ થતો હોવાનું ‘ગરવી ગુજરાત‘ દ્વારા હાથ ધરેલા ઇન્વેસ્ટીગેશનમાં બહાર આવ્યું છે.

અમારા ઇન્વેસ્ટીગેશનમાં અમુક ફેક્ટરીઓમાં તો છેલ્લા કેટલાક સમયથી બ્રિટનના બ્રાન્ડેડ લેબલ્સ દ્વારા ભારત કે પાકિસ્તાનમાં બનેલા કપડા પર યુકેમાં બનાવ્યા હોય તેવા ‘મેડ ઇન યુકે’ના લેબલ્સ લગાવીને યુકેના ગ્રાહકો સાથે સરેઆમ છેતરપીંડી કરાતી હોવાની ખૂબ જ ચોંકાવનારી માહિતી મળી છે.

લેસ્ટરમાં આવેલી અને બ્રાન્ડેડ લેબલ્સ માટે કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતી ફેક્ટરીઓમાં કામદારોનું અનહદ શોષણ કરવામાં આવતું હોવાના અહેવાલો પછી બ્રિટનની વિખ્યાત હાઇસ્ટ્રીટ ફેશન બ્રાન્ડ્સ માટે ડ્રેસીસનું સીલાઇ કામ કરી આપતી લેસ્ટરની એક ફેક્ટરીમાં કામ કરતા એક વર્કરનો એક્સક્લુસીવ ઇન્ટર્વ્યુ ‘ગરવી ગુજરાત’ દ્વારા લેવાયો હતો.

ઓળખ જાહેર નહીં કરવાની શરતે તે વર્કરે ચોંકાવનારા આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે ‘’મારી ફેક્ટરીમાં અમે છેલ્લા 6 માસથી ભારત કે પાકિસ્તાનમાં બનાવવામાં આવેલા તૈયાર ડ્રેસીસ – ટીશર્ટ, હુડીઝ, જોગીંગ બોટમ્સ પર જે તે દેશના લેબલ કાઢીને ‘મેડ ઇન યુકે’ લખેલા બ્રિટનની ટોપ ફેશન બ્રાન્ડના લેબલ્સ લગાવીએ છીએ. અમારો 15-17 વ્યક્તિનો આખો સ્ટાફ છેલ્લા 6 માસથી આ નકલખોરી સિવાય બીજુ કોઇ જ કામ કરતો નથી. આખા લેસ્ટરની ઘણીબધી ફેક્ટરીઓમાં આ પ્રકારના ‘મેડ ઇન યુકે’ અને ફેશન બ્રાન્ડના લેબલ લગાવવાનું કામ હાલમાં ચાલી રહ્યું છે. મારી ફેક્ટરીમાં આજ રીતે અમે અન્ય બ્રાન્ડ માટે પણ કામ કરીએ છીએ.’’

તેમણે જણાવ્યું હતું કે ‘’સામાન્ય રીતે અમારો કામનો સમય રોજ સવારના 8થી સાંજના 5-30નો હોય છે અને હું સપ્તાહના 6 દિવસ મળીને આશરે 55 કલાક જેટલું કામ કરૂ છું પરંતુ મને સપ્તાહના આશરે 25 કલાકનો, કલાક દીઠ £8.21 લેખે કેશ ઓન હેન્ડ પગાર અને તેની જ પે સ્લીપ આપવામાં આવે છે. તેમાંથી પણ પેન્શન, નેશનલ ઇન્સ્યોરંશ, ટેક્સ અને અન્ય રકમની કપાત કરવામાં આવે છે.

મેં જે કામ કર્યું હોય તેના મહેનતાણાં સિવાય મને કોઇ જ અન્ય બેનીફીટ, પગાર કે લાભ મળતો નથી. મને યુકે સરકારના ધારાધોરણ કરતા ખૂબ જ ઓછો પગાર આપવામાં આવે છે અને તેમાંથી પણ કપાત બાદ મને રોકડ રકમ હાથમાં આપવામાં આવે છે. મને લાગે છે કે મારી પે સ્લીપમાં પણ ગરબડ કરવામાં આવે છે. સ્ટાફના કેટલાક લોકો, નાના બાળકો હોવાના કારણે તેઓ ટેક્સ ક્રેડીટ અને અન્ય બેનીફીટ મળતા હોવાથી કેશ ઓન હેન્ડ પગાર સામે વાંધો ઉઠાવતા નથી અને સાથે સાથે સરકારી બેનીફીટ પણ મેળવે છે.’’

તેમણે શોષણ અંગે જણાવ્યું હતું કે ‘’મારી ફેક્ટરીના માલીક અમને તમામ કર્મચારીઓને બેન્ક હોલીડે, અન્ય હોલીડે કે સીક પેનો પગાર ચૂકવતા નથી. અમે જેટલા કલાક કામ કરીએ તેટલો જ પગાર અને તે પણ મિનિમમ વેજ કરતા ઘણો ઓછો પગાર ચૂકવાય છે.

મોટાભાગના લોકોનો પગાર કલાકના £4.50 થી £5ની વચ્ચે છે. અમારે સવારે 10 કલાકે અને 3-30 કલાકે 15 મિનિટની બે બ્રેક તેમ જ બપોરે 30 મિનિટનો લંચ બ્રેક હોય છે. લંચ બ્રેકના પૈસા અમને મળતા નથી. અમને વોશરૂમ જવાની છૂટ છે પરંતુ તેમાં થોડું પણ મોડુ થાય તો બોસ ઠપકો આપે છે.’’

તે વર્કરે જણાવ્યું હતું કે ‘’ફેક્ટરી માલિક દ્વારા અમારૂ ખૂબ જ શોષણ કરાય છે. મેં થોડાક સમય પહેલા જ્યારે ‘શેઠ’ સાથે પગાર વધારવાની અને મને કેમ મિનિમમ વેજ મુજબ પગાર આપતો નથી તેની રજૂઆત કરતાં તેણે મને સાફ શબ્દોમાં જણાવ્યું હતું કે તેને પગાર વધારવો પોષાતો નથી. મેં બે ત્રણ વખત રજૂઆત કરી હતી પરંતુ તે માનતો નથી અને છેલ્લે મને એમ પણ કહી દીધું હતું કે તને બીજે કામ કરવા જવું હોય તો તું જઇ શકે છે.’’

ફેક્ટરીમાં કામની હાલત અંગે તેમણે જણાવ્યું હતું કે ‘’મારે ત્યાં પહેલા ચા કે કોફી પીવા માટે કોઇ વ્યવસ્થા નહોતી. હમણાંથી તે દૂધ લાવી રાખે છે. એ જ રીતે અમારી ફેક્ટરીમાં 4-5 ટોઈલેટ હોવા છતાં એક પણ ટોઈલેટમાં કદી ટોઈલેટ રોલ્સ રખાતા નથી. અમે દરેક વર્કર પોતાના ઘરેથી સાથે ટોઈલેટ રોલ લઇ જતા અને વાપરતા હતા. છેલ્લા એક માસથી તેણે ફક્ત એક ટોઈલેટમાં ટોઈલેટ રોલ લાવીને મૂક્યા છે.

અમે સૌ વર્કર અમારા કામના સોઇંગ મશીન પર જ લંચ લઇએ છીએ અને તે પછી તુરંત જ કામે લાગી જવાનું હોય છે. અમારી ફેક્ટરીમાં મોટેભાગે ગુજરાતીઓ, દિવ-દમણના લોકો અને એક-બે સાઉથ એશિયન લોકો કામ કરે છે. પરંતુ તેમાં કેટલા લોકો ગેરકાયદે અને રાઇટ્સ વગર કામ કરે છે તેની મને જાણ નથી. કારણ કે અમને ચાલુ કામ દરમિયાન એકબીજા સાથે વાત કરવાની પરવાનગી જ નથી અને વાત કરીએ તો બોસ દ્વારા ટકોર કરવામાં આવે છે.‘’

કોવિડ-19 અને લોકડાઉન દરમિયાન વર્કર્સની સુરક્ષા માટે કોઇ વ્યવસ્થા કરવામાં આવી હતી કે કેમ તેનો ઉત્તર આપતાં તેમણે જણાવ્યું હતું કે ‘’યુકેના લોકડાઉન દરમિયાન અમારી ફેક્ટરી 1 માસ માટે બંધ રાખવામાં આવી હતી. પરંતુ લોકડાઉન ખુલ્યા બાદ જૂન માસના અંતમાં ચેકીંગ આવવાની શરૂઆત થતા કંપનીમાં સોશ્યલ ડિસ્ટન્સીંગનુ પાલન કરવામાં આવ્યું હતું. અમે સૌ વર્કરે અમારી પાસેના કાપડમાંથી જાતે જ અમારા ફેસ માસ્ક સીવી દીધા હતા. ફેક્ટરીમાં સપ્તાહમાં બે વખત ક્લીનિંગ કરાય છે. તાજેતરમાં લેસ્ટરમાં નવુ લોકડાઉન આવ્યું ત્યારે અમારા સૌનો કોવિડ-19 ટેસ્ટ કરાયો હતો. પરંતુ અમારા સ્ટાફમાંથી કોઇ પોઝીટીવ જણાયું નહોતું.’’

કામદારોના વેલ્ફેર અંગે ઉત્તર આપતાં તેમણે જણાવ્યું હતું કે ‘’અમારી કંપનીમાં કોઇ એચઆર મેનેજર નથી. અમારે જે કોઇ રજૂઆત કરવી હોય તે સીધી જ માલિકને જ કરવાની હોય છે. ક્રિસમસ કે અન્ય પ્રસંગે એકાદ-બે વખત તે રેસ્ટોરંટમાંથી ભોજન જરૂર મંગાવે છે.’’

કામ પૂરૂ કરાવવા માટે કરાતા દબાણ અંગે તેમણે જણાવ્યું હતું કે ‘’ઘણી વખત બોસ અશક્ય કામ કરવા માટે અને તે કામ ચોક્કસ ડેડલાઇનમાં પૂરુ કરવા દબાણ કરે છે. પરંતુ તે માટે નિર્ધારીત કલાક મુજબના પગાર કરતા કોઇ જ વધારે રકમ ચૂકવાતી નથી. જરૂર લાગે તો અમે બે ત્રણ કલાક વધુ સમય રોકાઇને કામ પૂરૂ કરી આપીએ છીએ. કામ પૂરૂ કરાવવા માટે તે વારંવાર ‘હરી અપ’ કહ્યા કરે છે પરંતુ અમે પણ કેટલી ઝડપ કરી શકીએ? અમારી ક્ષમતા કરતા વધુ કરવા માટે દબાણ કરાય ત્યારે અમે ન છુટકે તેમને ચોખ્ખી ના પાડીએ છીએ. તે પણ સમજે છે કે વધુ ઝડપ કરવામાં કપડાના નુકશાનનો ભય પણ રહે છે.’’

25-30 વર્ષ કરતા પણ વધુ સમયથી સપ્તાહના 50-60 કલાકની આકરી મજૂરી કરીને પોતાના બાળકોને યુનિવર્સીટીમાં ઉચ્ચ શિક્ષણ અપાવનારા આ કામદાર પોતાના જીવનસાથીને પરણીને યુકે આવ્યા હતા. તેઓ આટલા વર્ષો સુધી શોષણ થતું હોવા છતાં કપરી મહેનત કરીને આપબળે આગળ આવ્યા છે. અમે આ વર્કરને અન્યાય સામે અવાજ ઉઠાવવા બદલ સો સો સલામો કરીએ છીએ અને આપણા સમુદાયના સૌ વર્કર્સને યુકેના ધારાધોરણો મુજબ પગાર અને અન્ય લાભ મળે તે માટે કટિબધ્ધ છીએ અને ન્યાય મેળવવા તેમની લડતમાં સાથે છીએ.

(કાનૂની મર્યાદાના કારણે અમે ફેશન બ્રાન્ડ, પેટા કોન્ટ્રાક્ટર, ફેક્ટરી અને કામદારનું નામ અને ઓળખ ગુપ્ત રાખ્યા છે.)