લેસ્ટરમાં બેહોશ હાલતમાં કારના બુટમાંથી મળી આવેલા 47 વર્ષીય આનંદ પરમારની હત્યા અંગે લેસ્ટર ક્રાઉન કોર્ટે 13 મેના રોજ બે ડ્રગ ડીલર, રેનાલ્ડો બેપ્ટિસ્ટને 25 વર્ષની અને જેફરી કેર્યુને 23 વર્ષની સજા ફટકારી હતી. માનવવધ માટે દોષિત ત્રીજા આરોપી જુરાત ખાનને 12 વર્ષની સજા ફટકારવામાં આવી હતી. જેમાંથી તેણે બે તૃતીયાંશ સજા ભોગવવી પડશે. તેનું લાયસન્સ ત્રણ વર્ષ માટે લંબાવવામાં આવ્યું હતું.
આનંદ પરમાર ગયા વર્ષે 12 એપ્રિલના રોજ વહેલી સવારે બ્રાઇટન રોડ, હમ્બરસ્ટોનમાં વક્ઝોલ એસ્ટ્રા કારના બૂટમાંથી અર્ધ નગ્ન પણ ગંભીર હાલતમાં મળ્યા હતા. તેમના મગજને ભયંકર નુકસાન સાથે 44 ઇજાઓ થઈ હતી અને પાંચ કલાક પછી હોસ્પિટલમાં તેનું મૃત્યુ થયું હતું.
કોર્ટે સાંભળ્યું હતું કે પરમારે ડ્રગ્સ ઓપરેશન માટે ડિલિવરીમેન તરીકે કામ કરવાનું બંધ કરતા હત્યારાઓ ગુસ્સે થયા હતા. તેમમે 26 વર્ષીય ખાનની મદદથી લેસ્ટરના વેસ્ટ એન્ડમાં, એન્ડ્રુઝ સ્ટ્રીટની નજીકના સિટી સેન્ટર કાર પાર્કમાં આવવા લલચાવ્યા હતા. જ્યાં તેમણે સવારે 1.45 વાગ્યે તેના પર હુમલો કર્યો હતો. પરમારને એસ્ટ્રાના પાછળના ભાગમાં નાંખી ખાન તેમને મેલ્ટન રોડ નજીક જેસી જેક્સન પાર્ક તરફ લઈ ગયો હતો. જ્યાં પરમારને વધુ માર મારવામાં આવ્યો હતો. પરંતુ પોલીસે ખાનની પૂર ઝડપે જતી કારને બ્રાઇટન રોડ પર આંતરી તપાસ કરતા પરમાર બેહોશ હાલતમાં મળી આવ્યા હતા.
ફરિયાદી દ્વારા વાંચવામાં આવેલા નિવેદનમાં, આનંદ પરમારની પુત્રી, તેના પિતાનું અવસાન થયું ત્યારે ચાર મહિનાની ગર્ભવતી હતી. તેણે તેના ભાઈ અને દાદા દાદી સહિત તેમના પરિવારને થયેલી તકલીફ અને આઘાત વિશે જણાવ્યું હતું.