અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડન, રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિન, બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક, જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિડા સહિતના વૈશ્વિક નેતાઓએ ઓડિશા ટ્રેન દુર્ઘટના અંગે અસરગ્રસ્ત પરિવારો અને ભારત સરકાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. ઓડિશામાં શુક્રવારની રાત્રે થયેલી ટ્રેન દુર્ઘટનામાં ઓછામાં ઓછા 288 લોકોના મોત થયા હતા અને 800થી વધુ લોકો ઘાયલ થયા હતા.
બાઇડને એક નિવેદનમાં જણાવ્યું હતું કે ફર્સ્ટ લેડી ડૉ. જીલ અને હું ભારતમાં જીવલેણ ટ્રેન દુર્ઘટનાના દુ:ખદ સમાચારથી વ્યથિત છીએ. અમારી પ્રાર્થનાઓ એ લોકો માટે છે, જેમણે પ્રિયજનોને ગુમાવ્યા છે અને ઘાયલ થયેલા છે. યુનાઈટેડ સ્ટેટ્સ અને ભારત કુટુંબ અને સંસ્કૃતિના સંબંધોના ઊંડા બંધન ધરાવે છે, જે આપણા બે રાષ્ટ્રોને એક કરે છે અને સમગ્ર અમેરિકાના લોકો ભારતના લોકોની સાથે દુઃખ વ્યક્ત કરે છે.
રશિયાના વડાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટેલિગ્રામ કરીને જણાવ્યું હતું કે અમે આ દુર્ઘટનામાં અસરગ્રસ્તોના સંબંધીઓ અને નજીકના લોકો ગુમાવનારા લોકોના દુઃખમાં સહભાગી છીએ અને અમે ઘાયલ થયેલા દરેક વ્યક્તિ ઝડપથી સ્વસ્થ થાય તેની આશા રાખીએ છીએ
યુકેના વડા પ્રધાન સુનક ટ્વીટ કરીને જણાવ્યું હતું કે “મારી સંવેદના અને પ્રાર્થના નરેન્દ્ર મોદી અને ઓડિશાની દુ:ખદ ઘટનાઓથી પ્રભાવિત તમામ સાથે છે. મૃતકોના પરિવાર અને મિત્રો પ્રત્યે મારી ઊંડી સંવેદના. બચી ગયેલા લોકો અને પ્રતિસાદ આપવા માટે અથાક મહેનત કરી રહેલા લોકોને મારો હૃદયપૂર્વકનો ટેકો.
જાપાનના વડાપ્રધાન કિશિદાએ ટ્રેન દુર્ઘટના બાદ વડાપ્રધાન મોદીને શોક સંદેશ મોકલ્યો હતો. કેનેડાના વડાપ્રધાન ટ્રુડોએ કહ્યું હતું કે આ મુશ્કેલ સમયે કેનેડિયનો ભારતના લોકો સાથે ઉભા છે. પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે પીડિતોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી હતી.