ઘણી બધી ચઢ-ઉતર, વિવાદો અને મુશ્કેલીઓ બાદ બ્રેક્ઝિટનો અમલ અને નવા ટ્રેડ ડીલ પર હસ્તાક્ષર થયા બાદ યુકે એક નવા યુગમાં પ્રવેશી રહ્યું છે અને વિશ્વ સાથે બ્રિજ બનાવવાનો સમય આવી ગયો છે. વેપારની તકોને વિશ્વની ક્ષિતીજો સુધી લંબાવવાના પ્રયાસ તરીકે લોહાણા કોમ્યુનિટી નોર્થ લંડનના લિંક બિઝનેસ એન્ડ પ્રોફેશનલ નેટવર્ક દ્વારા રવાન્ડા, યુગાન્ડા અને ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોના વડા પ્રધાનના વેપાર દૂત લોર્ડ ડોલર પોપટના યજમાન પદે ‘રીઅલાઇઝીંગ આફ્રિકાઝ પોટેન્શીયલ’ વિષય પર એક વર્ચ્યુઅલ પ્રેઝન્ટેશનનું આયોજન કરવામાં આવ્યુ હતું.
આફ્રિકન ઉપખંડ સાથે ભારતીયો અને ખાસ કરીને ગુજરાતી સમુદાયને સીધા સંપર્કો, અનુભવ અને લાગણીના બંધનો છે ત્યારે આફ્રિકા આપણા માટે ફરીથી કનેક્ટ થવાનું એક સંપૂર્ણ સ્થળ છે. આફ્રિકા આ વિશ્વમાં મોટી ભૂમિકા નિભાવવાની તૈયારી સાથે આગળ વધી રહ્યું છે ત્યારે આ પ્રેઝન્ટેશનનો ઉદ્દેશ બ્રિટિશ ભારતીય ઉદ્યોગસાહસિકોની નવી પેઢીને પ્રોત્સાહન આપવાનો હતો.
આ પ્રેઝન્ટેશનમાં ત્રણ ખૂબ જ જાણીતા અને ડાયનેમિક આફ્રિકન ઉદ્યોગપતિઓ – મયુર માધવાણી (માધવાણી ગ્રુપના જોઇન્ટ મેનેજિંગ ડિરેક્ટર), વિમલ શાહ (બિડકો ગ્રુપ કેન્યાના સીઇઓ) અને કેન ગિઆમી (આફ્રિકા લીડરશીપ મેગેઝીનના સીઇઓ) ઉપસ્થિત રહ્યા હતા. પેનલે શ્રોતાઓને બિઝનેસની તકોને ઝડપી લેવા આફ્રિકા પાછા ફરવા, ખંડમાં ફરી રોકાણ કરવા અને તેમનામાં આત્મવિશ્વાસ પેદા કરવામાં મદદ કરી પ્રેરણા આપી હતી.
લોર્ડ પોપટે અથાક મહેનત કરી આફ્રિકા ખંડમાં વેપારની તકો અંગે ઝીણવટભરી માહિતી સાથેની સ્લાઇડ્સ રજૂ કરી જણાવ્યું હતું કે ‘’આફ્રિકા ખૂબજ મોટો ખંડ છે અને વિશ્વના કેટલાય દેશો કરતા ત્યાં વેપાર ધંધાની વિપુલ તકો છે. યુકેએ અફ્રિકામાં ઘણો મોટે શેર લુઝ કર્યો છે અને પૂર્વ વડાપ્રધાન થેરેસા મેએ પણ જણાવ્યું હતું કે આફ્રિકા પ્રતિ યુકેએ પોતાનો અભિગમ બદલવાની જરૂર છે. ચીન, અમેરિકા, ફ્રાન્સે ત્યાં પગ જમાવવા વિવિધ પગલા ભર્યા છે. ત્યાં ચીનનો બિઝનેસ £185 બિલીયન જેટલો છે. આપણે લંડન બ્રાન્ડનો ઉપયોગ કરવો જોઇએ અને માઇનીંગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એનર્જી, ખેતીવાડી, ફાર્મા અને હેલ્થ, મેન્યુફેક્ચરીંગ, ફાઇનાન્સ અને પ્રોફેશનમાં આપણી ક્ષમતાનો લાભ લેવો જોઇએ. યુકે સરકાર ટ્રેડ એન્વોય વધારી ગયા વર્ષે એક્સપોર્ટ ફાઇનાન્સ ફંડીંગ અંતર્ગત £4.4 બિલીયન ફાળવી 339 એક્સપોર્ટ પ્રોજેક્ટ્સ સાથે 47,000 જોબ્સ ઉભી કરી હતી. રવાન્ડા, કોંગો અને યુગાન્ડાના ટ્રેડ એન્વોય લોર્ડ પોપટે ત્યાંની વ્યાપક તકોનો ઉલ્લેખ કરી ત્યાં બિઝનેસ કરવા વિસ્તૃત માહિતી આપી હતી.
તેમણે જણાવ્યું હતું કે યુકેની અર્થવ્યવસ્થાને ફરીથી સેટ કરવા માટે બ્રિટનની રેડ ટેપ નિયમ પુસ્તિકાને અનલૉક કરવાનો સમય આવી ગયો છે. આફ્રિકાની પુષ્કળ તકોનો ઉપયોગ કરવામાં હજી મોડું નથી થયું, અને વર્તમાન સરકાર આ તરફ ઉત્પાદક પગલાં લઈ રહી છે.’’
1914માં સ્થપાયેલ અને ઇસ્ટ આફ્રિકામાં ખાનગી ક્ષેત્રના સૌથી મોટા ઉદ્યોગોમાંના એક તેમજ યુગાન્ડાની જીડીપીમાં 9% સુધી ફાળો આપતા માધવાણી ગ્રુપ ઑફ કંપનીઝના જોઇન્ટ મેનેજિંગ ડિરેક્ટર મયુર માધવાણીએ જણાવ્યું હતું કે ‘’હવે આફ્રિકા ખૂબ જ સેફ છે. યુગાન્ડા અને રવાન્ડામાં બિઝનેસ માટે વન સ્ટોપ પ્લેસ છે જ્યાંથી મંજૂરી મળે છે. તેથી બિઝનેસ સ્થાપવા એટલા અઘરા નથી. તમે લોકલ પાર્ટનર સાથે બિઝનેસ કરીને સારી પ્રગતિ કરી શકો છો. બ્રિટીશ બિઝનેસીસ માટે હજૂ પણ વિપુલ તકો રહેલી છે. ચાઇનીઝ બિઝનેસીસ ભલે રહ્યા પરંતુ આપણને જેવું ઇંગ્લીશ આવડે છે તેવું તેમનું નથી. લેબર લોઝનું સ્ટ્રક્ચર પણ ખૂબ સારૂ છે અને તેમાં પણ સુધારા થતા રહે છે.’’
અત્રે ઉલ્લેખનીય છે કે ‘’માધવાણી ગ્રુપ કૃષિ, કૃષિ-પ્રોસેસિંગ, વીમા, આઇટી, બાંધકામ અને પ્રોપર્ટી ડેવલપમેન્ટ, સુરક્ષા સેવાઓ, વેપાર, ઉર્જા, એર ટ્રાન્સપોર્ટ અને પર્યટન, યુગાન્ડા અને આ પ્રદેશમાં લક્ઝરી સફારી લોજની શ્રેણી ધરાવે છે અને 10,000થી વધુ લોકોને કામ આપે છે. યુગાન્ડામાં ગૃપનું વાર્ષિક ટર્નઓવર $600 મિલિયનથી વધુનું છે.
ઇસ્ટ આફ્રિકામાં ખાદ્યતેલો, હાઇજીન, પર્સનલ કેર પ્રોડક્ટ્સ, ફૂડ એન્ડ બેવરેજીસના અગ્રણી ઉત્પાદક બિડકો આફ્રિકાના અધ્યક્ષ વિમલ શાહે જણાવ્યું હતું કે ‘’તમે જે આફ્રિકા જોયું હતું તે હવે રહ્યું નથી. તમારી પાસે યુકેમાં છે તે બધી સવલત અમારી પાસે અહિં છે. હવે પેઢીઓ બદલાઇ ગઇ છે, સુરક્ષા છે અને અમારે લાંચ આપવી પડતી નથી. વેપાર છે એટલે કેટલાક ઇસ્યુ તો રહે. તમે અહિ ફરવા આવો અને પછી નિર્ણય લો, તો જ તમને વિકાસની તકો વિષે ખબર પડશે. આફ્રિકામાં મેન્યુફેક્ચરીંગ માટે વિપુલ તકો છે. મહિલાઓ દેશમાં ઘણું કરે છે. આમારી પાસે ફાઇબર ઓપ્ટીક કેબલથી લઇને ડીજીટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સોલાર એનર્જી, ડીજીટલ હેલ્થકેર માટે વિપુલ તકો છે. અમે જેને ભ્રષ્ટાચાર કહીએ છીએ તેના યુકે અમેરીકામાં લોબીઇંગ કહે છે.’’
અત્રે ઉલ્લેખનીય છે કે વિમલભાઇ શાહ સંચાલિત બિડકો આફ્રિકાના 18 દેશોમાં ફૂટપ્રિન્ટ્સ અને 60થી વધુ બ્રાન્ડ્સ ધરાવે છે. તેઓ એક પ્રતિષ્ઠિત વૈશ્વિક નેતા છે જે તમામ મોરચા પર અસરકારક તફાવત લાવી રહ્યા છે. 1960 માં કેન્યામાં જન્મેલા અને ભણેલા વિમલભાઇ ઉદ્યોગસાહસિકતા પ્રત્યે ઉત્સાહી છે.
આફ્રિકન ઉદ્યોગસાહસિક અને લંડન સ્થિત આફ્રિકન લીડરશીપ મેગેઝિન અને આફ્રિકા એનર્જી એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેગેઝિનના પ્રકાશક અને સીઈઓ કેન ગિઆમીએ જણાવ્યું હતું કે ‘’આફ્રિકામાં થોડીક ચેલેન્જીસ સાથે ખૂબ જ તકો રહેલી છે. સોલાર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મેન્યુફેક્ચરીંગ ક્ષેત્રે સારી તકો છે. અમારી પાસે વિપુલ માત્રામાં સોલાર ફાર્મ્સ છે.’’
પેનલે જણાવ્યું હતું કે 2050 સુધીમાં, વિશ્વની ચોથા ભાગની વસ્તી આફ્રિકન હશે જે અતિશય જુવાન અને મધ્યમ વર્ગની હશે. દર વર્ષે 24 મિલિયન લોકો તેના શહેરોમાં જોડાય છે. તેની સામૂહિક જીડીપી લગભગ $7 ટ્રીલીયન છે અને વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતા લોકોમાં તેનો સમાવેશ થાય છે. ત્યાં બિઝનેસની તકો અભૂતપૂર્વ દરે વધી રહી છે જેનુ મુલ્ય લગભગ $6 ટ્રિલીયન છે.
LCNL ની લિંકની સ્થાપના સમુદાયના દરેક લોકોને બિઝનેસની આંટીઘૂંટી તથા વિવિધ સુવિધાઓની રજૂઆતો દ્વારા શીખવવાના ધ્યેય સાથે સમુદાયને વિકાસમાં મદદ માટે કરવામાં આવી છે. આ પ્રેઝન્ટેશનને સફળ બનાવવા પેટા સમિતિ, અમિત કારીયા, રોનક પાવ, અમિત ચંદારાણા, જીત રૂઘાણી, સરજુ કોટેચા અને સંસ્થાના પ3મુખ યતિનભાઇ દાવડાનો આભાર વ્યક્ત કરાયો હતો. આ પ્રેઝન્ટેશનમાં વિવિધ દેશોના હાઇ કમિશ્નર, લોર્ડ કરણ બિલીમોરીયા, લોર્ડ રણબીર સુરી, સુભાષ ઠકરાર સહિત વૈશ્વિક સ્તરેથી 1500થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા.
- સંજય સી. રૂઘાણી અને જીત રૂઘાણી દ્વારા, LCNL LINK બિઝનેસ એન્ડ પ્રોફેશનલ નેટવર્ક.