લેસ્ટરમાં બેલગ્રાવેના બ્રુઇન સ્ટ્રીટમાં આવેલી ઓફ લાયસન્સ શોપના પાછળના ભાગે ગંદી રૂમમાં ગેરકાયદેસર દારૂ પીવાતો હોવાની, બહાર થૂંકવાની, અવિવેકી પાર્કિંગ ફરિયાદો બાદ લોકોને થતી પરેશાની રોકવા કાઉન્સિલ અધિકારીઓએ તપાસ કરી ઓફ-લાઇસન્સનુ લાયસન્સ રદ કર્યુ હતુ.
ઑક્ટોબર અને જાન્યુઆરીની વચ્ચેના પરિસરમાં અધિકારીઓએ તપાસ આદરી પાછળના સ્ટોરરૂમમાંથી ગંદકી વચ્ચે ખાલી બોટલ, ક્રિસ્પના પેકેટ્સ વગેરેની તસવીરો લીધી હતી. લોકો અંદર ન જૂએ તે માટે દુકાનની બારીઓના કાચ ઢાંકી દેવાયા હતા અને ડિસ્પ્લે યુનિટની આડશ ગોઠવાઇ હતી. અધિકારીઓ ગત તા. 29 જાન્યુઆરીએ દુકાનના પૂર્વ માલિક ધર્મેશ વોલ્બોની મુલાકાત લીધી ત્યારે પાછળના ભાગે એક શખ્સ પ્લાસ્ટિકના કપમાંથી પી રહ્યો હતો અને તે કપ તેણે શેલ્ફમાં છુપાવવાનો પ્રયાસ કર્યો હતો. ધર્મેશે છેવટે સ્વીકાર્યું હતુ કે અન્ય લોકો દુકાનમાં દારૂ પીતા હતા, જે માટે દુકાન પાસે લાઇસન્સ ન હતુ. સ્ટોર નવા મેનેજમેન્ટ હેઠળ હોવા છતાં કાઉન્સિલરોએ લાઇસન્સ છીનવી લેવાનું નક્કી કર્યું હતુ.
અનિલકુમાર ટંડેલે 18 માર્ચે ઓફ લાઇસન્સ બિઝનેસ સંભાળ્યો હતો અને કહ્યું હતું કે તેણે ધર્મેશ પાસેથી આ વ્યવસાય ખરીદ્યો છે, પરંતુ તે કોઈ દસ્તાવેજો રજૂ કરવામાં અસમર્થ રહ્યા હતા. ટંડેલ પાસે લાઇસન્સ રદ કરવા સામે અપીલ કરવા માટે 21 દિવસનો સમય છે.