બળજબરીથી કરાતા લગ્નને રોકવા માટે ઇંગ્લેન્ડ અને વેલ્સમાં લગ્ન કરવાની કાનૂની વય 18 વર્ષ કરવાનો નવો કાયદો સોમવારથી અમલમાં આવ્યો છે. આ કાયદાનો હેતુ નિર્દોષ યુવાન-યુવતોને તેમની ઇચ્છા વિરુદ્ધના લગ્ન કરવાના દબાણમાંથી બચાવવાનો છે. હમણાં સુધી, 16 કે 17 વર્ષની વયના લોકો મા-બાપની સંમતિથી લગ્ન કરી શકતા હતા. આવા નાના બાળકો તેમની સ્થાનિક કાઉન્સિલોમાં ‘સંવેદનશીલ બાળક’ તરીકે નોંધાયેલા ન હોવાથી તેમના લગ્નના સમારોહ સામે કોઈ કાયદો ન હતો. યુકેમાં વસતા સાઉથ એશિયન અને આફ્રિકન સમુદાયોના કેટલાક લોકો બાળ વિવાહ કરતા હોવાથી તેને નવા કાયદાથી અટકાવી શકાશે.
યુકેના નાયબ વડા પ્રધાન અને જસ્ટીસ સેક્રેટરી ડોમિનિક રાબે જણાવ્યું હતું કે, “આ કાયદો આપણા સમાજમાં બળજબરીથી કરતા લગ્ન સામે સંવેદનશીલ યુવાનોને વધુ સારી રીતે સુરક્ષિત કરશે. નાની વયના બાળકોના લગ્ન કરાવવામાં સંડોવાયેલા લોકોને સાત વર્ષની જેલની સજા કરાશે. હવે કેટલાક લઘુમતી સમુદાયો દ્વારા કરાતા “પરંપરાગત” અને બિન-કાયદેસર સંબંધોને પણ નવા કાયદા હેઠળ આવરી લેવામાં આવશે.’’
કર્મ નિર્વાણ ચેરિટીના ડિરેક્ટર નતાશા રટ્ટુએ જણાવ્યું હતું કે “બાળ લગ્ન અંગેના કાયદામાં પરિવર્તન એ બચી ગયેલા લોકોનો મોટો વિજય છે. આ કાયદો આવું જોખમ ધરાવતા લોકોને વધુ પ્રમાણમાં રક્ષણ પૂરું પાડશે. ગયા વર્ષે ઓનર બેઝ્ડ હેલ્પલાઇને બાળ લગ્નના 64 કેસને ટેકો આપ્યો હતો.”
બાળ લગ્ન ઘણીવાર છોકરીઓ પ્રત્યેના ઘરેલુ દુર્વ્યવહાર સાથે સંકળાયેલું છે, જેમાં શિક્ષણ છોડી દેવાય છે, કારકિર્દીની મર્યાદિત તકો રહે છે અને ગંભીર શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ ઉભી થાય છે. સરકાર નવા કાયદા ઉપરાંત, પીડિતોને ટેકો આપવા અને તેમની સુરક્ષા માટે પોલીસ, સામાજિક કાર્યકરો અને અન્ય ફ્રન્ટલાઈન પ્રોફેશનલ્સને સજ્જ કરવા માટે તાલીમ અને માર્ગદર્શન આપવાનું ચાલુ રાખનાર છે.