તા. 28ને રવિવારે એશિયા કપમાં ભારતની ક્રિકેટ ટીમની પાકિસ્તાન સામે થયેલી જીતની ઉજવણી દરમિયાન લેસ્ટરના બેલગ્રેવ – ગોલ્ડન માઇલ વિસ્તારમાં સેંકડો લોકો શેરીમાં ઉમટી પડ્યા બાદ હિંસા ફાટી નીકળી હતી. ઇમરજન્સી વર્કર પર હુમલો કરવાની શંકાના આધારે 28 વર્ષીય વ્યક્તિની ઘટના સ્થળેથી ધરપકડ કરી જામીન પર છોડવામાં આવ્યો હતો.
સોશિયલ મીડિયા પર મેલ્ટન રોડથી દૂર શેફ્ટ્સબરી એવન્યુમાં તકરાર થતી હોવાના વિડિયો ફૂટેજ વાઇરલ થયા હતા. જેમાં એક માણસનું ટી-શર્ટ ફાડી નાખતા હોવાનું અને સંખ્યાબંધ યુવકો મારામારી કરતા જોવા મળ્યા હતા. એક પોલીસ અધિકારી પર હુમલો કરાયો હોવાના અહેવાલ છે.
ઇસ્ટ લેસ્ટર પોલીસના કમાન્ડર, ઇન્સ્પેક્ટર યાકુબ ઇસ્માઇલે જણાવ્યું હતું કે “અમારા અધિકારીઓ સમુદાયોની સુરક્ષા માટે છે અને તેમના પર હુમલો થાય તે માટે અમે ઝીરો ટોલરન્સ અભિગમ અપનાવીએ છીએ. આવા લોકો પર કાર્યવાહી કરવામાં આવશે.
પોલીસે 30 ઑગસ્ટના રોજ એક નિવેદનમાં જણાવ્યું હતું કે “અમે ભારત-પાકિસ્તાન મેચ બાદ લેસ્ટરના બેલગ્રેવ વિસ્તારમાં ફિલ્માવવામાં આવેલા જાતિવાદી અને દ્વેષપૂર્ણ ગીતોના સોશિયલ મીડિયા પર ફરતા વીડિયોથી વાકેફ છીએ. અમે આ અહેવાલોને ગંભીરતાથી લઈ રહ્યા છીએ અને જવાબદારોને ઓળખવા માટે તપાસ ચાલી રહી છે. અમે આ સુત્રોચ્ચારોને હેટ ક્રાઇમ તરીકે ગણી રહ્યા છીએ અને ભાગ લેનાર સૌ સામે કાર્યવાહી કરાશે.’’
લેસ્ટરશાયર ફેડરેશન ઓફ મુસ્લિમ ઓર્ગેનાઈઝેશન્સ (FMO)ના પ્રવક્તા સુલેમાન નાગદીએ જણાવ્યું હતું કે “અમે સ્થાનિક સમુદાયોને શાંતિ અને સંવાદિતા જાળવવા માટે સાથે મળીને કામ કરવા વિનંતી કરીએ છીએ. કોઈપણ જૂથ દ્વારા નફરત, અસહિષ્ણુતા અને હિંસાનું આપણા શહેરમાં કોઈ સ્થાન હોવું જોઈએ નહીં.”