લેસ્ટરમાં મુશ્કેલીમાં મુકાયેલા ટેક્સટાઇલ ક્ષેત્રના કામદારોને પેટર્ન-નિર્માણ, ફેબ્રિક નિરીક્ષણ અને અન્ય કુશળતા માટે તાલીમ આપવા માટે લેસ્ટરના સ્પિન્ની હિલ્સમાં £300,000ના ખર્ચે લેસ્ટર ફેશન ટેકનોલોજી એકેડેમી (એલએફટીએ) ખોલવામાં આવનાર છે.
સિટી કાઉન્સિલ આ માટે તાલિમ આપનાર ફેશન એન્ટર લિમિટેડ અને કપડા કંપની એથિકલી સોર્સ્ડ પ્રોડક્ટ્સ લિ.ના સંપર્કમાં છે. સ્ટોનબ્રીજ સ્ટ્રીટમાં એથિકલી સોર્સ્ડ પ્રોડક્ટ્સ ફેક્ટરી પરિસરના ઉપરના માળે આવેલી નવી એકેડમી સ્થાનિક કાપડ અને ફેશન મેન્યુફેક્ચરિંગ વ્યવસાયો સાથે પણ નજીકથી કામ કરશે.
એ એકેડેમીનું સંચાલન ફેશન એન્ટર લિ. કરશે. જેણે 2015માં નોર્થ લંડનમાં આવી એકેડમીની સ્થાપના કરી હતી. પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત નવી એકેડેમી લોકોને પેટર્ન-મેકિંગ, ફેબ્રિક ઇન્સ્પેક્શન, લેઇંગ અને કટીંગ, મશીન મેન્ટેનન્સ અને સિલાઇ સહિતની એન્ટ્રી-લેવલ લાયકાતો માટે કામ કરવાની તક આપશે. ત્યાર બાદ લોકો રિટેલ / રિટેલ એમ્પ્લોયરો માટે અદ્યતન પ્રમાણપત્રો મેળવવા અને ફેશન એન્ટરની એપ્રેન્ટિસશીપ યોજનામાં કામ કરી શકશે.
યુકેમાં કાપડ અને ફેશન મેન્યુફેક્ચરીંગ બિઝનેસમાં બીજા ક્રમનુ યોગદાન ધરાવતા લેસ્ટરમાં 1,000 થી વધુ ગારમેન્ટ વર્કશોપ છે. કેટલાક ફેક્ટરી બોસ દ્વારા કામદારોનુ શોષણ કરાયાના અહેવાલો બાદ છેલ્લા એક વર્ષથી આ ક્ષેત્ર ચર્ચામાં રહ્યું છે અને સરકાર અને સીટી કાઉન્સિલ એકબીજાને દોષી ઠેરવી રહ્યા છે.
સિટી મેયર સર પીટર સોલસ્બીએ જણાવ્યું હતું કે “ઘણા અગ્રણી ફેશન બ્રાન્ડ્સ અને રિટેલરો હજારો લોકોને રોજગારી આપે છે. પણ યોગ્ય કુશળ કામદારોની અછત છે. બીજી તરફ સ્થાનિક કામદારો તેમની કુશળતા વિકસાવી પ્રગતિ કરવા માગે છે. અગ્રણી નિષ્ણાતો ધરાવતી નવી તાલીમ એકેડેમીથી લેસ્ટરના ફેશન અને કાપડ ઉદ્યોગને ટેકો મળશે અને સ્થાનિક કામદારોને તેમના કૌશલ્ય મેળવી કારકિર્દી વિકસાવવાની શ્રેષ્ઠ તકો મળશે.’’