વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ (IMC 2022)નું ઉદ્ઘાટન કર્યું હતું. આ અવસરે પ્રથમ તબક્કામાં અમદાવાદ, બેંગલુરૂ, ચંદીગઢ, ગાંધીનગર, ગુરૂગ્રામ, હૈદરાબાદ, જામનગર, કોલકાતા, ચેન્નાઈ, લખનૌ, પુણે, દિલ્હી અને મુંબઈ જેવા 13 શહેરોમાં 5G નેટવર્ક સર્વિસ શરૂ થઈ છે અને ટૂંક સમયમાં જ તેનો વ્યાપ વધારવામાં આવશે. ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસની આ છઠ્ઠી આવૃત્તિ છે અને 4 ઓક્ટોબર સુધી તે યોજાશે. આ પ્રસંગે વડાપ્રધાન મોદીની સાથે રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી અને રિલાયન્સ જિયોના ચેરમેન આકાશ અંબાણી ઉપસ્થિત રહ્યા હતા.
આકાશ અંબાણીએ 5G સર્વિસ અંગે કહ્યું હતું કે, ડિસેમ્બર 2023 સુધીમાં દેશના દરેક રાજ્યોમાં 5G સર્વિસ ઉપલબ્ધ થઈ જશે.
આ દરમિયાન વડાપ્રધાને પ્રગતિ મેદાનમાં પ્રદર્શન નિહાળ્યું હતું. 5G ટેલિકોમ સર્વિસ સીમલેસ કવરેજ, હાઈ ડેટા રેટ આપશે. ભારતના ત્રણ મોટા ટેલિકોમ ઓપરેટર્સે દેશમાં આ આધુનિક 5G ટેક્નોલોજીની ક્ષમતા દેખાડવા માટે વડાપ્રધાન સમક્ષ એક-એક યુઝર્સ કેસ પણ રજૂ કર્યા હતા. વડાપ્રધાને મેડિકલ ક્ષેત્રે 5Gના કારણે શું સુવિધાઓ મળશે તેની માહિતી મેળવી હતી અને કઈ રીતે ડિફેન્સ અને કૃષિ સેક્ટરમાં 5G બાદ પરિવર્તન આવશે તેનો ડેમો મેળવ્યો હતો. આ ઉપરાંત તેમણે ‘જિયો ગ્લાસ’ પહેરીને પોતે અનુભવ મેળવ્યો હતો અને યુવા જિયો એન્જિનિયર્સની ટીમે તેમને એન્ડ-ટુ-એન્ડ 5G ટેક્નોલોજીના સ્વદેશી વિકાસ વિશે માહિતી આપી હતી.