લેસ્ટર શહેરની વિવિધ હોસ્પિટલ્સમાં કોવિડ-19 રોગચાળાના કારણે સારવાર લઇ રહેલા કુલ 850 લોકોના મોત થયા છે. લેસ્ટર એનએચએસ ટ્રસ્ટ (યુએચએલ) ની યુનિવર્સિટી હૉસ્પિટલ્સમાં તા. 13ની બપોર પછી છેલ્લા સપ્તાહમાં આશરે 56 લોકોના મરણ થયા હતા.
લેસ્ટર રોયલ ઇન્ફર્મરી, લેસ્ટર જનરલ હોસ્પિટલ અથવા ગ્લેનફિલ્ડ હોસ્પિટલમાં મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 849 થઇ છે. મૃત્યુ પામેલા દર્દીઓની ઉંમર 40 થી 90 ની વચ્ચે હતી. કોવિડ-19 ના પ્રભાવથી લોકો અને તેમના પરિવારોને બચાવવા આપણી સૌની પહેલી ફરજ છે. કોઈપણ ચેપ મેળવી શકે છે અને કોઈપણ તેને ફેલાવી શકે છે.
ગયા અઠવાડિયે ટ્રસ્ટ દ્વારા 45 મોતની ઘોષણા કરવામાં આવી હતી. સરકારના તાજેતરના આંકડા મુજબ હાલમાં 324 કોવિડ દર્દીઓની યુએચએલ ખાતે સારવાર ચાલી રહી છે. જેમાં 31 લોકો વેન્ટિલેટર પર છે. લેસ્ટરશાયર પાર્ટનરશીપ એનએચએસ ટ્રસ્ટ સાઇટ્સ ખાતે 26 કોવિડ પોઝીટીવ દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે.
લેસ્ટરશાયરે ચેપના દરમાં તેના ઉચ્ચતમ સ્તરમાં ફરી ટોચનું સ્થાન મેળવ્યું છે અને તા. 13ના રોજ શહેર અને કાઉન્ટીમાં લગભગ 750 નવા કોરોનાવાયરસ કેસની પુષ્ટિ થઈ છે. લેસ્ટરનો ચેપ દર આજે 100,000 લોકો દીઠ 598.5 હતો. જે તા. 12ના રોજ 570 હતો. જે શહેરને લોકલ લોકડાઉનમાં મૂકવામાં આવ્યું ત્યારે 100,000 લોકો દીઠ 135 કેસો હતા.
તા. 13ના 4 વાગ્યા સુધીમાં લેસ્ટરમાં 25,575, બ્લેબીમાં 4,987, ચાર્નવુડમાં 8,922 હાર્બરોમાં 3,592, હિંકલી અને બોસવર્થ: 4,105, મેલ્ટનમાં 1,884, નોર્થ વેસ્ટ લેસ્ટરશાયરમાં 3,849 ઑડબી અને વિગસ્ટનમાં 3,806 કુલ કોરોનાવાયરસ કેસો નોંધાયા હતા.
લેસ્ટરશાયરમાં તા. 13 સુધીના છેલ્લા સાત દિવસમાં દર એક લાખ લોકો દીઠ ચેપનો દર લેસ્ટરમાં 598.5 કેસ (2,120 કેસ) બ્લેબીમાં 457 કેસ (464), ચાર્નવુડમાં 329.8 કેસ (613), હાર્બરોમાં 100,000 દીઠ 383.8 કેસ (360), હિંકલી અને બોસવર્થમાં 366.8 કેસ (415), મેલ્ટનમાં 289 કેસ (148) નોર્થ વેસ્ટ લેસ્ટરશાયરમાં 368.7 કેસ (382) અને ઑડબી અને વિગસ્ટનમાં 542 કેસ (309) નોંધાયા હતા. કૌંસમાં છેલ્લા સાત દિવસોના કેસની સંખ્યા છે.