લોહાણા સમુદાય અને યુકેમાં વસતા વિશાળ બ્રિટીશ ભારતીય સમુદાયના સદસ્યો પહેલા કરતા વધુ લાંબુ જીવન જીવી રહ્યાં છે અને તેને પગલે ઉભા થતા પડકારો, પ્રશ્નો અને મુદ્દાઓને ધ્યાનમાં લેવામાં ખૂબ જ ઉપયોગી થઇ પડે તેવો વધતી જતી વૃધ્ધોની વસ્તી અંગેનો વિસ્તૃત રીપોર્ટ લોર્ડ ડોલર પોપટ દ્વારા લોહાણા સમુદાય માટે તૈયાર કરવામાં આવ્યો છે.
લોર્ડ પોપટે મહત્વપૂર્ણ અહેવાલમાં જણાવ્યું હતું કે ‘’લોહાણા કોમ્યુનિટી નોર્થ લંડનના પ્રમુખ યતીનભાઇ દાવડા અને લોહાણા સોશિયલ સેન્ટરના અધ્યક્ષ ચંદુભાઈ રૂઘાણી દ્વારા સોંપાયેલી જવાબદારી બાદ કોવિડ-19 ફાટી નીકળતાં પહેલાં આ વર્ષની શરૂઆતમાં આ અહેવાલ તૈયાર કરવામાં આવ્યો હતો. કોરોનાવાયરસ રોગચાળો આપણા સૌના જીવનમાં આકરા અને અભૂતપૂર્વ પરિવર્તન લાવ્યો છે અને તેના કારણે ઘણાં લોકોના નિધન થયા છે. આપણા સમુદાયમાં વૃદ્ધોની વસ્તી વધતી જાય છે ત્યારે તેમને સૌને સારી સેવા આપવા અને તેમના કલ્યાણ અંગે લેવી જોઇતી તકેદારી અંગે આ અહેવાલમાં પ્રકાશ પાડવામાં આવ્યો છે.‘’
બ્રિટનના અગ્રણી ભારતીય ઉદ્યોગપતિ અને ભારતીય – લોહાણા સમુદાયના અગ્રણી લોર્ડ ડોલર પોપટે આ અહેવાલમાં વૃધ્ધાવસ્થા, જીવનપ્રણાલી, આરોગ્ય અને વિવિધ બાબતો અંગે પોતાના સૂચનો રજૂ કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે ‘’આધુનિક વિજ્ઞાન અને આરોગ્યસંભાળની એક મોટી ઉપલબ્ધિના કારણે વૃદ્ધોની સંખ્યા વધે છે ત્યારે આપણા સમુદાયને પ્રચંડ તકો પૂરી પાડવા સાથે તે ઘણા પડકારો પણ રજૂ કરે છે. આપણે આ પ્રશ્ન અંગે આપણે પૂરતી રીતે તૈયાર નથી તેથી સમુદાયના ઘણા સભ્યો ચિંતિત પણ છે. વધુ સમૃદ્ધ અને અસરકારક સમુદાય બનાવવા માટે આપણા મૂલ્યોના વધુ સારો ઉપયોગ જરૂરી છે. રીપોર્ટમાં સભ્યોએ ધ્યાનમાં લેવા માટે મહત્વની ભલામણોની શ્રેણી પ્રદાન કરી છે. રીપોર્ટમાં રજૂ કરાયેલા કેટલાક વિચારો આમૂલ છે તો કેટલાક ટીકાઓને આમંત્રણ આપે તેવા છે. પરંતુ 21મી સદીમાં જઇ રહેલા અહિં જન્મેલા લોહાણા અને સમગ્ર સમુદાય માટે તે જરૂરી છે, કારણ કે આપણને હવે વધુ સમય રાહ જોવાનું પોસાય તેમ નહીં. હું આશા રાખું છું કે આ અહેવાલ અમને યુકેમાં લોહાણા સમુદાય માટેનુ માપદંડ વધારવાની અને 21 મી સદીમાં લઈ જવા માટેની એક સરસ તક આપે છે.’’
આ અહેવાલમાં એકલતા, ડિમેન્શિયા, તબીબી સંભાળ, જાતીય અસમાનતા, નાણાકીય આયોજન, ભાવિ તકલીફો, નવી ટેક્નોલોજીની તાલિમ, સમુદાય આધારિત સંભાળ અને નિવૃત્તિ કેન્દ્રો સ્થાપવા અંગે રજૂઆત કરાઇ છે. વૃદ્ધાવસ્થાની અસર અને તેની સાથે કેવી રીતે વધુ સારી રીતે વર્તવું તે માટે ઉભા થયેલા મુદ્દાઓ પર પરિપક્વ ચર્ચા શરૂ કરશે એવી આશા રાખી છે.
યહૂદી અને ઇસ્માઇલી સમુદાયો સહિત 120 થી વધુ વ્યક્તિઓ અને સંગઠનોના એક વર્ષના સંશોધન – અભ્યાસ બાદ લોર્ડ પોપટે આ અહેવાલ તૈયાર કર્યો હતો. જે અહેવાલ લોહાણા તેમજ અન્ય સમુદાયના લોકોને આપવામાં આવશે. અહેવાલને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે.
આ અહેવાલની ભલામણો અને અસરો અંગે ચર્ચા કરવા કોવિડ-19ના સ્થિતી સુધરે તે પછી લોહાણા સમુદાય એક વિશેષ બેઠકનું આયોજન કરશે. આ અહેવાલની હાર્ડ કોપી મેળવવા માટે કૃપા કરીને [email protected] પર ઇમેઇલ કરવા વિનંતી છે.