ફ્રાન્સના લક્ઝરી ગ્રૂપ ચેનલે યુનિલિવરના ચીફ હ્યુમન રિસોર્સ ઓફિસર (CHRO) લીના નાયરની તેના ગ્લોબલ સીઇઓ તરીકે વરણી કરી છે. આનાથી લીના નાયર ઇન્દ્રા નૂયી (પેપ્સિકો) બાદ ગ્લોબલ સીઇઓ બનનાર ભારતીય મૂળના બીજા મહિલા બન્યા છે. લીના નાયરનો જન્મ અને ઉછેર મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં થયો હતો.
જોગાનુજોગ નાયરના મેન્ટર ઇન્દ્રા નૂયી છે. ચેનલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ગ્રૂપના માલિક એલેન વર્થીમેરે હવે ગ્લોબલ એક્ઝિક્યુટિવ ચેરમેન બનશે અને 52 વર્ષના નાયર લંડન સ્થિત ગ્બોબલ સીઇઓની ભૂમિકા ભજવશે.
10 બિલિયન ડોલરનું આ લક્ઝરી ગ્રૂપ બજારમાં 50 બિલિયન ડોલરના LVMH (લુઇસ વીટ્રોન), હર્મીસ, ગુસી, લોરિયલ, માઇકલ કોર્સ જેવી ગ્લોબલ લક્ઝરી કંપનીઓની સ્પર્ધા કરે છે.
નાયરે પોતાના લીન્ક્ડઇન પોસ્ટમાં જણાવ્યું હતું કે આઇકોનિક અને સન્માનીય કંપની ચેનલના ગ્લોબલ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે વરણથી હું સન્માનિત થયાની લાગણી અનુભવું છું. મને ચેનલના સિદ્ધાંતોમાંથી પ્રેરણા મળી છે. આ કંપની સર્જનની સ્વતંત્રતામાં માને છે તથા માનવીય સંભાવનાનું સંવર્ધન કરે છે અને વિશ્વમાં રચનાત્મક અસર લાવે છે.
તેમણે જણાવ્યું હતું કે યુનિલિવરમાં મારી લાંબી કારકિર્દી માટે હું આભારી છું. તે 30 વર્ષ સુધી મારુ એક ઘર હતું. યુનિલિવરે મને શીખવાની, આગળ વધવાની અને કંપનીમાં પ્રદાન કરવાની ઘણી જ તક આપી છે.
જાન્યુઆરી 2022માં કંપની છોડવાના નાયરના નિર્ણયની જાહેરાત કરતાં યુનિલિવરના સીઇઓ એલન જોપે જણાવ્યું હતું કે લીના નાયર યુનિલિવરમાં તેમની સમગ્ર કારકિર્દીમાં ઘણી બાબતોમાં અગ્રેસર રહ્યાં હતા, પરંતુ હવે તેઓ CHROની ભૂમિકામાં રહેશે નહીં. તેમણે અમારી હેતુ આધારિત અને ભવિષ્ય માટે સજ્જ કંપનીનું નિર્માણ કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે.
નાયરના વડપણ હેઠળ યુનિલવર જેન્ડર બેલેન્સ્ડ વર્કફોર્સ તરફ આગળ વધી હતી. CHROના હોદ્દા પર રહેલા વ્યક્તિ ભાગ્યે જ સીઇઓ બને છે, પરંતુ આ જાહેરાતથી મહામારી બાદ ઝડપથી આવેલા પરિવર્તનમા એચઆર વડા માટે પણ નવા વિકલ્પો ખુલ્યા છે.
XLRI જમશેદપુરના ગોલ્ડ મેડાલિસ્ટ નાયર એચઆર હેડ તરીકે વિશ્વભરમાં ઘણા જાણીતા છે. તાજેતરમાં લિન્ક્ડઇનમાં નાયરે જણાવ્યું હતું કે એચઆર હવે બેકરુમ ડિપાર્ટમેન્ટ નથી, તે સફળ બિઝનેસ ચલાવવા માટે મહત્ત્વનો ભાગ છે.
કોલ્હાપુરની હોલી ક્રોસ કોન્વેન્ટ સ્કૂલમાં અભ્યાસ કરનારા લીના નાયરે સાંગલીની વાલચંદ કોલેજ ઓફ એન્જિનિયરિંગમાંથી ઇલેક્ટ્રોનિક્સ અને ટેલિકમ્યુનિકેશનમાં એન્જિનિયર થયા હતા. કોલ્હાપુરના ઉદ્યોગપતિ પિતાની નારાજગી હોવા છતાં તેઓ એચઆરમાં જોડાયા હતા. આ નિર્ણય નાયર માટે મોટો ટર્નિંગ પોઇન્ટ બન્યો હતો.
1992માં મેનેજમેન્ટ ટ્રેઇની તરીકે એચયુએલમાં જોડાયા બાદ નાયરે ફેક્ટરી, સેલ્સ અને કોર્પોરેટ હેડક્વાર્ટરમાં વિવિધ ભૂમિકા ભજવી હતી. તેઓ કંપનીમાં ઘણા પરિવર્તન લાવ્યા હતા અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર (એચઆર)ના હોદ્દા પર પહોંચ્યા હતા. 2016માં તેઓ યુનિલિવરમાં પ્રથમ મહિલા, પ્રથમ એશિયન અને સૌથી યુવાન CHRO બન્યા હતા. આની સાથે તેઓ યુનિલિવર લીડરશિપ એક્ઝિક્યુટિવના સભ્ય બન્યા હતા અને વિશ્વના 100 દેશોમાં આશરે કંપનીના 150,000 કર્મચારીઓની જવાબદારી અદા કરી હતી. લીના નાયરને બે પુત્રો છે અને તેમના રસના વિષયોમાં રીડિંગ, રનિંગ અને બોલિવૂડ ડાન્સિંગનો સમાવેશ થાય છે.