કાલીમાતાને ધ્રુમ્રપાન કરતા દર્શાવતા ‘કાલી’ના પોસ્ટરને ટ્વીટરે દૂર કર્યાના થોડા કલાકોમાં કેનેડા સ્થિત મદુરાઈમાં જન્મેલી ફિલ્મનિર્માત્રી લીના મણિમેકલાઇએ ગુરુવાર (7 જુલાઇએ) હિન્દુ ધર્મની લાગણીને દુભાવતી વધુ એક તસવીર જારી કરી છે. ટ્વીટર હેન્ડલ પર પોસ્ટ કરેલી આ તસવીરમાં ભગવાન શિવ અને પાર્વતીના વેશમાં એક પુરુષ અને એક મહિલા ધુમ્રપાન કરી રહ્યાં છે. મણિમેકલાઇના આ ફોટાથી સોશિયલ મીડિયામાં ફરી રોષ ફેલાયો હતો. મણીમેકલાઇ સામે અત્યાર સુધી દિલ્હી, યુપી, ભોપાલ અને રતલામમાં એફઆઇઆર દાખલ કરાઈ છે. દરમિયાન આ પોસ્ટર્સને મુદ્દે વિવાદાસ્પદ ટીપ્પણી કરનારા ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રાને પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજીએ પરોક્ષ રીતે શીખામણ આપી છે કે તેઓ ધાર્મિક લાગણી ભડકાવતા નિવેદનો ન કરે.
મલિમેકલાઇનના વધુ એક ફોટોગ્રાફની તીવ્ર પ્રતિક્રિયા આવી હતી. નેટિઝને નિર્માતીને પબ્લિસિટી ભૂખી ગણાવી હતી. બીજી તરફ કેનેડા સ્થિત આગા ખાન મ્યુઝિયમે જણાવ્યું છે કે હિન્દુ અને બીજા ધર્મના સમુદાયના લોકોની લાગણી દુભાવવા બદલ તે ખેદ વ્યક્ત કરે છે અને ‘કાલી’ ડોક્યુમેન્ટની રજૂઆત ન કરવાનો નિર્ણય કર્યો છે. ઓટ્ટાવામાં ભારતીય મિશનને આ વિવાદાસ્પદ ફિલ્મ સંબંધિત તમામ ભડકાઉ સામગ્રી દૂર કરવાની કેનેડાના સત્તાવાળાને અનુરોધ કર્યો હતો.
આવા અપમાનજનક ફોટો શેર કર્યા બાદ લીના મણિમેકલાઇએ ગુરુવારે જણાવ્યું હતું કે હાલમાં તેને કોઇ જગ્યાએ સુરક્ષા લાગતી નથી. ગયા સપ્તાહે વિવાદ ઊભો થયા બાદ મણિમેકલાઇ, તેના પરિવાર અને સહયોગગીને બે લાખથી વધુ ઓનલાઇન એકાઉન્ટ તરફથી ધમકીઓ મળી છે. લીનાએ જણાવ્યું હતું કે “સૌથી મોટી લોકશાહીમાંથી સૌથી મોટો હેટ મશીન બનેલો સમગ્ર દેશ હવે મને સેન્સર કરવા માગે છે. તેને બ્રિટિશ અખબાર ગાર્ડિયનને આ પોસ્ટ ટેગ કરી હતી. ગાર્ડિયનને આપેલા ઇન્ટરવ્યૂમાં મણીમેકલાઇએ જણાવ્યું છે કે તેનો તમિલનાડુમાં હિન્દુ તરીકે ઉછેર થયો છે અને હાલમાં નાસ્તિક છે.
વાંધાજનક મેસેજ રોકવા ટ્વીટરને MPના પ્રધાન પત્ર લખશે
મધ્યપ્રદેશના ગૃહપ્રધાન અને રાજ્ય સરકારના પ્રવક્તા નરોત્તમ મિશ્રાએ ગુરુવારે જણાવ્યું હતું કે તેઓ લોકોની ધાર્મિક લાગણી દુભાવતી ટ્વીટ્સને રોકવા માટે ટ્વીટરને લેખિત રજૂઆત કરશે. મધ્યપ્રદેશ સરકાર મણિમેકલાઇ સામે લૂકઆઉટ સર્ક્યુલર ઇશ્યૂ કરવા પણ કેન્દ્રને રજૂઆત કરશે. તેમણે જણાવ્યું હતું કે વિકૃત માનસિકતા ધરાવતા લોકોએ પોસ્ટ કરેલી ટ્વીટને ટ્વીટરે ચેક કરવી જોઇએ. ટ્વીટરે આવા મેસેજને અટકાવવા જોઇએ.