ગયા સપ્તાહની ચૂંટણીમાં પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સામે ડેમોક્રેટ્સના વિજયને માન્યતા આપવામાં ફેડરલ એજન્સીના વિલંબ સામે કાનૂની પગલાં લેવાની જો બિડેનની ટીમ વિચારણા કરી રહી છે, એમ સોમવારે બિડેનના અધિકારીએ જણાવ્યું હતું.
અમેરિકામાં જનરલ સર્વિસિસ એડમિનિસ્ટ્રેશન (GSA) સામાન્ય રીતે ચૂંટણીમાં કોણ જીત્યું તે સ્પષ્ટ બન્યાં બાદ પ્રેસિડેન્શિયલ ઉમેદવારને માન્યતાં આપતી હોય છે તેથી સત્તા પરિવર્તનની પ્રક્રિયા ચાલુ થઈ શકે. અમેરિકામાં ટેલિવિઝન અને ન્યૂઝ નેટવર્કે શનિવારે બિડેનને વિજેતા જાહેર કર્યા હોવા છતાં GSAએ હજું આવી માન્યતા આપી નથી.
GSA આવી માન્યતાં ક્યારે આપે તે કાયદામાં સ્પષ્ટ નથી, પરંતુ બિડેનની સત્તા પરિવર્તન માટેની ટીમના અધિકારીઓ જણાવે છે કે બિડેનનો વિજય સ્પષ્ટ છે અને વિલંબ યોગ્ય નથી. ટ્રમ્પે પણ પ્રેસિડન્ટની ચૂંટણીમાં મળેલી હારને હજુ સ્વીકારી નથી. 2017માં ટ્રમ્પે નીમેલા GSAના એડમિનિસ્ટ્રેટર એમિલી મર્ફીએ વિજેતા સ્પષ્ટ છે તે હજુ નક્કી કર્યું નથી. મર્ફીના નજીકના વ્યક્તિના જણાવ્યા અનુસાર મર્ફી સંપૂર્ણપણે પ્રોફેશનલ છે અને યોગ્ય નિર્ણય કરવામાં સમય લેશે.
બિડેનની ટીમના અધિકારીએ જણાવ્યું હતું કે ચૂંટણીમાં વિજયને માન્યતા આપવાનો જીએસએ માટે સમય થઈ ગયો છે. જો માન્યતા આપવામાં નહીં આવે તો ટ્રમ્પની ટીમ કાનૂની પગલાંની વિચારણા કરશે. એક અધિકારીએ નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું હતું કે કાનૂની પગલાં શક્ય છે, પરંતુ અમે બીજા વિકલ્પોની પણ ચકાસણી કરી રહ્યાં છીએ.