બ્લેક લેઇવ મેટર્સ આંદોલન બાદ લેસ્ટરમાં આવેલી ભારતના મહાત્મા ગાંધીજીની પ્રતિમાને દૂર કરવા માટે ચલાવવામાં આવેલી ઝુંબેશના પ્રતિકાર તરીકે change.org પર ચાર દિવસ પહેલા શરૂ કરવામાં આવેલી પ્રતિઝુંબેશ – પીટીશનને સજ્જડ પ્રતિસાદ સાંપડ્યો છે અને શુક્રવારે બપોરે આ અહેવાલ લખાઇ રહ્યો છે ત્યારે કુલ 6,000 સહીઓ એકત્ર થઇ ચૂકી છે.
‘We can, we will, we must save Gandhiji. – It’s Now Or Never’ના હેડીંગ સાથે મૂળ દિવ, ગુજરાતની વતની અને લેસ્ટરમાં રહેતી અનુરાધિકા જીતેન્દ્રકુમાર બારૈયાએ પીટીશનમાં જણાવ્યું હતું કે ‘’આજે દુનિયા આંધળી થઈ રહી છે. બ્લેક લાઇવ્સ મેટર માટે સમગ્ર વિશ્વમાં માનવતા એક થઈ છે. પરંતુ, શું પરિવર્તન લાવવા માટે શાંતિના નિર્માતાની પ્રતિમાઓનો નાશ કરવો જરૂરી છે? લેસ્ટરમાં મહાત્મા ગાંધીની પ્રતિમાને ક્યારેય હટાવવી જોઈએ નહીં કારણ કે તે સ્વતંત્રતા, અહિંસા અને શાંતિનું પ્રતિનિધિત્વ કરે છે. તેઓ પરિવર્તનના નેતા હતા અને નાગરિક અધિકારના નેતાઓ, માર્ટિન લ્યુથર કિંગ સહિત સમગ્ર વિશ્વના લોકોને પ્રેરણા આપતા હતા. તેમની પ્રતિમા હટાવવી એટલે કે લોકોના આત્મામાંથી માનવતા દૂર કરવાનુ કહેવા જેવું છે. આ પ્રતિમા લેસ્ટરના એશિયન સમુદાયના હૃદયનું પ્રતીક છે અને તેને અમારું ગૌરવ કહેવામાં અમે ગર્વ અનુભવીએ છીએ.
આપણે સાથે મળીને ન્યાય માટે લડવાની અને ગાંધીજીની પ્રતિમાને બચાવવાની જરૂર છે. તેમની પ્રતિમાને નષ્ટ કરવાથી માત્ર પોલીસ અને વિરોધીઓ શેરીઓમાં આવશે અને આપત્તિ આવશે. અનુરાધિકાએ પીટીશનમાં સહીઓ કરનાર સૌનો આભાર માનતાં જણાવ્યું હતું કે કૃપા કરીને આ પીટીશનને શેર કરવાનું ચાલુ રાખો કારણ કે ગાંધીજીને તમારા ટેકાની જરૂર છે!
ગાંધી પ્રતિમાને દૂર કરવાની પીટીશન કરતા પણ વધુ સહીઓ માત્ર 4 દિવસમાં એકત્ર થઇ ગઇ છે. અહેવાલો મુજબ જો લેસ્ટર સીટી કાઉન્સિલ માત્ર પીટીશનની સહીઓને જ ગણતરીમાં લઇને નિર્ણય લેવાની હશે તો તે માટે ઘણી સહીઓ સાથેનુ સમર્થન લોકો દ્વારા આપવામાં આવ્યું છે. લેસ્ટર સીટી કાઉન્સિલના મોટાભાગના કાઉન્સિલર્સ પણ મહાત્મા ગાંધીજીની પ્રતિમા જળવાઇ રહે તેમ ઇચ્છે છે. ભારતીય મૂળના સૌથી લાંબો સમય પદ જાળવનાર ભૂતપૂર્વ એમપી કિથ વાઝે પણ ગાંધીજીની પ્રતિમા બચાવવા ઝંબેશ આદરી છે.