લતા મંગેશકરનો જન્મ મધ્યપ્રદેશના ઈંદોર ખાતે એક સામાન્ય પરિવારમાં થયો હતો. 28 સપ્ટેમ્બર, 1929ના રોજ જન્મેલા લતા મંગેશકરનું સાચું નામ હેમા હરિડકર હતું. તેમના પિતાએ તેમના ગામ મંગેશી પરથી બાળકોની અટક મંગેશકર કરી દીધી હતી. હેમાએ સંગીતની દુનિયામાં ડગ માંડ્યા અને તેઓ લતા મંગેશકર તરીકે ઓળખાયા. લતા મંગેશકર નાના હતા ત્યારે જ તેમના પિતાનું અવસાન થયું હતું અને ઘરની જવાબદારી તેમના માથે આવી ગઈ હતી.
લતા મંગેશકરે પોતાની નાની બહેનોને ભણાવવા માટે પોતાનો અભ્યાસ જતો કર્યો હતો. ઘરની નબળી આર્થિક પરિસ્થિતિના કારણે તેમણે શાળાએ જવાનું છોડી દીધું હતું અને ઘરે રહીને ભણવાનું ચાલુ કર્યું હતું. તેમણે પહેલેથી પોતાના પિતા સાથે મરાઠી સંગીત નાટકોમાં કામ કરેલું હતું. આ સાથે જ 14 વર્ષની ઉંમરે તેમણે મોટા શો અને નાટકોમાં અભિનયની શરૂઆત કરી હતી.
1942ના વર્ષમાં તેમના પિતાનું અવસાન થયું હતું અને 7 વર્ષ બાદ ઘરની આર્થિક સ્થિતિમાં સુધારો થવા લાગ્યો ત્યારે આશા ભોસલેએ લવ મેરેજ કરી લીધા હતા. આ કારણે લતા મંગેશકર તેમના પર ખૂબ જ રોષે ભરાયા હતા અને બંને વચ્ચે અણબનાવ થયો હતો. 1949માં આશાએ ગણપતરાવ ભોસલે સાથે લવ મેરેજ કર્યા હતા.
આશાએ લગ્ન કરી લીધા ત્યાર બાદ ફરી એક વખત ઘરની તમામ જવાબદારી લતા મંગેશકરના ખભે આવી ગઈ હતી. જોકે ત્યાં સુધીમાં તેઓ પોતે ખૂબ પ્રખ્યાત થઈ ગયા હતા અને લોકો તેમને આશા કરતાં પણ વધારે માન આપતા હતા. એક ઈન્ટરવ્યુ દરમિયાન લતા મંગેશકરે પોતે પરિવારની જવાબદારીના કારણે કદી લગ્ન વિશે વિચારી જ ન શક્યા તેમ જણાવ્યું હતું. લતા મંગેશકરને તેમનાથી નાના 4 ભાઈ-બહેન છે જેમાં બહેનોના નામ મીના મંગેશકર, આશા ભોસલે, ઉષા મંગેશકર અને ભાઈનું નામ હૃદયનાથ મંગેશકર છે.
ભારતમાં લતા મંગેશકરનું નામ એક કિવદંતી સમાન રહ્યું. દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરૂએ લતા મંગેશકરને ‘સ્વર કોકિલા’ એવી ઉપાધિ આપી હતી. જોકે લતાજીને જે ટાઈટલની સૌથી વધારે ચાહત હતી એ હતું ‘પ્રિન્સેઝ ઓફ ડુંગરપુર’. એ જ ડુંગરપુર જે રાજસ્થાનનું એક રજવાડું હતું. પ્રસિદ્ધ ક્રિકેટર અને ભારતીય ક્રિકેટ ટીમના મેનેજર રહી ચુકેલા રાજસિંહ ડુંગરપુર સાથે લતાના ખાસ સંબંધોની ચર્ચા સોશિયલાઈટ અને સંગીતની દુનિયામાં ખૂબ જ અદબ સાથે થાય છે.
બિકાનેરના રાજકુમારી રાજ્યશ્રી જેઓ ડુંગરપુરના બહેનના દીકરી છે તેમણે પોતાની આત્મકથા ‘પેલેસ ઓફ ક્લાઉડ્સ- એ મેમોયર’ (બ્લૂમ્સબરી ઈન્ડિયા 2018)માં લખ્યું હતું કે, બંનેની મુલાકાત ક્રિકેટના દીવાના એવા લતાના ભાઈ હૃદયનાથ મંગેશકર દ્વારા થઈ હતી. હૃદયનાથ મંગેશકર અને ડુંગરપુર વચ્ચે મિત્રતા હતી અને એ મિત્રતામાં લતાની એન્ટ્રી થઈ અને તેમની મુલાકાત રાજસિંહ ડુંગરપુર સાથે થઈ. આ સંબંધને લઈ ડુંગરપુરનું શાહી ઘરાણું જ નહીં પણ ડુંગરપુર ખાનદાન સાથે સંકળાયેલા અન્ય રાજ પરિવારો પણ આ સંબંધને એ સ્થાન ન આપી શક્યા જેનું તે હકદાર હતું.