લેસ્ટરમાં થઇ રહેલા કામદારોના કથિત શોષણને અટકાવવા માટે “સાંસ્કૃતિક સંવેદનશીલતા” જવાબદાર હોવાના હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે કરેલા દાવાને કારણે તેઓ ટીકાઓનો સામનો કરી રહ્યા છે. રેગ્યુલેટર્સમાં મૂકાયેલા કાપ, મર્યાદિત ઇન્સ્પેક્શન કરવાના નિર્ણય અને યુનિયનોની ગેરહાજરી એ સૌથી મોટા કારણો હતા એમ વિવેચકો માની રહ્યા છે.
સ્વેટશોપ્સની સ્થિતી કોરોનાવાયરસ કેસોની વૃદ્ધિનું પરિબળ છે અને તેને પરિણામે લોકડાઉન થયું છે તેવા ગાર્ડીયનના 10 દિવસ પહેલાના અહેવાલ બાદ એવા અહેવાલો છે કે પ્રીતિ પટેલ આધુનિક ગુલામીને કાબૂમાં રાખવા નવા કાયદાઓ પર વિચારણા કરી રહ્યા છે.
સન્ડે ટાઇમ્સે જણાવ્યું હતું કે પટેલે “ખાનગીમાં ચિંતા વ્યક્ત કરી હતી” કે પોલીસ અને સરકારી એજન્સીઓ તેમના પર રેસીસ્ટ હોવાનું લેબલ ન લાગે તેથી સમસ્યા તરફ આંખ આડા કાન કરે છે. પટેલે લેસ્ટરના આ મુદ્દાઓની તુલના રોધરહામના ગૃમીંગ કૌભાંડ સાથે કરી હતી. જ્યાં સાઉથ એશિયાના ફેક્ટરી માલિકોના ઉદ્યોગમાં મોટા ભાગે ઇમિગ્રન્ટ અને BAME મજૂરો કામ કરે છે. જો કે રોધરહામ કૌભાંડથી વિપરીત, સંસદીય અહેવાલો, રેગ્યુલેટર્સ અને મીડિયા કવરેજ વર્ષોથી લેસ્ટર અંગે જાહેરમાં ચિંતાઓ કરે છે.
ફેબ્રુઆરીમાં હાઉસ ઓફ કૉમન્સમાં પ્રથમ ભાષણમાં આ મુદ્દો ઉઠાવનાર લેસ્ટર ઇસ્ટના લેબર સાંસદ ક્લૌડિયા વેબ્બે જણાવ્યું હતું કે “આ ધૃણાસ્પદ છે. કોઇ રેસીસ્ટ લેબલનો ડર નથી કે સાંસ્કૃતિક સંવેદનશીલતાનો મુદ્દો નથી. મુખ્યત્વે ઇમીગ્રન્ટ સમુદાયોની મહિલાઓને બચાવવામાં સરકાર નિષ્ફળ ગઇ છે જેનું અનૈતિક એમ્પલોયર્સ દ્વારા ગંભીર શોષણ કરવામાં આવ્યું છે. જો સરકાર પરિવર્તન લાવવા માટે ગંભીર હોય તે હેલ્થ એન્ડ સેફ્ટી એક્ઝિક્યુટિવ (એચએસઈ) અને સ્થાનિક અધિકારીઓને યોગ્ય રીતે ભંડોળ આપવાની જરૂર છે.
નોર્થ વેસ્ટ લેસ્ટરશાયરના કન્ઝર્વેટિવ સાંસદ એન્ડ્ર્યુ બ્રિજેને જાન્યુઆરીમાં કૉમન્સમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો અને કહ્યું છે કે તેઓ સોમવારે નેશનલ ક્રાઇમ એજન્સીને પુરાવા આપશે. તેમણે કહ્યું હતું કે “જ્યાં સુધી આપણે આ ગુલામ સ્વેટશોપ્સ બંધ નહીં કરીએ ત્યાં સુધી લેસ્ટરમાં વાયરસનું સમાધાન થશે નહીં”
ક્રિસ ગ્રેલિંગે 2012માં રોજગાર પ્રધાન હતા ત્યારે કહ્યું હતું કે “જો આપણે બધા જોખમો અંગે કાયદો બનાવવાનો પ્રયાસ કરીશું તો આપણે નોકરીઓ ગુમાવીશું.”
લેસ્ટરમાં વ્હિસલ બ્લોઅર્સ પણ બદલો લેવાય તેવા જોખમને કારણે આગળ આવવા માટે ભયભીત છે. ટ્રેડ્સ યુનિયન કોંગ્રેસના જનરલ સેક્રેટરી ફ્રાન્સિસ ઓ’ગ્રાડીએ કહ્યું હતું કે “વર્ષોથી અમલીકરણ એજન્સીઓ અને ઇન્સપેક્ટરેટ્સ પર મૂકાયેલા કાપ નિંદનીય છે. હકીકત એ છે કે લેસ્ટરના કપડા ફેક્ટરીઓ મોટાભાગે યુનીયન વગરની છે.’’