ભારતનો લેજન્ડરી ટેનિસ સ્ટાર લીએન્ડર પેસ કારકિર્દીની ૧૦૦મી ગ્રાન્ડ સ્લેમમાં રમવાની તૈયારી કરી રહ્યો છે. આ સાથે તેણે આઠમી ઓલિમ્પિકમાં રમવાની પણ ઈચ્છા વ્યક્ત કરી છે. પેસે અગાઉ એવી જાહેરાત કરી હતી કે, ૨૦૨૦ની સિઝનના અંતે તે પ્રોફેશનલ ટેનિસમાંથી નિવૃત્તિ લેશે. પણ કોરોના વાઈરસના રોગચાળાના કારણે અચાનક બધુ સ્થગિત થઈ જતાં તેણે નિર્ણય બદલ્યો છે.
ટોકિયો ઓલિમ્પિકસમાં ભાગ લેવાની તક માટે પણ હવે તે આશાવાદી છે. ટોકિયો ઓલિમ્પિક્સ કોરોના વાઈરસના રોગચાળાના કારણે એક વર્ષ માટે સ્થગિત કરાઈ છે.લીએન્ડર પેસે એક ચેટશોમાં કહ્યું હતું કે, પોતે અત્યાર સુધી ૯૭ ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટ રમી ચૂક્યો છે. વધુ ત્રણ ગ્રાન્ડ સ્લેમ રમે તો ૧૦૦ ગ્રાન્ડ સ્લેમ રમવાનો રેકોર્ડ થઈ શકે અને તે પોતાના માટે મહત્વનો છે.
આ ઉપરાંત તેની નજર ટોકિયો ઓલિમ્પિક્સ ઉપર પણ છે. પોતે ટોકિયો ઓલિમ્પિક્સમાં રમી શકે તો એ તેની કારકિર્દીની આઠમી ઓલિમ્પિક્સ બની શકે છે અને એ પણ એક નવો રેકોર્ડ બની શકે. ૪૬ વર્ષના લીએન્ડર પેસે ૧૮ ગ્રાન્ડ સ્લેમ ડબલ્સ ટાઈટલ મેળવ્યા છે, જેમાં આઠ મેન્સ ડબલ્સ અને ૧૦ મિક્સ ડબલ્સ છે. તે ૧૯૯૧માં પ્રોફેશનલ ખેલાડી બન્યો હતો અને ૧૯૯૬માં આટલાન્ટ ઓલિમ્પિક્સમાં મેન્સ સિંગલ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ૧૯૯૨થી ૨૦૧૬ સુધીની તમામ ઓલિમ્પિક્સમાં તે ભાગ લઈ ચૂક્યો છે.