Family First-Address to Reconciliation” scheme

ગુજરાતમાં પારિવારીક સંબંધો સુદૃઢ બને અને કૌટુંબિક વિવાદો ટળે તે માટે રાજ્ય સરકારે નવતર અભિગમ કર્યો છે. આ નવતર અભિગમ અંતર્ગત કૌટુંબિક વિવાદોના નિવારણ અને સુલેહ માટે “ફેમિલી ફર્સ્ટ-સમજાવટનું સરનામુ” યોજના અમલી બનાવવામાં આવી છે. આ યોજના હેઠળ જિલ્લા અને તાલુકા ક્ક્ષાએ સમિતિનું ગઠન કરાશે.

આ અંગે કાયદા પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું કે,જિલ્લા અને તાલુકા કક્ષાએ ‘ફેમીલી ફર્સ્ટ-સમજાવટનું સરનામું’ નો રાજ્ય સરકારનો અભિગમ જળવાય તે હેતુ કૌટુંબિક વિવાદોના જે કેસો નોંધાય તે તમામ કેસોના પક્ષકારોને સાંભળીને સ્થાનિક કક્ષાએ સમજાવટથી વિવાદોનો વધુમાં વધુ નિકાલ થાય તે મુજબની કામગીરી કરવામાં આવશે. કામગીરી નિભાવતા પક્ષકારોની પારિવારીક અને વ્યક્તિગત પ્રતિષ્ઠા તેમજ માન-મર્યાદા જળવાઇ રહે તેનું પણ ધ્યાન રાખવામાં આવશે.

પક્ષકારો સાથે યોગ્ય કાઉન્સલીંગ કરીને કેસનો નિકાલ કરાશે. પરિવાર કાયદાકીય પ્રક્રિયાઓ આધિન હેરાન પરેશાન થાય નહિ તે ધ્યાને રાખી સુલહ કરાવવાના બને તેટલા પ્રયત્નો કરવાના રહેશે. કૌટુંબિક સલામતી અને સુખાકારીને અસર કરતાં બધા જ મુદ્દાઓની તપાસ બાદ નિર્ણય કરાશે. જરૂર જણાય તો તત્કાલ આશ્રય સહિત જરૂરી કાળજી અને રક્ષણની પણ ચોકસાઇ કરાશે. સમિતિ સમક્ષ આવેલ દરેક કેસોનું દસ્તાવેજીકરણ કરીને જે તે કેસોની સવિસ્તાર અને સંક્ષિપ્ત નોંધ પણ રાખવામાં આવશે. પારિવારીક વિવાદોમાં સ્ત્રી અને બાળકોના હિતો જળવાય તે માટે જરૂર જણાય ત્યાં સરકારી-બિનસરકારી સંસ્થાઓ તથા સંગઠનોની મદદથી કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સામાજિક તપાસ, પુન:વસવાટ અને પુન:સ્થાપનનું પણ ધ્યાન રાખવામાં આવશે.

રાજ્યના લોક કલ્યાણને ઉત્તેજન આપવા તથા સામાજીક દૃષ્ટિએ ન્યાય ઉપલબ્ધ થઇ શકે તેવી અસરકારક સામાજીક વ્યવસ્થાનું સર્જન કરવું એ રાજ્ય સરકારની પ્રાથમિકતા છે. કૌટુંબિક વિવાદોના નિવારણ કોર્ટની બહાર તથા સામાજીક, ધાર્મિક અને સમાજના પ્રતિષ્ઠીત વ્યક્તિઓની દરમિયાનગીરીથી સમાધાન થાય તેવા શુભ આશયથી આ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

કૌટુંબિક વિવાદો ટળે અને રાજ્યના નાગરીકોની માનસિક અને શારીરિક સ્વસ્થતા જળવાઇ રહે તેવા ઉમદા આશયથી રાજ્ય સરકારે ફેમીલી ફર્સ્ટ-સમજાવટનું સરનામું યોજનાની પહેલ કરી છે.જે ધ્યાને રાખીને પારિવારીક વિવાદો લઇને આવેલ પરિવારના સભ્યો તેમજ બાળકોને કેસ ચાલે ત્યાં સુધી બેસાડવાની તેમજ અન્ય વ્યવસ્થા કરવાની રહેશે.